સાગર સંઘાણી
જામનગરના બેડી વિસ્તારમાં કેટલા આયોજકો દ્વારા કોઈપણ પ્રકારનો વીજ જોડાણ મેળવ્યા વિના ગેરકાય તે રીતે નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટ રમાડાતી હોવાની માહિતી ના આધારે પીજીવીસીએલની ચેકિંગ ટુકડીએ ગઈકાલે મોડી રાત્રે એસઆરપી અને વિજ પોલીસ ટીમની મદદ લઈને દરોડો પાડ્યો હતો, અને લાખોની વિજ ચોરી પકડી પાડી છે, જ્યારે ૪૦૦ મીટરથી લાંબો હેવી વીજવાયર તથા અન્ય ઉપકરણો કબજે કરી લેવાયા છે. આ કાર્યવાહીને લઈને ભારે નાશભાગ મચી ગઈ હતી ત્યારે બેડી વિસ્તારમાં નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટ દરમિયાન વીજ ચોરી કરનાર આયોજકને રૂપિયા પાંચ લાખનું બિલ ફટકારવામાં આવ્યું હતું.
પ્રાપ્ત વિગતો અનુસાર આ ઘટના જામનગરના બેડેશ્વર વિસ્તારની છે જ્યાં ગેરકાયદે વીજ જોડાણ મેળવીને નાઇટ ટુર્નામેન્ટ રમાડવામાં આવી હતી અને તે ટુર્નામેન્ટનું નામ રમજાન સ્પેશિયલ ડેઇલી ટુર્નામેન્ટ રખાયું હતું, આ ટુર્નામેન્ટ ૨૫ માર્ચથી શરૂ થઈને ૨૩ એપ્રિલે ફાઇનલ રમાવાનો હતો, જેના માટેની ઓનલાઈન લાઈવ પ્રસારણ સ્કોરની એપ્લિકેશન પણ બનાવેલી હતી. લંગરીયું વિજ જોડાણ મેળવીને નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટ રમાડવામાં આવી રહી હતી. જે માહિતીના આધારે વિજ તંત્રની ટીમ ત્રાટકી હતી.
ગઈ રાત્રે પાડેલા દરોડા દરમિયાન સુલેમાનભાઈ દલ નામના આયોજક દ્વારા કોઈ પણ પ્રકારનું વીજ જોડાણ મેળવ્યા વિના ગેરકાયદે પાવર ચોરી કરીને નાઈટ ટુર્નામેન્ટ રમાડાતી હોવાનું વીજ તંત્રને ધ્યાનમાં આવ્યું હતું. ૪૦૦ મીટર દૂર સુધી હેવી વીજ વાયર ખેંચીને ટ્રાન્સફોર્મરમાં જોડવામાં આવ્યો હતો, અને ત્યાંથી મોટાપાયે વીજ ચોરી કરવામાં આવતી હોવાનું ધ્યાનમાં આવ્યું હતું.જેથી વીજતંત્રની ટીમે બનાવ ના સ્થળ પરથી હેવી વીજવાયર તથા તેને જોડવા માટેના ફ્યુઝ સહિતના અન્ય ઇલેક્ટ્રીક ઉપકરણો વગેરે કબજે કરી લેવામાં આવ્યા છે.
જુદી જુદી ચાર ચેકિંગ ટુકડીઓ દ્વારા વીજ પોલિસના ચાર જવાનો તેમજ આઠ એસઆરપીના જવાનોને સાથે રાખીને ચેકિંગ હાથ ધર્યું હતું જેમાં વીજ ટ્રાન્સફોર્મર માંથી સીધું વિજ જોડાણ મેળવી ચોરી કરવામાં આવતી હોવાનું ધ્યાને આવતા તંત્ર દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટના આયોજક સુલેમાનભાઈ ઉંમરભાઈ દલને રૂપિયા પાંચ લાખ નું વીજ ચોરીનું પુરવણી બિલ ફટકારવામાં આવ્યું છે. આટલા દિવસથી નાઈટ ટુર્નામેન્ટ ચાલી રહી હતી, અને તે માટેનું કોઈ પણ પ્રકારનું વીજ જોડાણ પણ મેળવાયું નહોતું, જેથી વિજ તંત્ર આનાથી અજાણ કેમ રહ્યું હશે, તે પણ એક સવાલ ઊભો થાય છે.