બન્ને દેશો વચ્ચે મુક્ત વેપાર કરારનો વ્યાપ વધારવાના પ્રયાસો: બન્ને દેશો વચ્ચેના ગાઢ વ્યાપારી સંબંધોથી અર્થતંત્રને મળશે વેગ
ભારત અને ઓસ્ટ્રેલિયાના સંબંધો ભારતના અર્થતંત્રને મોટા પ્રમાણમાં વેગ આપશે. કારણકે હજુ પણ બન્ને દેશો વચ્ચે મુક્ત વેપારને વધુ સારી રીતે લાગુ કરવાના પ્રયાસો ચાલુ છે. જેના થકી બન્ને દેશો વચ્ચે આગામી નવ મહિનામાં 8 લાખ કરોડનો વેપાર થવાનો છે.
ભારત અને ઓસ્ટ્રેલિયા આ વર્ષના અંત સુધીમાં મુક્ત વ્યાપાર કરારના વ્યાપને વિસ્તારવા માટે મંત્રણા પૂર્ણ કરવા માંગે છે. બંને દેશોએ દ્વિપક્ષીય વેપારને રૂ. 8 લાખ કરોડ સુધી વધારવાનું લક્ષ્ય નક્કી કર્યું છે. આ મુદ્દે બંને દેશોએ શનિવારે પોતાની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો.
ભારતના વાણિજ્ય પ્રધાન પીયૂષ ગોયલ અને તેમના ઓસ્ટ્રેલિયન સમકક્ષ ડોન ફેરેલ વચ્ચેની વાતચીત દરમિયાન આ મુદ્દા પર ચર્ચા થઈ હતી. ફેરેન ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનીઝ સાથે ભારતની સત્તાવાર મુલાકાતે છે.
ગયા વર્ષે 29 ડિસેમ્બરે ભારત અને ઓસ્ટ્રેલિયાએ બંને દેશો વચ્ચે આર્થિક સહયોગ અને વેપાર કરાર લાગુ કર્યો હતો. બંને દેશો હાલમાં વ્યાપક આર્થિક સહકાર કરારને અંતિમ સ્વરૂપ આપવા માટે વાટાઘાટો કરી રહ્યા છે. પત્રકારો સાથે વાત કરતા ગોયલે કહ્યું કે સિટીએ એ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આર્થિક જોડાણનો પ્રથમ તબક્કો હતો. અમે હવે વાતચીતના બીજા તબક્કામાં પ્રવેશી રહ્યા છીએ. આ રાઉન્ડમાં, અમે વાતચીતને વ્યાપક અવકાશમાં લઈ જઈશું.
આ પહેલા 10 માર્ચે ઈન્ડિયા ઓસ્ટ્રેલિયા સમિટ દરમિયાન ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન અલ્બેનિસે કહ્યું હતું કે બંને દેશો 2023 સુધીમાં સીઇસીએને અંતિમ સ્વરૂપ આપવા માંગે છે. આ દરમિયાન, એક સંયુક્ત નિવેદન જારી કરવામાં આવ્યું હતું કે બંને દેશો આગામી ત્રણ મહિનામાં માઇગ્રેશન એન્ડ મોબિલિટી પાર્ટનરશિપ એરેન્જમેન્ટ ને લાગુ કરવા પર કામ કરી રહ્યા છે. આ માટે બંને દેશોના વડાપ્રધાનોએ પોતપોતાના મંત્રીઓને સૂચના આપી છે.