ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઓપરેશનને સુગમ બનાવવા અત્યાર સુધી બનાવાયેલા ઈન્ફ્રાસ્ટ્રક્ચરની વેલ્યુને અનલોક કરવા નિર્ણય
૪ વર્ષમાં કઈ-કઈ સરકારી સંપત્તિ વેચવામાં આવશે તે બાબતે સરકારે જણાવ્યું છે. હાલમાં લાવવામાં આવેલ નેશનલ મોનેટાઈઝેશન પાઈપલાઈન હેઠળ એનટીપીસી લિમિટેડ, નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા અને એરપોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા સહિત ઘણી સરકારી કંપનીઓની અસેટ્સની ઓળખ કરવામાં આવી છે.
નાણા રાજ્યમંત્રી ભાગવત કરાડે લોકસભામાં એક લેખિત જવાબમાં આ વાત જણાવી છે. જે કંપનીઓના ઈન્ફ્રાસ્ટ્રક્ચર અસેટ્સના મોનેટાઈઝેશન માટેની ઓળખ કરાઈ તેમાં એનએચએએલ, એએઆઈ, પીજીસીઆઈએલ, એનટીપીસી, એનએચપીસી, એનએલસી ઈન્ડિયા, એફસીઆઈ, જીએઆઈએલ, આઈઓસીએલ, એચપીસીએલ, બીએસએનએલ, એમટીએનએલ અને બીબીએનએલ સામેલ છે. તેમણે કહ્યું કે નવું ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવાની ગતિ ઝડપી કરવા અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઓપરેશનને સુગમ બનાવવા માટે અત્યાર સુધી બનાવાયેલા ઈન્ફ્રાસ્ટ્રક્ચરની વેલ્યુને અનલોક કરવાનો નિર્ણય કરાયો છે.
ઓગસ્ટમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે નેશનલ મોનેટાઈઝેશન પાઈપલાઈનને લૉન્ચ કરી હતી. જેમાં બ્રાઉનફીલ્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર એસેટ્સને વેચવા માટે ૪ વર્ષની યોજના બનાવવામાં આવી છે. જે હેઠળ નાણાકીય વર્ષ ૨૦૨૨થી નાણાકીય વર્ષ ૨૦૨૫ સુધી ૬ લાખ કરોડ રૂપિયાની એસેટ્સ વેચાઈ શકે છે. જેમાં રસ્તા, પરિવહન અને રાજમાર્ગ, રેલવે, વીજળી, પાઈપલાઈન અને નેચરલ ગેસ, સિવિલ એવિએશન, શિપિંગ પોર્ટ્સ એન્ડ વૉટરવેઝ, ટેલિકોમ્યુનિકેશન્સ , ખાદ્ય અને સાર્વજનિક વિતરણ, માઈનિંગ, કોલ, હાઉસિંગ અને અર્બન અફેર્સ મંત્રાલય સાથે જોડાયેલી અસેટ્સ સામેલ છે.
સીતારમણે ત્યારે કહ્યું હતું કે સરકાર માત્ર અંડર-યુટિલાઈઝ્ડ એસેટ્સને વેચશે. જેનો હક સરકાર પાસે જ રહેશે અને પ્રાઈવેટ સેક્ટરના પાર્ટનર્સે ચોક્કસ સમય બાદ અનિવાર્યરૂપે પરત કરવાની રહેશે. તેમણે કહ્યું કે અમે કોઈ જમીન વેચી રહ્યા નથી. નેશનલ મોનેટાઈઝેશન પાઈપલાઈનમાં બ્રાઉનફીલ્ડ એસેટ્સની વાત કરવામાં આવી છે કે જેને સારી રીતે મોનેટાઈઝ કરવાની જરૂર છે. મોનેટાઈઝેશનથી મળતા સંસાધનોનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર બિલ્ડિંગમાં રોકાણ કરવામાં આવશે.
શું આગામી ૧૬-૧૭ની બેંક હડતાળ પાછી ઠેલાશે ?
બે રાષ્ટ્રીયકૃત બેંકના ખાનગીકરણના વિરોધ મુદ્દે આગામી ૧૬-૧૭મીએ બેંક કર્મચારીઓ દ્વારા હડતાળનું એલાન કરવામાં આવ્યું છે ત્યારે નાણાં પ્રધાન નિર્મલા સિતારમણે સ્પષ્ટ કહ્યું છે કે, રાષ્ટ્રીયકૃત બેંકના ખાનગીકરણ અંગે હજુ કોઈ જ નિર્ણય લેવાયો નથી. આ અંગે વધુ ગાઢ ચર્ચા કર્યા બાદ જ કોઈ નિર્ણય લેવામાં આવશે. ત્યારે જો ખાનગીકરણની વાત જ હજુ હવામાં હોય તો તેનો વિરોધ હાલના તબક્કે કરવાનો કોઈ વિષય જ રહેતો નથી. જેથી બેંકની હડતાળ પાછી ઠેલાય તેવું લાગી રહ્યું છે.