એક વર્ષની મહેનત રંગ લાવી: 10 હજાર પક્ષીઓ કરશે વસવાટ
જેતપુર તાલુકાના નવી સાંકળી ગામે ખેડૂત દ્વારા કરવામાં આવતી છેલ્લા એક વર્ષની મહેનત રંગ લાવી છે. ધરતી પુત્રએ રૂ.20 લાખના ખર્ચે પક્ષીઓના વસવાટ માટે જાણે માટલાનો બંગલો બનાવ્યો છે. જેમાં 10 હજાર જેટલા પક્ષીઓ વસવાટ કરી શકશે.
જેતપુર તાલુકાના નવી સાંકળી ગામના ખેડૂત ભગવાનજીભાઈ રૂપાપરાએ 10 હજાર પક્ષી રહી શકે એવો બંગલો બનાવ્યો છે. કડકડતી ઠંડી, ધોમધખતા તાપ અને મુશળધાર વરસાદમાં માણસોને પણ મુશ્કેલી પડે છે, ત્યારે અબોલ પક્ષીઓનું શું થતું હશે એવા વિચારથી તેમણે આ બીડું ઝડપ્યું હતું. આ વિચાર તેમણે પરિવારજનો સામે રજૂ કર્યો અને પરિવારના મોભીનો આ વિચાર તેમણે વધાવી પણ લીધો. એટલું જ નહીં, આ માટે તેમનાં સંતાનોએ સંપૂર્ણ ખર્ચ કરવાની પણ તૈયારી બતાવી.
ભગવાનજીભાઈએ એન્જિનિયરની મદદ લીધા વિના ફક્ત કોઠાસૂઝથી 2500 માટલાનો 140 ફૂટ લાંબો, 70 ફૂટ પહોળો અને 40 ફૂટ ઊંચો શિવલિંગ આકારનો ચબૂતરો બનાવ્યો છે. આ માટે ખાસ વાંકાનેરથી બે પ્રકારના નાના-મોટા માટલાનો સ્પેશિયલ ઓર્ડર અપાયો હતો.એેનો ખર્ચ 20 લાખ જેટલો થયો. પંખીઘરમાં તેમણે 2500 પાકાં માટલાં જે ક્યારેય તૂટે નહીં એવાં બનાવ્યાં અને ગ્રામપંચાયત દ્વારા આપેલા પ્લોટમાં પોતાની કોઠાસૂઝ મુજબ કામ આગળ વધાર્યું. અસલ ગેલ્વેનાઈઝના બોરની પાઇપથી ગોળ આકારની માટલા રાખવા માટે બાઉન્ડરી બનાવી, જેમાં માટલાં બાંધવા માટે સ્ટીલના વાળાનો ઉપયોગ કર્યો, જે ક્યારેય તૂટે નહીં અને ચોમાસા દરમિયાન જો વીજળી પડે તોપણ ખાસ વીજળી તાર બનાવેલા, જેથી અંદર બેસેલાં પંખીને કઈ થાય નહીં.