દીપાવલી પર્વે રાજકોટના કલેકટર ડો.રાહુલ ગુપ્તાનો શુભકામના સંદેશ
દીપાવલી પર્વ અને વિક્રમ સંવંતના નૂતન વર્ષ નિમિત્તે રાજકોટ કલેક્ટર ડો. રાહુલ ગુપ્તાએપ્રજાજનોએ શુભકામનાઓ પાઠવી છે અને સકારાત્મક્તાથી જીવનને છલોછલ ભરવાનો નૂતન સંકલ્પ કરવા આહ્વાન કર્યું હતું.
કલેક્ટર ડો. રાહુલ ગુપ્તાએ જણાવ્યું કે જીવનની ઘટમાળને થોડા દિવસો એક તરફ રાખી કોઇ પર્વને ઉત્સાહપૂર્વક ઉજવવાની આપણી પ્રાચીન પરંપરા છે. એમાંય નૂતન વર્ષનું તમામ પ્રાંત, ધર્મમાં આગવું મહત્વ છે. ખરેખર તો નૂતન વર્ષ એટલે આવનાર વર્ષમાં કંઇક નવું કરવાનું પ્રોત્સાહક પરિબળ, ગત્ત વર્ષમાં થયેલી ભૂલો કે રહેલી ક્ષતિઓ ભવિષ્યમાં સુધારવાની તક પૂરી પાડે છે. એટલે નૂતન વર્ષ માત્ર એક બીજાને શુભકામનાઓ પાઠવવા પૂરતું સીમિત નથી, એથી આગળ વધીને લોકહિત માટે નાનુ તો નાનુ કાર્ય કરવાનો સંકલ્પ લેવો જોઇએ.
દીપાવલિ દરમિયાન પ્રકાશનું મહાત્મ્ય છે. પ્રકાશનું પ્રત્યેક કિરણ આશાઓથી ભરેલું હોય છે. માહ્યલામાં સકારાત્મક્તાનો દીવડો પ્રગટાવી નકારાત્મક્તારૂપી અંધકાર દૂર કરવાનો અવસર છે. ચાલો સૌ સાથે મળી પરસ્પર સહયોગ, સૌહાર્દ, શાંતિ અને જ્ઞાનનો પ્રકાશ ચોમેર ફેલાવીએ.
કલેક્ટરશ્રીએ દીપાવલી પર્વની ઉજવણી પ્રકૃત્તિ, અબાલવૃદ્ધને કોઇ નુકસાન ન થાય એ રીતે કરવા જાહેર વિનંતી પણ કરી છે. તેમણે કહ્યું છે કે ખાસ કરીને જ્યારે ફટાકડા ફોડવામાં આવે ત્યારે નિયમો અને સૂચનાઓ પ્રત્યે તકેદારી લેવામાં આવે એ જરૂરી છે. જેથી કોઇ પણ પ્રકારની હાનીથી બચી શકાય અને દીપાવલી પર્વની ઉજવણી આનંદ-ઉલ્લાસ સાથે કરી શકાય.