- જ્યુબિલી પાસે લોટરી બજારમાં દુકાન ધારક મહિલા વેપારીને અજાણ્યા શખ્સોએ માર માર્યો
- શહેરના નવા થોરાળામાં સર્વોદય સોસાયટી શેરી નં. 3માં યુવકને મહિલા સહિત બે એ લાકડાના ધોકા વડે ફટકાર્યો. જ્યારે જયુબેલી શાક માર્કેટ પાસે લોટરી બજારમાં મહિલા વેપારીને અજાણ્યા માણસોએ માર માર્યો.
પ્રાપ્ત માહિતી અનુસાર, શહેરના નવા થોરાળામાં સર્વોદય સોસાયટી શેરી નં. 3માં રહેતા વિક્રમભાઈ કરશનભાઈ પરમાર (ઉં.વ.30) નામના યુવકને હરિ રાઠોડ અને રાણી પરમાર એ લાકડાના ધોકા વડે માર મારતા યુવકને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. પોલીસની પ્રાથમિક તપાસમાં યુવાનના મોટાભાઈ ભરતભાઈએ જણાવ્યા અનુસાર, વિક્રમ રાણીબેન પરમારની શેરીમાં મિત્રો સાથે બેઠો હતો, ત્યારે હરિભાઈ રાઠોડ ત્યાંથી નશો કરેલી હાલતમાં પસાર થયા હોય અને વિક્રમને ગાળો બોલવા લાગ્યા હોય, જેથી બંને વચ્ચે માથાકૂટ થતાં રાણી પરમારે વિક્રમને માર મારવા હરી રાઠોડને લાકડાનો ધોકો આપ્યો, માથામાં ગંભીર ઇજા થતાં યુવકના ભાઈએ તેને સારવાર માટે સિવિલમાં દાખલ કર્યો છે. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે થોરાળા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની વધુ તપાસ હાથ ધરી છે. રાણી પરમાર સાથે અગાઉ પણ યુવકને માથાકૂટ થઇ હોવાનું તેના મોટા ભાઈએ જણાવ્યું છે. પોલીસે બનાવની તપાસ હાથ ધરી ધોરણસરની કાર્યવાહી આદરી છે.
જ્યારે શહેરના જ્યુબેલી શાકમાર્કેટ નજીક લોટરી બજારમાં ઠાકર હોટલની સામે દુકાન ધરાવતા ભાવનાબેન અરવિંદભાઈ જાદવ (ઉં.વ.42) નામના મહિલા વેપારીને પોતે પોતાની દુકાને હતા ત્યારે અજાણ્યા માણસોએ દુકાને આવીને મહિલા સાથે ઝઘડો કરી લાકડાના પાટીયા વડે માર મારતા તેણીને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. બનાવને પગલે હોસ્પિટલ ચોકીના સ્ટાફે એ ડિવિઝન પોલીસ મથકને જાણ કરતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.