અમદાવાદ ગયેલા પરિવારને ત્યાં કામે આવતા નેપાળી પરિવારે રૂ.૪.૫૬ લાખની મત્તાનો કર્યો હાથફેરો
શહેરના કાલાવડ રોડ પર આવેલી નંદનવન સોસાયટીમાં જમીન મકાનના ધંધાર્થીના બંગલામાંથી રૂ.૪.૫૬ લાખની મત્તાનો હાથફેરો કર્યાની અને ચોરી ઘરે રસોઇ બનાવવા કામે આવતા નેપાલી દંપત્તીએ કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ નંદનવન સોસાયટીમાં અભિષેક વિલા નામના બંગલામાં રહેતા જમીન મકાનના ધંધાર્થી વલ્લભભાઇ દેવજીભાઇ ટાંકે તેના બંગલામાંથી રૂ.૪.૫૬ લાખની મત્તા રતન ખડકા સાંઇ અને તેની પત્ની લક્ષ્મી રતન સાંઇ તેમજ એક અજાણ્યા શખ્સે ચોરી કર્યાની યુનિર્વસિટી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
વલ્લભભાઇ ટાંક પરિવાર સાથે સંબંધીને ત્યાં અમદાવાદ ગયા હતા ત્યારે બે દિવસ માટે બંધ રહેલા મકાનને તસ્કરોએ નિશાન બનાવી દરવાજાના તાળા તોડી તિજોરીમાં રહેલા સોના-ચાંદીના ઘરેણા અને રોકડ રકમ ચોરાઇ હતી.
વલ્લભભાઇ ટાંકે સીસીટીવી ફુટેજની તપાસ કરતા તેમને ત્યાં ગત તા.૪ એપ્રિલે રસોઇ કરવાના કામે આવેલા રતન સાંઇ, તેની પત્ની લક્ષ્મી સાંઇ અને એક અજાણ્યા શખ્સે ચોરી કર્યાનું જોવા મળતા વલ્લભભાઇએ સીસીટીવી ફુટેજ યુનિર્વસિટી પોલીસ મથકમાં રજુ કરી ત્રણેય સામે રૂ.૪.૫૬ લાખની ચોરીની ફરિયાદ નોંધાવતા પી.એસ.આઇ. એમ.વી.રબારી સહિતના સ્ટાફે ચોરીના ગુનામાં સંડોવાયેલા નેપાળી દંપત્તીની શોધખોળ હાથધરી છે.