પુરવઠા વિભાગમાં હપ્તા ખાવ અધિકારીઓ રેશનકાર્ડ ધારકોને બદલે ખુલ્લા બજારમાં માલ ધકેલવા આપે છે વધારાનો જથ્થો
મોરબી જિલ્લામાં જિલ્લા પુરવઠા અધિકારી અને પુરવઠા ઇન્સ્પેક્ટરો માત્ર કાગળ ઉપર જ કામ કરી ગરીબ પ્રજાના હિસ્સાનું અનાજ, કેરોસીન, ખાંડ, ચોખા ખુલ્લા બજારમાં વેચવા કૌભાંડિયા તત્વોને પીળો પરવાનો આપી દેતા છેલ્લા એક વર્ષમાં કરોડો રૂપિયાનું અનાજ કેરોસીન ખાંડ સહિતનો જથ્થો બારોબાર પગ કરી ગયો હોવાની ચોંકાવનારી બાબત આરટીઆઇ એક્ટિવિસ્ટે ખુલ્લી પાડી છે.
જાણવા મળતી વિગતો મુજબ સમગ્ર મોરબી જિલ્લામાં પુરવઠા વિભાગમાં ભ્રષ્ટાચારના કીડા ખદબદી રહ્યા હોય ગરીબ મધ્યમ વર્ગને સમયસર સરકાર દ્વારા મળતો જથ્થો મળતો નથી, ફૂડ કુપન કાઢવાથી લઈ બીપીએલ અને અંત્યોદય પરિવારને સરકારશ્રીની ફાળવણી મુજબ ક્યારેય પૂરતો જથ્થો આપવામાં આવતો નથી અને આવા કૌભાંડમાં પુરવઠા અધિકારીથી લઇ નીચલો સ્ટાફ સામેલ હોય લોકોની ફરિયાદને ગણકારવામાં આવતી નથી.
આ સંજોગોમાં વાંકાનેરના તૌફિક અમરેલીયા નામના આરટીઆઇ એક્ટિવિસ્ટ દ્વારા ગુજરાતમાં ક્યાંય ન ચાલતું હોય તેવી કૌભાંડ મોરબી જિલ્લાના તમામ તાલુકામાં પુરવઠા અધિકારીના આશીર્વાદ અને હપ્તાખોરવૃત્તિથી ચાલતું હોય આંકડાકીય હકીકત સાથે જિલ્લા કલેકટ્ટને જવાબદાર અધિકારીઓ અને સસ્તા અનાજના વેપારીઓ વિરુદ્ધ પગલાં ભરવા રજુઆત કરી ગાંધીનગર સુધી રજુઆત કરી છે.
આરટીઆઈ એક્ટિવિસ્ટ કરેલી રજુઆતમાં જણાવાયા મુજબ છેલ્લા એક વર્ષમાં આદર્શ જથ્થાના નામે સસ્તા અનાજના વેપારીઓને નિયમ વિરુદ્ધ હજારો ટન અનાજની ખોટી રીતે ફાળવણી કરવામાં આવી રહી છે અને આ વધારાનું અનાજ, કેરોસીન, ખાંડ અને ચોખા સહિતનો જથ્થો ખુલ્લા બજારમાં ઠલવાઇ રહ્યો છે.
સરકારના નિયમ મુજબ દર માસે જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા દરેકે દરેક દુકાનદાર પાસે કેટલો જથ્થો ફળવાયો અને કેટલો વિતરણ થયો તે હિસાબ મેળવી આગામી માસ માં જે જથ્થો ફળવાય તેમાંથી જૂનો સ્ટોક બાદ કરી નવો વધારાનો નિયમ મુજબ નો જથ્થો ફાળવવાનો હોય છે પરંતુ મોરબી જિલ્લામાં આવો કોઈ નિયમ જ ન હોય તેમ દુકાનદારોને બે હિસાબ જથ્થો આપવામાં આવી રહ્યો છે.
આ સંજોગોમાં માત્ર વાંકાનેર તાલુકામાં જ બાર મહિનામાં ૩ કરોડથી વધારેનો જથ્થો ફાળવી પુરવઠા તંત્ર ની મિલીભાગતથી કૌભાંડ આચરવામાં આવ્યું હોવાની શંકા વ્યક્ત કરી તાકીદે તપાસ કરવા માંગણી ઉઠાવતા સનસનાટી મચી જવા પામી છે.