ધર્મના નામે થઈ રહેલા વિવાદો અટકવાનું નામ લઈ રહ્યા નથી. ભારતમાં પણ આ વિવાદના વરવા પરિણામો આવ્યા છે. માત્ર એક ટિપ્પણી બાદ તેને સોશિયલ મીડિયામાં સમર્થન જાહેર કરવા બદલ બે લોકોની નિર્દયતાથી હત્યા કરી દેવામાં આવી હતી. તમામ ધર્મ માણસાઈ માટે બન્યા છે. પણ કમનસીબે આ ધર્મના નામે માણસાઈને જ મારી નાખવામાં આવી રહી છે. ભારતમાં આ વિવાદ થયા બાદ હવે બાંગ્લાદેશમાં પણ વિવાદની આગ તેજ બની છે.
બાંગ્લાદેશમાં ફરી એકવાર લઘુમતી હિન્દુ સમુદાય પર અત્યાચારની તમામ હદો વટાવી દેવામાં આવી છે. નરેલ જિલ્લાના લોહાગરા ઉપજિલ્લામાં, કટ્ટરવાદીઓના ટોળાએ ફેસબુક પર પયગંબર મુહમ્મદ વિરુદ્ધ કથિત રૂપે ટિપ્પણી કરવા બદલ પહેલા લૂંટફાટ કરી અને પછી હિન્દુઓના 70 ઘરો અને દુકાનોને બાળી નાખી. ઉન્માદનું આ ટોળું અહીંથી ન અટક્યું અને તેઓએ મંદિરમાં તોડફોડ કરીને તેને બરબાદ પણ કરી નાખ્યું. તેઓએ આરોપ લગાવ્યો કે આકાશ નામના વ્યક્તિએ પ્રોફેટ વિરુદ્ધ ટિપ્પણી કરી હતી, જેનાથી તેમની ભાવનાઓને ઠેસ પહોંચી હતી.
આ ઘટનાને કારણે સમગ્ર વિસ્તારમાં ભારે તણાવ છે. આ વિસ્તારમાં કાર્યરત ઈસ્કોન જૂથનું કહેવું છે કે કુલ 200 લોકોને ખરાબ રીતે મારવામાં આવ્યા છે. ઘરો એવી રીતે બળી ગયા કે બે દિવસ સુધી સળગતા રહ્યા. આ હિંસાનો ભોગ બનેલી દિપાલી રાની સાહા કહે છે કે ઉગ્રવાદીઓના એક જૂથે તેના ઘરને લૂંટી લીધા પછી, અન્ય જૂથે આવીને દરવાજો ખુલ્લો જોયો,લૂંટ કરવા માટે કંઈ બચ્યું ન હોવાથી તેઓએ અમારા ઘરને આગ લગાવી દીધી
આ પછી તેઓએ ઘર પાસેના મંદિર પર હુમલો કર્યો અને મૂર્તિ તોડી નાખી.
પોલીસે આ ઘરોને સળગાવનાર કોઈ કટ્ટરપંથીની ધરપકડ કરી નથી. કોલકાતામાં ઇસ્કોનના પ્રવક્તા રાધારમણ દાસનું કહેવું છે કે હિંદુઓના 70 ઘર સળગાવી દેવામાં આવ્યા અને દુનિયાએ મૌન સેવ્યું છે. તેમણે કહ્યું કે બાંગ્લાદેશના હિંદુઓ તેમનો ધર્મ પરિવર્તન કરશે નહીં કે ત્યાંથી ભાગશે નહીં. તેઓ ભૂતકાળમાં પણ આવા કટ્ટરપંથીઓના હુમલા સામે ઊભા રહ્યા છે. દાસે કહ્યું કે જ્યારે હુમલો થયો ત્યારે પોલીસ ઘટનાસ્થળે હાજર હતી પરંતુ મૂક પ્રેક્ષક બની રહી હતી. પોલીસ પર વિશ્વાસ કરી શકાય તેમ નથી. તેણે પીએમ મોદી અને સંયુક્ત રાષ્ટ્રને મદદની અપીલ કરી છે.