કડકડતી ઠંડી વચ્ચે કહેવાતા શુઘ્ધ ઘી સામે ‘ભેળસેળ’નો ગરમાવો

શિયાળામાં તંદુરસ્તી બક્ષતા અડદીયા, ગુંદરપાક સહિતની શકિતવર્ધક મીઠાઈઓની તંદુરસ્તી શંકાસ્પદ…!

પાલનપુરમાંથી શુઘ્ધ ઘીનો અશુઘ્ધ જથ્થો ઝડપાયો હતો: રેલો ગોંડલ સુધી પહોંચ્યો

કડકડતી ટાઢ વચ્ચે શિયાળાની સિઝન એકદમ જામી ગઈ છે. લોકો ભરપુર ઠંડીની વચ્ચે સ્વાસ્થ્યને તંદુરસ્તી બક્ષી રહ્યા છે. શિયાળાની ઋતુ એટલે લીલા શાકભાજી, પૌષ્ટિક આહાર, અડદિયા, ખજૂરપાક ખાવાની ઋતુ. લોકો ઠંડીની મોસમમાં તનને તાજગી બક્ષવા મનભાવન વાનગીઓ આરોગી હેલ્ધી બને છે ત્યારે આજે આપણે વાત કરવાની છે શિયાળામાં ખવાતી અને નાના-મોટા સૌ કોઈને પ્રિય એવી શિયાળા સ્પેશ્યલ વાનગીઓની. અગાઉ શિયાળામાં એકમાત્ર અડદિયા જ મુખ્ય વાનગી હતી. જયારે હવે શિયાળામાં અવનવી, વિવિધ અનેક પ્રકારની તન-મનને તાજગી આપતી વાનગી બજારમાં આવે છે.

શહેરની મુખ્ય બજારોમાં, ડેરી ફાર્મમાં, કંદોઈની દુકાને, અડદિયા, ગુંદ પાક, ખજુર રોલ, અંજીર પાક, ગાજરનો હલવો વગેરેની ધુમ ડિમાન્ડ છે. આ ઉપરાંત અડદિયા લચકો, અડદિયા પાત્રા, ખજુર પાત્રા વગેરે નવી વાનગીઓ પણ લોકો આરોગી રહ્યા છે. અડદિયાથી લઈ તમામ શિયાળુ પાક રૂા.૨૫૦ થી લઈ ૫૦૦-૬૦૦ના ભાવે વેચાઈ રહ્યા છે ત્યારે ખરેખર શું આ વાનગીઓમાં વપરાતું મટીરીયલ્સ શુઘ્ધ હોય છે કે નહીં ? તે પ્રશ્ર્ન લગભગ દરેક લોકોમાં ઉદભવે છે. ખાસ કરીને ઘી-માવામાંથી બનતા શિયાળુ પાક ગુણવતાની દ્રષ્ટિએ કેટલા શુઘ્ધ હોય છે ? દરેક વેપારીઓ પોતાની આઈટમો શુઘ્ધ હોવાના બણગા ફુંકે છે પરંતુ એકમાત્ર શુઘ્ધ ઘીના એક કિલોના રૂા.૭૦૦ થી ૮૦૦ હોય છે તો રૂા.૨૫૦માં પ્રતિ કિલો વેચાતી મીઠાઈ મોટાભાગે શુઘ્ધ હોતી નથી.

DSC 1852 1

અલબત તમામ વેપારીઓ અશુઘ્ધ ઘી વાપરે છે તેવું નથી. પોતાનું બ્રાન્ડ નેઈમ જાળવી રાખવા ગુણવતાને ખુબ મહત્વ આપે છે. સૌરાષ્ટ્રભરમાં શુઘ્ધ ઘીનો વેપલો હંમેશા શંકાના દાયરામાં રહ્યો છે. કહેવાતા શુઘ્ધ ઘીમાંથી કયારેક ભેળસેળની બદબુ પણ આવતી રહી છે. ફરસાણની જુની પેઢી ચલાવતા વેપારીઓ આ બદબુને પારખતા હોય ગોંડલ, રાજકોટ જેવા શહેરોમાં અડદીયા, શિયાળાનાં અલગ અલગ પાક જેવી શકિતવર્ધક મીઠાઈઓમાં પોતાના ઘરે જ બનાવેલ ઘી વાપરવાનો આગ્રહ રાખે છે. મીઠાઈઓમાં બહુધા દુધનો વપરાશ થતો હોય ત્યારે દુધ દ્વારા જ શુઘ્ધ ઘી બનાવી અથવા તો માખણ ખરીદી તેને તાવી ઘી બનાવી ઉપયોગ કરાય છે.

શુઘ્ધ ઘી સામે સવાલો ઉઠે તેમ પાલનપુર ખાતે ચાર દિવસ પહેલા આરોગ્ય વિભાગની ટીમે શુદ્ધ ઘીના નામે અશુદ્ધ ઘી નાં વેપલા નો પર્દાફાશ કર્યો હતો અને લાખો રૂપિયાના ઘીનો જથ્થો સીઝ કર્યો હતો જેમાં ગોંડલ આસપાસની કંપની દ્વારા શુદ્ધ ઘીના ડબા મોકલવામાં આવ્યા હોવાનું બહાર આવ્યું હતું ત્યારે ગોંડલ શહેરમાં ચોરી ને ચૌટે શુદ્ધ ઘીના અડદિયાના વેપાર શરૂ થયા હોય વાસ્તવમાં અડદિયા શુદ્ધ ઘીના જ છે કે હમ્બક તેવું લોકોમાં ચર્ચાઇ રહ્યું છે. આ સાથે ગુંદરપાક, કાટલું વગેરે સામે પણ આંગળી ચિંધાઈ રહી છે.

ગોંડલ શહેર માં લોકો શુદ્ધ ઘી મેળવવા ઊંચામાં ઊંચા રૂપિયા આપતા હોવા છતાં પણ કેટલાંક અપવાદો ને બાદ કરતાં  શુદ્ધ ઘી ન મળતું હોવાની  ફરિયાદો ઉઠી   રહી છે ત્યારે પાલનપુર ખાતે ભેળસેળયુક્ત ઘી પકડાતા તેનો છેડો ગોંડલ સુધી પહોંચવા પામ્યો હોય ચર્ચાનો વિષય બન્યો છે. બીજી બાજું  હાલ કડકડતી ઠંડી શરૂ થઈ હોય શિયાળાનો પૌષ્ટિક આહાર અડદિયાનું ધૂમ વેચાણ પણ શરૂ થવા પામ્યો છે. શહેરમાં ઠેરઠેર  શુદ્ધ ઘીના અડદિયા વેચાઇ રહ્યા છે.રુ.૨૫૦ થી લઇ રુ.૪૫૦ સુધીનો ભાવ લેવાઇ રહ્યો છે. વાસ્તવમાં આ અડદિયા શુદ્ધ ઘીના જ છે કે હમ્બક તે ખાદ્ય વિભાગ દ્વારા તપાસ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.અલબત ફરસાણ ની જુની પેઢી ચલાવતાં કેટલાક વેપારીઓ માખણ ખરીદી ઘરે જ ઘી બનાવી અડદિયા માં ઉપયોગ કરેછે.જેથી પોષ્ટીક અડદિયા ની ગુણવત્તા સામે સવાલ નાં ઉઠે.શુદ્ધતા નાં હમ્બગ સામે આ સારી વાત છે. અત્રે ઉલ્લેખનીય છે કે કેટલાક વેપારીઓ દ્વારા દેશી ઓસડીયા ઉમેરી અડદીયા બનાવવા માં આવતા હોવાના દાવો કરવામાં આવી રહ્યા છે અને ગ્રાહકો પાસેથી તોતિંગ ભાવ પણ ઉઘરાવવામાં આવી રહ્યો છે અને રોજિંદા અડદિયા નો જથ્થો સૌરાષ્ટ્ર ગુજરાત સહિત મુંબઈ સુધી પહોંચાડવામાં આવી રહ્યો છે બિલ વગર અડદિયાના વેચાણથી તોતિંગ વેપાર કરાતો હોય ઇન્કમટેક્સ વિભાગ દ્વારા જો વેચાણ અંગેની તપાસ હાથ ધરાય તો ઇન્કમ ટેક્સ ચોરી પણ બહાર આવે તેવી લોકોમાં ચર્ચા થઈ રહી છે.

રૂ.૨૦૦-૨૫૦માં ચોખ્ખા ઘીના અડદીયા વેચવા શક્ય નથી: મિલનભાઈ  ઉનડકટ

IMG 20201229 WA0022

શિયાળામાં સૌને ભાવતા એવા અડદિયા તેમજ અન્ય શિયાળુ પાકો જેમ કે ગુંદ પાક, ખજૂર રોલ, ગાજરનો લચકો વગેરે બનાવવા અંગે તિરૂપતિ ડેરીના મિલનભાઈ ઉનડકટ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવે છે કે હાલ ચોખ્ખુ ઘી મળવું ખુબ જ મુશ્કેલ છે ત્યારે ચોખ્ખા ઘીના અડદિયા સસ્તા ભાવના મળવા તે પણ એક પ્રશ્ર્ન ઉપજાવે છે. જોકે અમે શુઘ્ધ મલાઈ શોધી તેમાંથી ઘી બનાવી તેમાંથી જ દરેક આઈટમ બનાવીએ છીએ. બજારમાં ઘણી જગ્યાએ રૂા.૨૫૦ કે ૩૦૦માં અડદિયા વેચાતા હોય છે ત્યારે શુઘ્ધ ઘીના આટલા સોંધા અડદિયા ઉપરાંત અન્ય શિયાળુ પાકો વેચવા પોસીબલ નથી. અમે ચોખ્ખી વસ્તુ ગ્રાહકોને વ્યાજબી ભાવે મળે તે રીતે રૂા.૪૦૦ના ભાવે અડદિયા ઉપરાંત અન્ય આઈટમો વહેંચીએ છીએ. શિયાળામાં શરીરમાં એનર્જી મેળવવા માટે ખવાતી દરેક વસ્તુઓ ચોખ્ખી હોવી તે જરૂરી છે.

અમે ગામડેથી મંગાવેલું કે માહીનું ઘી વાપરીએ છીએ: દિનેશભાઈ મોલિયા

IMG 20201229 WA0029

છેલ્લા ઘણા વર્ષોથી વિકાસ ડેરી ચલાવતા દિનેશભાઈ મોલિયાએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું છે કે અમે દર વર્ષે શિયાળાની સીઝનમાં અડદિયા બનાવીએ છીએ. અડદિયાની શુઘ્ધતા અંગે વાત કરવામાં આવે તો અમે ઘરની ઘરઘંટીમાં જ જરૂરીયાત મુજબ અડદનો લોટ દળીએ છીએ. આ ઉપરાંત ગામડેથી દુધ મંગાવી તેમાથી ઘી બનાવી વાપરીએ છીએ. કયારેય જરૂર પડે તો માહીનું ઘી વાપરીએ છીએ. અડદિયામાં અમે એક કિલો લોટમાં એક કિલો ઘી અને ખાંડ આ ઉપરાંત એલચી, કાજુ-બદામ વગેરે ડ્રાયફ્રુટ વાપરીએ છીએ. અમારી ડેરીમાં કારીગર ઓછા હોય જેથી ઘરના જ તમામ સભ્યો વિવિધ આઈટમો બનાવવા મહેનત કરીએ છીએ. જેથી અમે વ્યાજબી ભાવે ગ્રાહકોને સસ્તા આઈટમો આપી શકીએ છીએ. શિયાળામાં સૌથી વધુ ખવાતા અડદિયાની વાત કરીએ તો અમારે ત્યાં અડદિયાની સીઝન બે થી અઢી મહિના ચાલે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.