શાહુકારને એક તો ચોરને ૧૦૦ આંખ !!
ઘરે બેઠા કામ કરી દરરોજ હજારો કમાઓ’ : સાયબર ગઠિયાઓનો નવો કીમિયો
હાલ સાયબર ગઠિયાઓ દરરોજ છેતરપિંડી આચરવા નવા નવા કિમીયા અજમાવી રહ્યા છે. હાલ સાયબર ગઠિયાઓ ઘરે બેઠા હજારો રૂપિયા કમાઓ જેવી સ્કીમમાં લોકોને ફસાવી મોટી રકમ ખંખેરી જતા હોય તેવા અહેવાલ વચ્ચે જામનગરના એક દંપતી સાથે ફિલ્મ રેટિંગનજ લોભામણી સ્કીમના નામે કરોડ રૂપિયાની છેતરપિંડી આચરી લેવામાં આવી છે. સમગ્ર મામલો પોલીસ મથક સુધી પહોંચતા હાલ સાયબર ક્રાઇમ પોલીસે એક શખ્સની ધરપકડ કરી પ્રાથમિક પૂછપરછ હાથ ધરી છે.
એક દંપતીને ફિલ્મ રેટિંગનું ઘરેથી કામ કરીને સરળતાથી પૈસા કમાવવાની લાલચ આપીને સાયબર છેતરપિંડીનો શિકાર બનાવવામાં આવ્યો છે. ઓનલાઈન છેતરપિંડી મારફત ગઠિયાએ દંપતિને કુલ રૂ. ૧.૧૨ કરોડનો ચુનો ચોપડ્યો છે.
જામનગરના સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ પીડિતોને ટેલિગ્રામ પર એક સંદેશ મળ્યો હતો જેમાં લખ્યું હતું, ‘તમે તમારા ઘરે બેસીને કમાણી કરી શકો છો, તમારે માત્ર ફિલ્મોને રેટિંગ આપવાનું છે.
સંદેશમાં ૨૫૦૦ થી ૫૦૦૦ રૂપિયાની વચ્ચેની દૈનિક કમાણીનું વચન પણ આપવામાં આવ્યું હતું. જ્યારે દંપતીએ પ્રેષકનો સંપર્ક કર્યો ત્યારે તેમને નકલી વેબસાઇટમાં સાઇન ઇન કરવા અને પાસવર્ડ જનરેટ કરવા માટે કહેવામાં આવ્યું હતું અને તેમને ટેલિગ્રામ જૂથના સભ્ય પણ બનાવવામાં આવ્યા હતા. દંપતીને ટિકિટ ખરીદવાનું કહેવામાં આવ્યું હતું. સૌપ્રથમ તે સાબિત કરવા માટે કે તેઓએ ફિલ્મને રેટિંગ આપતા પહેલા જોઈ છે.
આ કિસ્સામાં વેબસાઇટ પર લોગ ઇન કર્યા પછી ભોગ બનનારે ૨૮ મૂવીઝ માટે ટિકિટનો સમૂહ ખરીદવો પડ્યો હતો જેમાં હોલીવુડ, બોલિવૂડ અને દક્ષિણ ભારતીય હિન્દી ડબ મૂવીનો સમાવેશ થાય છે.
ત્યારપછી દરેક મૂવીને રેટિંગ આપ્યા બાદ તેઓને પૈસા મળવાના હતા. મૂવીના રેટિંગ માટેનું કમિશન રૂ. ૨૫૦૦ થી રૂ. ૫૦૦૦ ની વચ્ચે હોય છે તેવું કહેવામાં આવ્યું હતું. હિન્દી, અંગ્રેજી અને દક્ષિણ ભારતીય ફિલ્મો માટે આ કમિશન બદલાય છે.
દંપતી પણ ઘરેથી કામ કરતી વખતે સારી કમાણી કરી શકે તેવી કોઈ નોકરી શોધી રહ્યા હતા તેથી તેઓને આમાં રસ પડ્યો અને મૂવી રેટિંગ વ્યવસાય વિશે ઓનલાઈન સંશોધન કર્યા પછી, તે સાચું હોવાનું જણાતા તેમણે મિવી રેટિંગ શરૂ કર્યું હતું.
ટિકિટનો પહેલો સમૂહ ખરીદવા માટે ગઠિયાએ પીડિતાને ૧૦ હજાર રૂપિયાનું કૂપન મોકલી વિશ્વાસ જીત્યો હતો. ત્યારપછી કમિશન સહિત અને લગભગ ૯૯ હજાર રૂપિયાની બધી જ રકમ તેમના ખાતામાં થોડા જ સમયમાં જમા થઈ ગઈ હતી જેથી ભોગ બનનારને વિશ્વાસ આવી ગયો હતો.
ત્યારબાદ પીડિતાએ રેટિંગ આપવા માટે ટિકિટ ખરીદવાનું શરૂ કર્યું અને કુલ બાકી રકમ ૫ લાખ રૂપિયા સુધી પહોંચી ગઈ હતી પરંતુ જ્યારે તે ઉપાડવા ગયા ત્યારે તેને વધુ કમાણી માટે એટલી જ રકમની ટિકિટ ખરીદવાનું કહેવામાં આવ્યું હતું.
આમ મહિલા પોતાના પૈસા મેળવવા માટે વધુ રોકાણ કરવાના દુષ્ટ ચક્રમાં ફસાઈ ગઈ હતી. આ પ્રક્રિયામાં તેણે ટિકિટ ખરીદવામાં કુલ ૪૦ લાખ રૂપિયાનું રોકાણ કર્યું હતું.
જ્યારે મહિલાએ ૪૦ લાખ રૂપિયા ઉપાડવાનો પ્રયાસ કર્યો ત્યારે સાયબર લુખ્ખાઓએ તેને પૈસા ઉપાડવા માટે અગાઉથી સરચાર્જ ચૂકવવાનું કહ્યું કારણ કે તે મોટી રકમ હતી. પોલીસે જણાવ્યું હતું કે, ચૂકવવામાં આવેલી કુલ રકમ આશરે રૂ. ૭૦ લાખ હતી.
ત્યારપછી બદમાશોએ મહિલાને કહ્યું કે, જો તે આટલી મોટી રકમ ઉપાડી લેશે તો તેની સામે મની લોન્ડરિંગનો કેસ નોંધવામાં આવી શકે છે અને તેનાથી બચવા તેણે આખી રકમ અન્ય કોઈ સ્કીમમાં રોકવી જોઈએ. આ રીતે દંપતીએ ૧.૧૨ કરોડ રૂપિયા જમા કરાવ્યા તે પહેલાં તેઓને ખબર પડી કે તેઓ છેતરાયા છે.
જામનગર સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર પી પી ઝાએ જણાવ્યું છે કે, અમે બેંક વ્યવહારો શોધી કાઢ્યા છે અને સુરતમાંથી એક વ્યક્તિની ધરપકડ કરી છે.આરોપી સ્મિત પટોળિયાએ જ્યાંથી તેણે કમિશન મેળવ્યું હતું તે રકમ જમા કરાવવા માટે સાયબર ઠગ દ્વારા તેના બેંક એકાઉન્ટનો ઉપયોગ કરવાની મંજૂરી આપી હતી.
મુદ્દામાલ રિકવર કરવા આશરે ૨૫ જેટલા બેન્ક એકાઉન્ટ ફ્રીઝ કરાયાં: પી પી ઓઝા
જામનગર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન પોલીસ ઇન્સ્પેકટર પી પી ઝાએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, અમે હાલ આ મામલે સુરતના રહેવાસી સ્મિત પાટોળીયાની ધરપકડ કરી છે અને રિમાન્ડ દરમિયાન તેની આકરી પૂછપરછ કરાઈ રહી છે પરંતુ હજુ કોઈ સ્પષ્ટ માહિતી મળી નથી. તેમણે જણાવ્યું હતું કે, આ આખું કૌભાંડ ઓર્ગેનાઇઝડ ચાલે છે જેમાં આશરે ૫૦ થી ૬૦ લોકોની ભૂમિકા હોઈ શકે છે. પકડાયેલો આરોપી આખા નેટવર્કની એક કડી માત્ર છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, હાલ અમે આશરે ૨૫ જેટલા એકાઉન્ટ ફ્રીઝ કરી મુદ્દામાલ રિકવર કરી આરોપીઓને ઝડપી લેવા પ્રયત્નશીલ છીએ.