ઇન્ફીનીટી સ્પા એન્ડ સલૂનમાંથી થાઇલેન્ડની ત્રણ યુવતિ અને સંચાલક ફૈઝલ ઉર્ફે જ્હોનની ધરપકડ
વલસાડના સભ્ય કહેવાતા પોશ વિસ્તાર તીથલ રોડ પર સ્પા એન્ડ સલુન ખોલી વિદેશી યુવતીઓ પાસેથી દેહ વેપારી કરાવાતો હોવાની માહિતી પોલીસને મળી હતી. જેના પગલે સિટી પોલીસે આ ઇન્ફીનીટી સ્પા એન્ડ સલુનમાં ગુરુવારે દરોડો પાડી ૩ વિદેશી યુવતીઓ અને સંચાલકને પકડી સંચાલક વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો.
ઘટના સ્થળેથી મળતી વિગત મુજબ વલસાડ તીથલ રોડ પર આવેલી ઇન્કમટેક્સ કચેરી વાળા એપાર્ટમેન્ટના પહેલા માળે રોડ તરફ તાજેતરમાં શરુ થયેલા ઇન્ફીનીટી સ્પા એન્ડ સલુનમાં થાઇલેન્ડની યુવતીઓ દ્વારા સ્પાના નામે દેહ વેપાર ચલાવાતો હતો. જેની માહિતી પોલીસને મળતાં પોલીસે ડમી ગ્રાહક મોકલી આ સ્પા એન્ડ સલુનમાં દરોડો પાડયો હતો. જેમાં પોલીસે આ ઇન્ફીનીટી સ્પાના સંચાલક ફૈઝલ ઉર્ફે જ્હોન સામે કેસ કરી હાલ પુરતું ઇન્ફીનીટી સ્પા સલુન સીલ કરી દીધું છે.
તીથલ રોડ પર થોડા સમયથી જ શરુ થયેલું ઝાકમઝાળ વાળું આ સ્પા એન્ડ સલુન થોડા સમયથી ચર્ચામાં રહ્યું હતુ. સભ્ય સમાજમાં ચાલતા આ ગોરખધંધાની જાણ થતાં આજુ બાજુના વિસ્તારમાં ભારે ચર્ચા ચાલી હતી. યુવા ધનને આડે પાટે લઇ જનારા આ સલુનમાં ગુરુવારે પોલીસે દરોડો પાડી મોડી સાંજે સંચાલક ફૈઝલ સામે ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરી હતી.