યાજ્ઞિક રોડ પર પગપાળા ચક્કર લગાવ્યુ, રીક્ષા ચાલક સાથે વ્યવસ્થિત પાર્કિંગ અંગે કરી ચર્ચા: પ્રતિબંધિત પ્લાસ્ટીકનો ઉપયોગ કરતા ૧૮ વેપારીઓ દંડાયા
કોર્પોરેશન દ્વારા શહેરભરમાં સફાઈ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. રાજમાર્ગોને ચોખ્ખા ચણાક અને દબાણ મુક્ત રાખવા માટે ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. આજે ખુદ મ્યુનિ.કમિશનર ઉદીત અગ્રવાલ ફિલ્ડમાં ઉતર્યા હતા અને સફાઈ તથા દબાણ અંગે ચેકિંગ કર્યું હતું. શહેરના હાર્દસમા યાજ્ઞીક રોડ પર કમિશનરે પગપાળા ચક્કર લગાવ્યું હતું અને રિક્ષા ચાલક સાથે વ્યવસ્થિત પાર્કિંગ અંગે ચર્ચા કરી સુચના પણ આપી હતી. પ્રતિબંધીત પ્લાસ્ટીકનો ઉપયોગ કરનાર ૧૮ વેપારીઓ પાસેથી રૂા.૬ હજારનો દંડ વસુલ કરવામાં આવ્યો હતો.
ગઈકાલથી મહાપાલિકા દ્વારા શહેરમાં સફાઈ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. કાલે કમિશનર દ્વારા એવી જાહેરાત કરવામાં આવી હતી કે, સફાઈ અને દબાણ અંગે ચેકિંગ માટે તેઓ ખુદ ફિલ્ડમાં ઉતરશે. આજે સવારે મ્યુનિ.કમિશનર ઉદિત અગ્રવાલે શહેરના યાજ્ઞીક રોડ પર સફાઈ અને દબાણ અંગે ચેકિંગ હાથ ધરવા માટે ચક્કર લગાવ્યું હતું. એક રીક્ષા ચાલકે આડેધડ રીક્ષાનું પાર્કિંગ કર્યું હોય તેની સાથે કમિશનરે વાતચીત કરી હતી અને શહેરને સ્વચ્છ રાખવા માટે શું કરી શકાય તે અંગે જરૂરી સુચના પણ આપી હતી.
આજે સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા શહેરના સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં પ્રતિબંધીત પાન-માવા ફાકીનું પ્લાસ્ટીક અને સીંગલ યુઝ પ્લાસ્ટીક અંગે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં જવાહર રોડ, ત્રિકોણબાગ, યાજ્ઞીક રોડ, કોઠારીયા રોડ, કૃષ્ણનગર મેઈન રોડ સહિતના વિસ્તારોમાં ચેકિંગ દરમિયાન પ્રતિબંધીત પ્લાસ્ટીકનો ઉપયોગ કરતા અને જાહેરમાં ન્યુશન્સ ફેલાવતા આસામીને દંડ કરવામાં આવ્યો હતો. ૧૨ કિલો પ્લાસ્ટીકનો જથ્થો જપ્ત કરી લેવામાં આવ્યો હતો અને રૂા.૬ હજારનો દંડ વસુલ કરાયો હતો. આજી શહેરમાં ફોગીંગ ઝુંબેશ પણ શરૂ કરવામાં આવી છે.