કચ્છ સહિત સૌરાષ્ટ્રભરમાં ચકચાર મચાવનાર મુંદ્રા પોલીસ કસ્ટડીમાં ઢોરમાર મારી બે ગઢવી યુવકને મોતને ઘાટ ઉતારવાના ગુનામાં રાજયનાં કાયદા વિભાગ દ્વારા સૌરાષ્ટ્રના સિનિયર ધારાશાસ્ત્રી અનિલભાઈ દેશાઈની સ્પ્રે.પી.પી. તરીકે નિમણુંક કરવામાં આવતા કાનૂની જંગના મંડાણ જામશે.
મુંદ્રા પોલીસ સ્ટેશનમાં અરજણભાઈ ખેરાજભાઈ ગઢવી અને હરજોગભાઈ હરીભાઈ ગઢવીની પોલીસ કસ્ટડીમાં ઢોરમાર મારી મૃત્યુ નિપજાવવાના તથા શામરાભાઈ પબુભાઈ ગઢવીને ઈજા પહોચાડવાના ચકચારી ડબલ મર્ડર કસ્ટોડીયલ ડેથના કેસમાં પોલીસે પોલીસ કર્મચારીઓ સહિતના શખ્સો સામે ડબલ મર્ડર કસ્ટોડીયલ ડેથ વિથ ટોર્ચર સહિતનો ગુન્હો નોંધેલો. સમગ્ર રાજયમાં ભારે ચકચાર જાગેલી છે.
જે ગુન્હામાં પોલીસે પોલીસ કર્મચારી શકિતસિંહ યોગેન્દ્રસિંહ ગોહિલ, અશોક લીલાધર કનાદ, જયદેવસિંહ અજીતસિંહ ઝાલા, જયેન્દ્રસિંહ અનોપસિંહ પઢીયાર, વિરલ ઉર્ફે મારાજ જીતેન્દ્રભાઈ જોષી, ગફુરજી પીરાજી ઠાકોર, શંભુદેવરાજભાઈ જરૂ, જયવિરસિંહ વિક્રમસિંહ જાડેજા, કપીલ અમરતભાઈ દેસાઈ તથા નરવિરસિંહ ગણપતસિંહ સરવૈયાની ધરપકડ કરી છે.
સમગ્ર રાજયના ગઢવી સમાજ દ્વારા રાજય સરકારના કાયદા વિભાગમાં આ કેસમાં સીનીયર એડવોકેટ, બહોશ, પ્રમાણીક, કાયદા અભ્યાસુ અને કોઈની પણ શેહ શરમ વિના સરકાર પક્ષે કેસ ચલાવનાર એડવોકેટને સ્પેશ્યલ પબ્લીક પ્રોસીકયુટર તરીકે નિમણુંક કરવા માંગણી થયેલી, જેના અનુસંધાને રાજયનાં કાયદા વિભાગે રાજકોટના પૂર્વ જીલ્લા સરકારી વકીલ અને પબ્લીક પ્રોસીકયુટર, રાજકોટ બાર એસો.ના પૂર્વ પ્રમુખ રાજકોટના સીનીયર એડવોકેટ અનિલભાઈ દેસાઈની સ્પેશ્યલ પબ્લીક પ્રોસીકયુટર તરીકે નિમણુંક કરેલી છે.
સીનીયર એડવોકેટ અનિલભાઈ દેસાઈએ સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છના સંખ્યાબંધ ચકચારી કેસોમાં સ્પેશ્યલ પબ્લીક પ્રોસીકયુટર તરીકે તેમની ફરજ બજાવેલી છે. અને ચકચારી કેસોમાં ખુંખાર કુખ્યાત ગુન્હેગારોને સજાઓ કરાવેલી છે. અનિલભાઈ દેસાઈ હાલમાં સ્પેશ્યલ પબ્લીક પ્રોસીકયુટર તરીકે સૌરાષ્ટ્ર કચ્છના જામનગર, મોરબી, રાજકોટ, પોરબંદર, અમરેલી, કચ્છ-ભૂજ સહિતના જિલ્લાઓમાં સરકાર તરફે સ્પેશ્યલ પબ્લીક પ્રોસીકયુટર તરીકે સંખ્યાબંધ કેસોમાં ખાસ નિમણુંક થયેલી છે.
અત્રે એ ઉલ્લેખનીય છે કે રાજય સરકાર દ્વારા અગાઉ પણ સંખ્યાબંધ ચકચારી કેસોમાં સ્પેશ્યલ પબ્લીક પ્રોસીકયુટર તરીકે અનિલભાઈ દેસાઈની નિમણુંક કરવામાં આવેલી છે. તેઓ કાયદાની આંટીઘુટી આગવી કુનેહથી સુલટાવતા આ ચકચારી કસ્ટોડીયલ ડેથ વિથ ટોર્ચરના ડબલ મર્ડર કેસમાં સૌરાષ્ટ્રના ખ્યાતનામ ધારાશાસ્ત્રી અનિલભાઈ દેસાઈની નિમણુંકથી આ ચકચારી કસ્ટોડીયલ ડેથ વિથ ટોર્ચરના ડબલ મર્ડર કેસમાં કાનૂની જંગ જામશે.
કચ્છ-મુંદ્રાના આ ચકચારી કસ્ટોડીયલ ડેથ વિથ ટોર્ચરના કેસમાં મૂળ ફરિયાદી મુંદ્રાના એડવોકેટ દેવરાજભાઈ આર. ગઢવી વતી ભૂજના સીનીયર નામાંકિત એડવોકેટ દેવરાજભાઈ વાલજીભાઈ ગઢવી, અતુલભાઈ મહેતા, વાય. વોરા અને એચ.કે. ગઢવી રોકાયેલા છે.