- ડિવાઇડરમાં અથડાયા બાદ ટાયર ફાટી ગયું,સગીર ચાલકનો ચમત્કારીક બચાવ: ઓચીંતી કાર નીકળતાં ચાલક હેબતાઇ ગયો
શહેરમાં અવાર-નવાર બેકાબુ વાહનચાલકો અકસ્માત સર્જતા હોય છે. થોડા દિવસો પહેલા કાર ગોથા ગયાની ઉપરા ઉપર બે ઘટનાઓ બની હતી. જો કે તેમાં કોઈને ઈજા થઈ નહોતી તેમજ દિવાળીની રાતે જ કોટેચા ચોક પાસે બે કાબૂ કારના ચાલક બ્રેકને બદલે લીવર પર પગ મુકી દેતાં ક સાત લોકોને ઈજાઓ પણ થઇ હતી. ત્યારે આજે વહેલી સવારે વધુ એક વખત આવી ઘટના બની હતી. જેમાં કાલાવડ રોડ ક્રિસ્ટલ મોલ નજીક કાર ડિવાઈડર સાથે અથડાયા બાદ ગોથા મારી જતાં ફિલ્મી સ્ટંટ જેવા દ્રશ્યો સર્જાયા હતાં. લોકોના કહેવા મુજબ કાર ડિવાઈડરમાં અથડાયા બાદ ટાયર ફાટી જતાં ફૂટબોલની જેમ કાર ઉંચે ઉછળીને ફેંકાઇ ગઈ હતી. આ કારણે કાર જીજે03એલઆર-3017નો બૂકડો બોલી ગયો હતો. જો કે ચાલકનો ચમત્કારીક રીતે બચાવ થયો હતો. બનાવને પગલે લોકોના ટોળા ભેગા થઈ ગયા હતાં. પોલીસ પણ પહોંચી હતી. વહેલી પરોઢે વાહનોની અવર-જવર ઓછી હોવાથી મોટી દૂર્ઘટના સર્જાતા અટકી હતી. કારની હાલત જોતાં તે .ટોટલ લોસ થઈ ગયાનું જણાતું હતું. બનાવની જાણ થતાં તાલુકા પોલીસની ટીમે તપાસ કરી હતી. ચાલક સગીર વયનો હોવાનું જણાવાયું હતું. જો કે આ મામલે ચાલકના પરિવારે કોઈ પોલીસ કાર્યવાહી કરવી ન હોવાની નોંધ કરાવી હતી. તપાસમાં ખુલ્યું હતું કે ટાયર ડિવાઈડરમાં ઘસાવાને કારણે ફાટી ગયું હતું અને એ પછી કાર ઉછળીને દૂર ફંગોળાઈ ગઈ હતી. ચાલક વહેલી સવારે કોઈ કામ માટે કે લટાર મારવા નીકળ્યો હતો. અકસ્માત સ્થળે બૂકડો થઈ ગયેલી આઈ-10 કાર અને એકઠા થયેલા લોકો તથા પોલીસ ઘટના સ્થળે પહોંચી જાય ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી