પુત્ર પ્રાપ્તિની ઘેલછામાં પરિણીતાની પુત્રીને હડધૂત કરી ત્રાસ ગુજારતા હોવાથી પરિણીતાએ ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું ‘તું
મોરબીની પરિણીતને ત્યાં પુત્રીનો જન્મ થતા પુત્રની ઘેલછા ધરાવતા સાસુએ ત્રાસ આપવાનું શરૂ કરતાં અંતે પરિણીતાએ આપઘાત કર્યો હતો. આ કેસ જજ રિઝવાના ઘોઘારીની કોર્ટમાં ચાલી જતા તેઓએ આરોપી સાસુને ૨ વર્ષની સજા ફટકારી છે.
પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબીના સામાકાંઠે મહેન્દ્રનગરમાં રહેતા જયશ્રીબેન સતિષભાઈ કોળી ઉ.વ.૨૪ એ પુત્રીને જન્મ આપતા તેમના સાસુ રતનબેન જેન્તીભાઈ કોળીને ગમ્યું ન હતું. પુત્રની ઘેલછા ધરાવતા રતનબેને તેની દોઢ વર્ષની પૌત્રીને હડધૂત કરીને તેનું ઘોડિયું ફેંકી દીધું હતું. ઉપરાંત જયશ્રીબેનને ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. અંતે જયશ્રીબેનની સહનશક્તિ ખૂટતા તેઓએ ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો.
આ મામલે મૃતક જયશ્રીબેનના પિતા મનસુખભાઇ દેવાભાઈ સુરેલાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. બાદમાં પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. આ કેસ મોરબી ડિસ્ટ્રીકટ સિઝન કોર્ટમાં ચાલી જતા જજ રિઝવાના ઘોઘારીએ બન્ને પક્ષોની દલીલ સાંભળી સાસુ રતનબેનને કસૂરવાર ઠેરવી ૨ વર્ષની સજા ફટકારી છે. સાથે રૂ. ૧૦ હજારનો દંડ પણ ફટકાર્યો છે. જો દંડ ન ભરે તો વધુ ૨ માસની સજા ભોગવવાનો હુકમ કર્યો છે.