બિનખેતીની ૪૧ ફાઈલોને મંજૂરી આપી કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર આચરવા ખાનગીમાં વહીવટ

મોરબી :  લાંબા સમય બાદ મોરબી જિલ્લા પંચાયતની ગુપચુપ રીતે મળેલી કારોબારી સમિતિની બેઠકમાં ૪૧ બિનખેતી ફાઈલોનો ધડાધડ નિકાલ કરી ગજવા ભરી લેવાયા હોવાની ચોંકાવનારી બાબત સામે આવી છે.

મોરબી જીલ્લા પંચાયતના કારોબારી ચેરમેન કિશોરભાઈ ચીખલીયા અને ડીડીઓ એસ. એમ. ખટાણાના અધ્યક્ષસ્થાને ગુપ્તરીતે મળેલી કારોબારી સમિતિની બેઠકમાં ૨૮ એજન્ડાઓ હાથ પર લેવાયા હતા અને આશ્ચર્ય જનક રીતે બિનખેતીના ૪૧ પ્રકરણમાં લીલીઝંડી આપી વહીવટી મંજૂરી આપવામાં આવી હતી.

આ બેઠકમાં જીલ્લા વિકાસ અધિકારી દ્વારા કલેકટરને રજૂઆત કરીને નવી ડીડીઓ કચેરીમાં પાર્કિંગ જગ્યા માટેની માંગ કરવામાં આવી છે તે ઉપરાંત ઉનાળામાં પીવાના પાણીની તંગી ના સર્જાય તે માટે તળાવ અને ચેકડેમમાં કાપ કાઢી ઊંડા ઉતારવા સહિતના મુદે ચર્ચા કરવામાં આવી હતી.આ ઉપરાંત હળવદ અને મોરબી ખાતેના રેસ્ટહાઉસના રીનોવેશનનો મુદ્દો ચર્ચાયો હતો.

ઉલ્લેખનીય છે કે મોરબી જિલ્લા પંચાયતના સદસ્યો દ્વારા બિનખેતીમ ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર આચરવામાં આવતો હોવાનું અને એકર દિઠ લાખથી દોઢ લાખ રૂપિયાના ભાવ વસુલ કરી ભ્રષ્ટાચારની દુકાનો ખોલવામાં આવી હોવાના આક્ષેપો વચ્ચે કારોબારી બેઠકમાં રહેણાંકની ૧૩, વાણીજ્યની ૦૬ અને ઉદ્યોગ હેતુની ૨૦ તેમજ શરતભંગની ૨ મળીને કુલ ૪૧ બિનખેતી ફાઈલો મંજુર કરવામાં આવી હતી અને ૧૩૪.૨૧ એકર બિનખેતીને મંજુરી આપવામાં આવી હતી.

આમ ગુપચુપ રીતે મળેલી કારોબારી બેઠકમાં અધિકારી અને પદાધિકારીઓએ મળી કરોડોનો કાળો કારોબાર કરી લીધાની ચર્ચા જિલ્લા પંચાયત કચેરીમાં ઉઠવા પામી હતી.

                                      

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.