- ભારતનું અર્થતંત્ર ‘ટનાટન’
- ભારતીય અર્થતંત્રએ એક પછી એક સિદ્ધિઓ હાંસલ કરતા વિદેશી રોકાણકારોનો વિશ્વાસ વધ્યો : એફપીઆઈ 6 વર્ષની ટોચે
વિશ્વની સૌથી મોટી લોકશાહીનું માન ધરાવતું ભારત આર્થિક મહાસત્તા બનવા તરફ મક્કમ પગલે આગળ વધી રહ્યું છે. તેવામાં હવે વિશ્વ આખાને ભારતની શક્તિ ઉપર વિશ્વાસ વધી રહ્યો હોય જાન્યુઆરી મહિનામાં જ વિદેશી રોકાણકારોએ બજારમાં અધધધ રૂ. 20,000 કરોડ ઠાલવી દીધા છે. જેના પગલે દેશમાં વિદેશી મૂડી રોકાણનો આંક છ વર્ષની ટોચે પહોંચી ગયો છે.
વિદેશી પોર્ટફોલિયો રોકાણકારોએ જાન્યુઆરીમાં દેશના ડેટ અથવા બોન્ડ માર્કેટમાં રૂ. 19,800 કરોડનું રોકાણ કર્યું છે. આ છ વર્ષમાં બોન્ડ માર્કેટમાં એફપીઆઈના પ્રવાહનું સર્વોચ્ચ માસિક સ્તર છે. જેપી મોર્ગન ઇન્ડેક્સમાં ભારત સરકારના બોન્ડના સમાવેશ પછી ભારતીય બોન્ડ માર્કેટ તરફ એફપીઆઈનું આકર્ષણ વધ્યું છે. બીજી તરફ, અમેરિકામાં બોન્ડ યીલ્ડમાં વૃદ્ધિ વચ્ચે એફપીઆઈએ જાન્યુઆરીમાં ભારતીય શેરોમાંથી રૂ. 25,743 કરોડ ઉપાડી લીધા છે.
ડિપોઝિટરી ડેટા અનુસાર, એફપીઆઈએ જાન્યુઆરીમાં બોન્ડ માર્કેટમાં નેટ રૂ. 19,836 કરોડનું રોકાણ કર્યું હતું. જૂન 2017 પછીના તેમના રોકાણનું આ સૌથી વધુ માસિક સ્તર છે. અગાઉ ડિસેમ્બરમાં એફપીઆઈએ બોન્ડમાં રૂ. 18,302 કરોડ, નવેમ્બરમાં રૂ. 14,860 કરોડ અને ઓક્ટોબરમાં રૂ. 6,381 કરોડ મૂક્યા હતા.
હિમાંશુ શ્રીવાસ્તવ- એસોસિયેટ ડિરેક્ટર-મેનેજર રિસર્ચ, મોર્નિંગસ્ટાર ઇન્વેસ્ટમેન્ટ રિસર્ચ ઇન્ડિયાએ જણાવ્યું હતું કે, ભારતના નિશ્ચિત આવક બજારમાં એફપીઆઈનો ચોખ્ખો પ્રવાહ જૂનમાં 2.39 બિલિયન ડોલર હતો. જેપી મોર્ગન ઇન્ડેક્સમાં ભારત સરકારના બોન્ડના સમાવેશને કારણે આ રોકાણ આવ્યું છે.
જેપી મોર્ગન ચેસ એન્ડ કંપનીએ ગયા વર્ષે સપ્ટેમ્બરમાં જાહેરાત કરી હતી કે તે જૂન 2024 થી તેના ઊભરતાં બજાર બેન્ચમાર્કમાં ભારતીય સરકારી બોન્ડ ઉમેરશે. આ ઐતિહાસિક પગલું ભારતને આગામી દોઢથી બે વર્ષમાં 20 થી 40 બિલિયન ડોલરનું રોકાણ આકર્ષવામાં મદદ કરશે.
બજારના નિષ્ણાતોનું કહેવું છે કે નાણામંત્રી નિર્મલા સીતારમણે તેમના બજેટ ભાષણમાં જાહેરાત કરી છે કે નાણાકીય વર્ષ 2024-25માં રાજકોષીય ખાધને કુલ સ્થાનિક ઉત્પાદનના 5.1 ટકા સુધી ઘટાડવામાં આવશે. આ જાહેરાત બોન્ડ માર્કેટના દૃષ્ટિકોણથી પણ હકારાત્મક છે. એકંદરે, 2023 માં, એફપીઆઈએ ઇક્વિટીમાં રૂ. 1.71 લાખ કરોડ અને ડેટ અથવા બોન્ડ માર્કેટમાં રૂ. 68,663 કરોડનું રોકાણ કર્યું હતું. આ રીતે, મૂડી બજારમાં તેમનું કુલ રોકાણ 2.4 લાખ કરોડ રૂપિયા હતું.
ગુજરાત કી હવા મે વ્યાપાર હૈ
જાન્યુઆરીમાં સોનાની આયાત 8100 કિલોને પાર!!
લગ્ન પ્રસંગો અને તેમાંય ભાવમાં સ્થિરતા હોવાના કારણે ગુજરાતની સોનાની આયાત ગત મહિનામાં 323 ટકા વધી ગઈ
લગ્નના અનેક શુભ પ્રસંગો અને સોનાના ભાવમાં સ્થિરતાને કારણે જાન્યુઆરીમાં સોનાની આયાત 323% વધી છે. મહિના દરમિયાન સોનાની આયાત 8.1 મેટ્રિક ટન પર પહોંચી છે, જે અગાઉના જાન્યુઆરીમાં 1.9 મેટ્રિક ટન હતી.
બુલિયન નિષ્ણાતોનું કહેવું છે કે આગામી મહિનાઓમાં માંગ વધવાની અપેક્ષાએ ગિફ્ટ સિટીમાં સોનાના વધતા જથ્થાનો સંગ્રહ કરવામાં આવી રહ્યો છે. ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનના ડિરેક્ટર હરેશ આચાર્યએ જણાવ્યું હતું કે, ઈન્ડિયા ઈન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ સાથે સંકળાયેલા જ્વેલર્સ હવે એક્સચેન્જ દ્વારા સોનું ખરીદી રહ્યા છે. તે વધુને વધુ અનુકૂળ અને સસ્તું ચેનલ છે અને વૉલ્ટ પર કોઈ કર લાગુ પડતો નથી કારણ કે તે ફ્રી ટ્રેડ સ્ટોરેજ ઝોન હેઠળ આવે છે.
લગ્નની મોસમની માંગ ઓછી હોવા છતાં, વિનિમય આધારિત વ્યવહારો નોંધપાત્ર રીતે વધ્યા છે,તેમણે જણાવ્યું હતું. બુલિયન ટ્રેડર્સ અને જ્વેલર્સ વધુ માંગની અપેક્ષાએ સોનાનો સ્ટોક કરી રહ્યા છે. સોનાના વિશ્લેષકોએ જણાવ્યું હતું કે 2023માં સોનામાં રોકાણની માંગમાં થોડો વધારો થયો હતો, જ્યારે જ્વેલરીની માંગમાં ઘટાડો થયો હતો. સામાન્ય રીતે, 70% સોનાની ખરીદી જ્વેલરીના સ્વરૂપમાં થાય છે જ્યારે 30% રોકાણમાં જાય છે, અમદાવાદ સ્થિત બુલિયન વેપારીએ જણાવ્યું હતું. તાજેતરમાં, સોનાના ભાવમાં થયેલા વધારાને કારણે, અંદાજે 60% સોનાની ખરીદી જ્વેલરીના રૂપમાં થાય છે જ્યારે 40% સોનું બુલિયનના રૂપમાં ખરીદવામાં આવે છે.
જ્વેલર્સે કિંમતી ધાતુના ઊંચા ભાવને નોંધપાત્ર અવરોધ તરીકે દર્શાવીને સોનાની છૂટક માંગમાં નોંધપાત્ર ઘટાડો દર્શાવ્યો છે. માણેક ચોક ચોકસી મહાજનના સભ્ય હેમંત ચોક્સીએ જણાવ્યું હતું કે, સોનાની કિંમત છેલ્લા દોઢ મહિનાથી ઊંચા સ્તરે છે. જાન્યુઆરીનો પહેલો ભાગ કમુર્તાનો સમયગાળો હતો, જે સોનું ખરીદવા માટે અશુભ માનવામાં આવે છે. તેથી, મહિના દરમિયાન છૂટક માંગ ઘણી ઓછી રહી હતી. ઉંચા ભાવને કારણે, ઘણા ગ્રાહકો નવા ઘરેણાં માટે જૂના સોનાની બદલી કરી રહ્યા છે કારણ કે તેમના બજેટમાં તણાવ આવી રહ્યો છે, તેમણે કહ્યું. ચોક્સીએ કહ્યું કે, ફેબ્રુઆરીમાં કિંમતી ધાતુઓની આયાતમાં ઘટાડો જોવા મળી શકે છે.
શનિવારે, અમદાવાદ બજારમાં સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ રૂ. 65,000 હતો, જે છેલ્લા પખવાડિયા દરમિયાન રૂ. 64,500 થી રૂ. 65,200 પ્રતિ 10 ગ્રામની વચ્ચે વધઘટ થયો હતો.
ઉલ્લેખનીય છે કે સોનાના ભાવમાં વધારો થવાને કારણે 2023માં ભારતની સોનાની માંગ 3% ઘટીને 747.5 ટન થઈ હતી. કન્ઝ્યુમર ઇન્ટરેસ્ટ ઊંચું રહ્યું, પરંતુ બિઝનેસ સેન્ટિમેન્ટ પાછળ રહી. નવરાત્રિ દરમિયાન ભાવમાં સુધારાને કારણે દિવાળીના વેચાણમાં વધારો થયો હતો, પરંતુ ડિસેમ્બરમાં માંગમાં ઘટાડો થયો હતો.
વિદેશી કંપનીઓને ભારતમાં બખ્ખા
ભલે વિશ્વ આંખમાં કન્ઝ્યુમર પ્રોડક્ટની ડિમાન્ડ ઘટી પણ ભારતમાં ધૂમ વેચાણ
એપલ, સ્ટારબક્સ, કોલગેટ, મોન્ડેલેઝ, ડિયાજિયો અને વ્હર્લપૂલ જેવી અડધો ડઝનથી વધુ કન્ઝ્યુમર ગુડ્ઝ ધરાવતી કંપનીઓએ ભારતમાં તેમના વ્યવસાયોમાં મજબૂત પ્રદર્શન કર્યું છે. મોટાભાગની કંપનીઓ વૈશ્વિક સ્તરે માંગમાં નરમાઈ જોઈ રહી છે. કારણ કે ગ્રાહકો ફુગાવાના દબાણ વચ્ચે, ખાસ કરીને વિવેકાધીન ઉત્પાદનો માટે ખર્ચમાં ઘટાડો કરે છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, ભારતે અત્યાર સુધી આ વલણને ઉલટું કર્યું છે.
વ્હર્લપૂલ કોર્પોરેશનના ચીફ ફાઇનાન્શિયલ ઓફિસર જેમ્સ પીટર્સે જણાવ્યું હતું કે ભારતનો વિકાસ દર વૈશ્વિક સ્તરે સૌથી ઝડપી છે, તેમણે ઉમેર્યું હતું કે તેઓ એશિયામાં વેચાણ વોલ્યુમ 4-6% વધવાની અપેક્ષા રાખે છે – જે યુએસ અને યુરોપ કરતાં ઘણું વધારે છે. જ્યારે એપલના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર ટિમ કુકે વિશ્લેષકોને જણાવ્યું હતું કે કંપનીના ભારતના બિઝનેસે ડિસેમ્બર ક્વાર્ટરમાં ત્રિમાસિક આવક રેકોર્ડ કરવા માટે મજબૂત બે આંકડામાં વૃદ્ધિ કરી હતી. ગયા મહિને ભારતની મુલાકાતે આવેલા સ્ટારબક્સના સીઈઓ લક્ષ્મણ નરસિમ્હને જણાવ્યું હતું કે કંપની પાસે ભાગીદારો અને બિઝનેસમાં રોકાણ કરવા માટે નોંધપાત્ર હેડરૂમ છે જ્યારે લાંબા ગાળામાં આવક તેમજ નફામાં સુધારો કરવામાં આવે છે અને શેરધારકોને મજબૂત વળતર આપવામાં આવે છે.