- ચૈત્ર માસમાં સવારમાં નરણા કોઠે લીમડાના કુમળા પાનનો રસ પીવો સ્વસ્થ્ય માટે ફાયદાકારક
આપણા શાસ્ત્રોમાં ચૈત્ર માસમાં લીમડાના મોર તથા લીમડાના કુમળા પાનનો રસ પીવાના ઘણા ફાયદા છે. ચૈત્ર માસમાં સ્વસ્થ વ્યકિતઓએ પણ ચૈત્ર સુદ એકમથી નોમ સુધી એમ કુલ નવ દિવસ સવારમાં નરણાં કોઠે લીમડાના કુમળા પાનનો રસ પીવો જોઇએ.
લીમડાના મોર તથા કુમળા પાનનો રસ પીવાથી રોગ પ્રતિકારક શકિત વધે છે. વર્ષ દરમિયાન તાવ આવવાની શકયતા ઘટી જાય છે. ઉપરાંત મોઢામાંથી દુગંધ આવતી હોય, માઇગ્રેન, ડાયાબીટીસ, પેટમાં કૃમિ હોય, અરૂચિ, એસિડીટી જેવી તકલીફમાં ફાયદાકારક છે. લીમડામાં રહેલા એન્ટીબેકટેયલ, એન્ટીવાયરસ અને એન્ટીમાઇકોબીયલ ગુણને કારણે તે શરીરને ખુબ હિતકારી છે.
ચૈત્ર મહિનાના પહેલા આઠ દિવસમાં લીમડાના દસ કુમળા પાન, મુઠ્ઠીભર ફુલ, બે કાળા મરી, હિંગ, સિંધવ, જીરૂ અને અજમો મીકસ કરીને ખાવાથી આખું વર્ષ નીરોગ રહેવાય છે. એવું શાસ્ત્રોકારો કહે છે.
ચૈત્રમાં લીમડાના ઝાડ પર ઝીણાં ફૂલ બેસે છે. જેને લોકભાષામાં મોર (કોલ) કહે છે. આ મોર અને લીમડાના કુણા પાનને સર્વરોગ પરિવાહક માનવામાં આવે છે.
પહેલાના સમયમાં લીમડાની ડાળી દાતણ માટે વપરાતી હતી. એનાથી દાંતમાં સડો, અડકે, દુર્ગધ ન આવે અને પેઢામાંથી લોહી નીકળતું હોય તો એ પણ બંધ થાય. રોજ આવું કરવાથી દાંતની તકલીફો આવતા પહેલા જ મટાડી શકાય છે.
લીમડાનો કડવો રસ પેટમાં ઉતરે તો પાચન પણ સુધરે છે. આ પ્રયોગથી ઉનાળામાં અળાઇ, ફોલ્લી અને ગુમડાથી પણ રક્ષણ મળે છે.
આખું વર્ષ કફ, પિત્ત અને વાયુના દોષથી બચવું હોય તો ચૈત્ર મહિનામાં આઠ દિવસ સુધી મોરનો રસ કાઢીને પીવાથી ફાયદો છે.
બારે માસ લીમડાનો રસ ન પીવાય
લીમડો ખુબ ગુણકારી છે પરંતુ ગુણકારી ચીજનું અતિ સેવન પણ ઠીક નથી હોતું. બારે માસ લીમડાનો રસ પીવાનું બધા માટે હિતકારી નથી હોતું. ચૈત્ર મહિના દરમિયાન રોગી-નિરોગી સૌએ લીમડાના રસ પીવો જોઇએ. પરંતુ બારે માસ ગમે ત્યારે લીમડાનો રસ પીવાનું ઠીક નથી. લીમડાનો બ્રાહ્મ ઉપયોગ છુટથી કરી શકાય. પરંતુ મોં વાટે લેતા પહેલા શરીરના દોષોની અવસ્થા અને વ્યકિતની પ્રકૃતિને આધારે આયુર્વેદની જાણકાર વ્યકિતની સલાહ લેવી જરુરી છે.
લીમડાના ગુણધર્મ
લીમડો શીતળ, હલકો, કડવો, તીખો અને પોષ્ટિક છે. લીમડો ઘા રૂઝાવે છે. સોજા ઉતારે છે. તેમ જ કૃમિ, ઉલટી, તાવ, રકતદોષ, કફ, પિત અને વાયુ મટાડે છે. લીમડાની બહારની છાલ કરતાં અંદરની છાલમાં ગુણ વધારેહોય છે. લીમડાના પાન અને છાલ જંતુહિન, વૃણશોધન અને બળતરા શમાવનારા છે. લીમડાની લીંબોળીઓની અંદરનું બીજ ઘા રૂઝાવનાર અને રોગો મટાડનારું ગણાય છે.