ઓનલાઈન રિઝર્વેશનથી લઈ ડેઈલી પાસ રીન્યુ માટે થાય છે પારાવાર ‘હાલાકી’
રાજકોટને મળેલા કરોડો રૂપીયાની કિંમતે નિર્માણ પામેલા એસ.ટી.બસ પોર્ટમાં ટેકનીકલ કારણોસર વારંવાર સર્વર ડાઉન થઈ જતા બહારથી અધતન લાગતુ બસ પોર્ટ ખરા ટાણે બાવા આદમના વખતનું હોઈ તેવું લાગે છે. એસ.ટી.ની. મોટાભાગની સુવિધાનું ડિજીટાઈઝેશન કરાયું છે. ત્યારે વારંવાર સર્વર ડાઉન થઈ જતુ હોવાથી ઓનલાઈન બુકીંગ અને પાસ રીન્યુઅલ જેવી સામાન્ય કામગીરી માટે પણ મુસાફરોને હાલાકી ભોગવવી પડે છે.
રાજકોટ એસ.ટી. બસ પોર્ટર જિલ્લા કક્ષાની કામગીરીનું ભારણ હોય અધતન બીલ્ડીંગની જેમજ આંતર માળખાકીય સુવિધાપણ ‘ટનાટન’ બનાવવામાં આવી છે. અલબત કોમ્પ્યુટર રાઈઝ સીસ્ટમ વારંવાર નેટના ધાંધીયા અને સર્વર ડાઉનના કારણે બંધ થઈ જતા હોવાથી પાસ રીન્યુથી લઈને રીઝર્વેષન સુધીની કામગીરીમાં વિલંબના કારણે દરોજ મોટી સંખ્યામાં મુસાફરોને હેરાન થવું પડે છે.
વારંવાર સર્વર ડાઉનના કારણે મુસાફરોને કર્મચારીઓ વચ્ચે વિનાકારણે ઘર્ષણની સ્થિતિ વારંવાર સર્જાતી રહે છે. કયારેક કયારેક તુ તુ મે મે કાઠલા સુધી પહોચી જાય છે. અને એસ.ટી. બસ પોર્ટ પર તેના પોલીસ કર્મચારીઓને મામલો ટાઢો પાડવા દરમ્યાનગીરી કરવી પડે છે. ત્યારે સૌરાષ્ટ્રનાં પાટનગર ગણાતા રાજકોટના મુખ્ય બસ પોર્ટમાં નેટ કનેકટીવીટી અવીરત જળવાઈ રહે તેવી વ્યવસ્થાની માંગ કરી છે.