કિડીની ફેલ્યોર દર્દીઓનુ લોહી શુદ્ધિકરણ હોસ્પિટલ ખાતે ડાયાલીસીસ સેન્ટર પર કૃત્રિમ રીતે કરવામાં આવે છે. તેઓને સાયકલ મુજબ સપ્તાહમાં એક થી ત્રણ વખત સામાન્ય રીતે ડાયાલીસીસ કરવામાં આવતું હોઈ છે. રાજકોટ સિવિલ ખાતે પી.એમ.એસ.એસ.વાય. બિલ્ડીંગ સ્થિત ડાયાલીસીસ સેન્ટર ખાતે દર્દીઓનું ડાયાલીસીસ કરવામાં આવે છે.
કોરોનાના દર્દીઓને પોર્ટ ખાતે એટલે કે તેમના બેડ પાસે જ હરતા ફરતા મશીન દ્વારા તેમનું ડાયાલીસીસ કરવામાં આવે છે. કોરોનાના દર્દી માટે કુલ ૮ મુવેબલ મશીન ઉપલબ્ધ કરાયા છે. જે કોઈપણ ફ્લોર પર દર્દી પાસે લઈ જઈ શકાય છે. મલ્ટી સ્પેશિયાલિટી બિલ્ડિંગમાં તમામ ફ્લોર પર આર.ઓ. પાણીની લાઈન ઉપલબ્ધ હોઈ ડાયાલીસીસ શક્ય હોવાનું સેન્ટર ઇન્ચાર્જ મનિષભાઇ ઝાલાએ જણાવ્યું છે.
છેલ્લા ત્રણ માસમાં કોરોનાની બીજી લહેર દરમ્યાન કોરોનાના દર્દીઓના માર્ચ માસમાં ૨૩, એપ્રિલ માસમાં સૌથી વધુ ૧૫૩ તેમજ મે મહિનામાં ૧૦૮ સહીત કુલ ૨૮૪ ડાયાલીસીસ કરવામાં આવ્યાનું કૌશલભાઈ જણાવે છે. કોરોનાના દર્દીઓના ડોક્ટરના માર્ગદર્શન હેઠળ રિપોર્ટના આધારે સામાન્ય રીતે એક દર્દીનું સપ્તાહમાં ૩ વાર ડાયાલીસીસ કરવામાં આવતું હોવનું ડાયાલીસીસ ટેક્નીશિયન કૌશલભાઈએ વિગત આપતા જણાવ્યું છે.
સુપર સ્પેશિયાલિટી બિલ્ડીંગમાં ડાયાલીસીસ સેન્ટર ખાતે ૨૦ મશીન તેમજ અત્યાધુનિક એચ.ડી.એફ. અને સી.આર.આર.ટી. મશીન છે. જેમાં બી.પી. ના દર્દીઓ સહીત જેમનું ડાયાલીસીસ ૪ કલાકથી વધુ ચાલતું હોઈ તેવા દર્દીઓનું ડાયાલીસીસ પણ કરવામાં આવે છે. નોન કોવીડ કિડનીના દર્દીઓના એપ્રિલ માસમાં ૧૪૨૭ ડાયાલીસીસ કરવામાં આવ્યા હોવાનું ટેક્નિશિયન આકેસભાઈ જણાવે છે.
કોરોનાના કપરા કાળમાં પણ કોરોનાના દર્દીઓની સારવાર સાથોસાથ રાજ્ય સરકાર દ્વારા કિડની ફેલ્યોર દર્દીઓને નવજીવન આપતી ડાયાલીસીસની સારવાર અવિરત ચાલુ રાખી અનેક દર્દીઓ માટે જિંદગીની આશ ટકાવી રાખી છે.