મુખ્યપ્રધાન અને વડાપ્રધાનના હોદ્દા પર 20 વર્ષ પૂર્ણ કરતા રાજુભાઈએ મોદીને અભિનંદન પાઠવ્યા

ભાજપના જૂના અને કર્મઠ કાર્યકરોને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી વર્ષો પછી પણ ભૂલતા નથી એનો તાજો દાખલો હમણાં જ જોવા મળ્યો છે. પોતાના એક પારીવારિક કામને લીધે દિલ્હી ગયેલા ભાજપ અગ્રણી રાજુભાઈ ધ્રુવે એમને મળવા માટે ઈચ્છા વ્યક્ત કરી અને અત્યંત વ્યસ્તતા વચ્ચે પણ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ એમને મળવા માટે સમય ફાળવ્યો અને એમની સાથે કેટલીક  વાતો કરી હતી. આટલા ઉચ્ચ સ્થાન ઉપર, શાસન વ્યવસ્થાના સર્વોચ્ચ પદ પર હોવા છતાં અને અત્યંત વ્યસ્ત હોવા છતાં પણ આ રીતે કાર્યકર્તાને મળવાની એમની ઉત્કંઠા જ એમની દેદીપ્યમાન ઉજ્જવળ પ્રભાવશાળી પ્રતિભાનું મહત્વનું પાસું છે.

વડાપ્રધાનપદે સાત વર્ષ અને અગાઉ મુખ્યપ્રધાન તરીકે 13 વર્ષ કરતા વધુ બંધારણીય હોદ્દા પર રહી સુશાસન દ્વારા કુલ 20 વર્ષ કરતા વધુ સળંગ અવિરત રાષ્ટ્રસેવા-લોકસેવા કરવા માટે રાજુભાઇએ વડાપ્રધાન મોદીને અભિનંદન આપ્યાં હતાં.

રાજુભાઈ ધ્રુવ પોતાના પરિવારજનના ઈલાજ માટે દિલ્હી ગયા હતા ત્યારે એમણે વડાપ્રધાન કાર્યાલયમાં વડાપ્રધાનના ખાસ ફરજ પરના અધિકારી સંજયભાઈ ભાવસારનો સંપર્ક કરીને જણાવ્યું કે  દિલ્હી કામ સબબ આવેલ હોવાથી બે ત્રણ દિવસનું રોકાણ થાય તેમ છે તે દરમિયાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાથે શુભેચ્છા મુલાકાત થઈ શકે તો સારૂ. સંજયભાઈ ભાવસારે વડાપ્રધાનના ધ્યાને વાત મૂકી હતી. કોઈ પણ જુના કાર્યકર્તાઓને યાદ રાખીને પ્રસંગોચિત એમને લાગણીપૂર્વક પોતાનો અમૂલ્ય સમય આપવાની નરેન્દ્રભાઈની કાર્ય પ્રણાલિ અત્યંત પ્રશંસનીય છે. પ્રધાનમંત્રી તરફથી તરત રાજુભાઈને મુલાકાત માટે સમય ફાળવવામાં આવ્યો.

નિયત થયેલા સમયે તેઓ વડાપ્રધાન આવાસે પહોંચ્યા બાદ એમને વડાપ્રધાને બોલાવ્યા અને પરિવારજનો ના ખબર અંતર, સુખ-દુ:ખ, હાલચાલ પૂછ્યા. કુટુંબમાં સૌ કેમ છે એ વાતો થઈ તો વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં ભાજપ સરકાર દ્વારા લેવાયેલા અસાધારણ હિંમતભરેલા નિર્ણયો દ્વારા પ્રજાને આપેલ વચનો પુરા કરવાની સાથે દેશમાં થયેલા વિકાસના મુદ્દા પણ ચર્ચાયા. વર્તમાન પ્રવાહો વિશે વાત થઈ. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી વર્ષો અગાઉ સંઘમાં પદાધિકારી અને ભાજપના સંગઠન મહામંત્રી હતા ત્યારથી રાજુભાઈને એમની સાથે સ્નેહ-સદભાવપૂર્ણ પરિચય છે.

મોદી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા, અને જ્યારે રાજકોટમાંથી પેટા ચૂંટણી લડ્યા ત્યારે તે ચૂંટણીમાં મીડિયા ઈન્ચાર્જ તરીકે અને પ્રવક્તા તરીકે તો ઘણો સમય તેઓ સાથે તેમના નેતૃત્વમાં  પક્ષકાર્ય કરવાનું થયું. મુખ્યમંત્રી તરીકે 13 વર્ષ અને વડાપ્રધાન તરીકે સુશાસનના સાત વર્ષ પૂર્ણ થયાં તે બદલ રાજુભાઈ ધ્રુવે  વડાપ્રધાનને અભિનંદન આપ્યાં હતાં અને દેશને દુશ્મનોથી સુરક્ષિત રાખી અને સૌનો સાથ, સૌનો વિકાસ અને સૌના વિશ્વાસ સાથે રાષ્ટ્રને પૂર્ણ પ્રગતિના રસ્તે લઈ જવામાં તેઓ હજી પણ વધુને વધુ સતત સફળ થાય એવી મંગલમય શુભેચ્છા પાઠવી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.