ગામે-ગામ કલાત્મક તાજીયાના ઝુલુસ નિકળ્યા: રાત્રે તાજીયા ઠંડા થશે
સૌરાષ્ટ્રભરમાં ઈમામ હુશેનની યાદમાં મહોરમનું માતમ મનાવવામાં આવ્યું હતું. ગામે-ગામ તાજીયા પડમાં આવ્યા બાદ કલાત્મક તાજીયાઓનું ઝુલુસ નિકળ્યું હતું. કરબલાના જંગમાં પાણી વિના ઈમામ હુશેન અને તેમની ફોજે શહાદત વ્હોરી હતી જેની યાદમાં દર વર્ષે મહોરમ મનાવવામાં આવે છે.
ઉપલેટામાં મુસ્લિમ સમાજના પવિત્ર મહોરમ પર્વની શાનદાર ઉજવણી થઈ રહી છે જેમાં હિન્દુ-મુસ્લિમ ભાઈચારાની ભાવનાના ગઈકાલે દ્રશ્યો જોવા મળ્યા હતા. ગઈકાલે બપોર બાદ શહેરના નાના-મોટા ૫૦ જેટલા તાજીયાઓ પડમાં આવતા હિન્દુ-મુસ્લિમ સમાજમાં ભાઈચારો જળવાઈ રહે અને તાજીયાના તાબુત કરવા ધારાસભ્ય લલીતભાઈ વસોયા, નગરપતિ દાનભાઈ ચંદ્રવાડિયા, શિક્ષણ સમિતિના ચેરમેન રમણીકભાઈ લાડાણી, નગરપાલિકાના ઉપપ્રમુખ ધવલભાઈ માકડિયા, બાંધકામ સમિતિના ચેરમેન મયુરભાઈ સુવા, શહેર કોંગ્રેસના પ્રમુખ કૃષ્ણકાંતભાઈ ચોટાઈ, પત્રકાર ભરતભાઈ રાણપરિયા, નગરપાલિકાના સદસ્ય રણુભા જાડેજા, અજયભાઈ જાગાણી, જગદીશભાઈ, જેન્તીભાઈ ગજેરા સહિતના હિન્દુ આગેવાનો અલયશરહી યંગ ગ્રુપ ગેબનશાપીર માતમનો તાજીયો, મોલા અલી યંગ ગ્રુપના અશદાબાપીરની માતમનો તાજીયો કાદરી કમિટીના તાજીયાની ફુલહાર કરી તાબુન (દર્શન) કર્યા હતા.
સાવરકુંડલા
સાવરકુંડલા ખાતે મુસ્લિમ સમાજ દ્વારા મહોરમ પર્વની ઉજવણી માટે એક મહિનાથી તૈયારીમાં લાગી ગયા હતા. જેમાં વિવિધ કમિટીઓ દ્વારા કલાત્મક તાજીયા બનાવવામાં આવ્યા હતા. વર્ષોની પરંપરા મુજબ કલાત્મક તાજીયા બનાવવામાં આવે છે અને મુસ્લિમ સમાજ માટે ગમનો દિવસ હોય પયગંબર સાહેબના દોહિત્ર હજરત ઈમામહુશેન અને તેના ૭૨ સાથીઓની યાદ તાજી કરવા માટે આ તહેવારની ઉજવણી કરવામાં આવે છે અને આજરોજ શહેરના મુખ્ય માર્ગો પર તાજયાનું ભવ્ય ઝુલુસ નિકળ્યા હતા અને વિવિધ કમિટીઓ દ્વારા ન્યાઝનું આયોજન કરવામાં આવે છે. આ તકે મહોરમ પર્વની ઉજવણીમાં હિન્દુ-મુસ્લિમ ભાઈઓનો પણ સહયોગ દર વર્ષે મળતો હોય છે તેમ સંધી ચોક તાજીયા કમિટીના પ્રમુખ યુનુસભાઈ ઝાખરાએ જણાવ્યું હતું.
જસદણ
જસદણમાં ગત મોડીરાત્રીથી તાજીયાઓ પડમાં આવતા હજારો હિન્દુ-મુસ્લિમ બિરાદરોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી. ઈસ્લામ ધર્મના મહાન પયગંબર હઝરત મોહંમદ (સ.અ.વ.)ના દોહિત્ર હઝરત ઈમામ હુશેન (અ.સ)એ ત્રણ દિવસ ભુખ્યા-તરસ્યા રહીને પોતે અને તેમના ૭૨ જેટલા સાથી-સગાસંબંધીઓએ ૧૪૦૦ વર્ષ પહેલા ભવ્ય કુરબાની આપી અને ઈસ્લામને જીવંત બનાવ્યો હતો. આવા બેજોડ બલિદાનની સ્મૃતિમાં જસદણમાં તાજીયા રાત્રીના પડમાં આવ્યા હતા. ખાસ કરીને સુલેમાનભાઈ અને ફૈઝલભાઈની સંગે હુશૈની તાજીયા કમિટીએ બે માસ મહેનત કરી બનાવેલ. તાજીયાએ ભારે આકર્ષણ જગાવ્યું હતું. તમામ તાજીયાઓ આજે રાત્રીના ઠંડા થશે.