કલેકટર કચેરી ખાતે આયોજિત બેઠકમાં જિલ્લામાં પેન્ડિંગ પ્રશ્નોનું નિરાકરણ લાવવા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનો આદેશ
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં રાજકોટ જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજાઇ હતી. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલે રાજકોટ જિલ્લાના વિવિધ વિભાગોના પેન્ડીંગ પ્રશ્નોના વિધેયાત્મક વાતાવરણમાં નિરાકરણ લાવવા સંબંધિતોને અનુરોધ કર્યો હતો. આ બેઠકમાં ધારાસભ્યોએ દબાણોના પ્રશ્ન પણ ગજાવ્યા હોવાનું જાણવા મળ્યું છે.
ધારાસભ્યો તથા જિલ્લા પંચાયતના સભ્યોએ તેમના વિસ્તારના વિવિધ પ્રશ્નો જેવાકે સરકારી અને ખાનગી માલિકીની જમીનમાં થયેલા દબાણો દૂર કરવા, ગેસ કનેકશન્સ વગેરે પ્રશ્નો મુખ્યમંત્રી સમક્ષ નિરાકરણ અર્થે પેશ કર્યા હતા. જે અંગે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, તમામ બાબતો અંગે તેઓ સંંધિત વિભાગ સાથે સત્વરે પરામર્શ કરી સમસ્યાનો ઉપાય શોધવા પૂરતા પ્રયત્નો કરશે.
કલેકટર કચેરી ખાતે યોજાયેલી આ બેઠકના પ્રારંભે નિવાસી અધિક કલેકટર કે.બી. ઠક્કરે ઉપસ્થિતોને આવકાર્યા હતા, જ્યારે કલેકટર અરુણ મહેશ બાબુએ મુખ્યમંત્રીનું પુષ્પગુચ્છ આપી સ્વાગત કર્યું હતું. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલને પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશનના માધ્યમથી રાજકોટ ખાતે ચાલી રહેલા વિવિધ વિકાસ કામો અંગે જિલ્લા કલેકટરે વાકેફ કર્યા હતા, જેમાં હીરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ, એઈમ્સ હોસ્પિટલ, રિજિયોનલ સાયન્સ સેન્ટર, ઝનાના હોસ્પિટલ, ડિસ્ટ્રિક્ટ કોર્ટ બિલ્ડિંગ, પદ્મકુવરબા હોસ્પિટલ, જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, ઈશ્વરીયા પાર્ક, માધાપર સર્કલ ફ્લાય ઓવર બ્રિજ, મેન્ટલી રીટાર્ડેડ હોમ, મિલ્ક પ્રોસેસિંગ મેગા ડેરી પ્લાન્ટ, રાજકોટ શહેર-2, ગ્રામ્ય અને ધોરાજીની નવી પ્રાન્ત કચેરીઓ, મનુબેન ઢેબર સેનેટોરીયમની જગ્યાએ 100 બેડની ફિલ્ડ હોસ્પિટલ, ઓસમ ડુંગર ખાતે આર્ટિફિશિયલ વોટરફોલ, ઘેલા સોમનાથનું મદિર, ખંભાલિડાની ગુફાઓ, ગોંડલ-જેતપુર સિક્સ લેન હાઇવે, રાજકોટ-અમદાવાદ હાઇવેનુ નવીનીકરણ વગેરે અંગેની વિગતોનો સમાવેશ થાય છે.
ધારાસભ્યો તથા જિલ્લા પંચાયતના સભ્યોએ તેમના વિસ્તારના વિવિધ પ્રશ્નો મુખ્યમંત્રી સમક્ષ નિરાકરણ અર્થે પેશ કર્યા હતા. જી.આઇ.ડી.સી.માં ફાયર સ્ટેશન બનાવવા અંગે મુખ્યમંત્રીને આ બેઠકમાં રજૂઆત કરવામાં આવી હતી. ચેકડેમ રીપેરીંગ, સિમેન્ટ રોડના નિર્માણ કાર્ય, સસ્તા અનાજની દુકાન, જેટકોની હાઈટેન્શન લાઈન, વગેરે બાબતો અંગેના પ્રશ્નો પણ મુખ્યમંત્રી સમક્ષ રજૂ કરાયા હતા.
આ બેઠકમાં શિક્ષણ મંત્રી તથા રાજકોટ જિલ્લા પ્રભારી મંત્રી જીતુભાઈ વાઘાણી, વાહન વ્યવહાર વિભાગના રાજ્યમંત્રી અરવિંદભાઈ રૈયાણી, જિલ્લા પંચાયત પ્રમુખ ભુપતભાઇ બોદર, મેયર પ્રદિપભાઈ ડવ, સંસદસભ્યશ્રી મોહનભાઈ કુંડારીયા તથા રામભાઈ મોકરીયા, ધારાસભ્ય સર્વ કુંવરજીભાઈ બાવળીયા, ગોવિંદભાઇ પટેલ અને લાખાભાઈ સાગઠીયા, મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ પંકજ જોષી, પોલીસ કમિશનર ખુરશીદ અહમદ, રેન્જ આઈ.જી. સંદીપ કુમાર, મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા, જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી, પી.જી.વી.સી.એલ.ના એમ.ડી. વરુણકુમાર બરનવાલ, પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોડ, નગરપાલિકા ઝોનના પ્રાદેશિક કમિશનર ધીમંતકુમાર વ્યાસ, નિવાસી અધિક કલેકટર કે. બી. ઠક્કર, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ચેતન નંદાણી અને એ.કે.સિંઘ, એડિશનલ કલેક્ટર એન.એફ.ચૌધરી તથા એન.આર. ધાધલ, પ્રાંત અધિકારીઓ સર્વ સંદીપ વર્માં, વિરેન દેસાઈ, જયેશ લીખીયા, એમ.વી.બાટી તથા પ્રજ્ઞાબેન ગોંડલીયા, જિલ્લા પુરવઠા અધિકારી અવનીબેન હરણ, જીલ્લા આયોજન અધિકારી નીતિન ટોપરાણી, નાયબ જિલ્લા વિકાસ અધિકારી રાહુલ ગમારા, ભાજપ અગ્રણીઓ સર્વ કમલેશભાઈ મીરાણી, નાગદાનભાઈ ચાવડા, મનસુખભાઈ રામાણી, જિલ્લા પંચાયતના સભ્યો વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
રાજકોટ જિલ્લામાં હાલ ક્યાં ક્યાં પ્રોજેક્ટ ચાલી રહ્યા છે ?
હીરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ, એઈમ્સ હોસ્પિટલ, રિજિયોનલ સાયન્સ સેન્ટર, ઝનાના હોસ્પિટલ, ડિસ્ટ્રિક્ટ કોર્ટ બિલ્ડિંગ, પદ્મકુવરબા હોસ્પિટલ, જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, ઈશ્વરીયા પાર્ક, માધાપર સર્કલ ફ્લાય ઓવર બ્રિજ, મેન્ટલી રીટાર્ડેડ હોમ, મિલ્ક પ્રોસેસિંગ મેગા ડેરી પ્લાન્ટ, રાજકોટ શહેર-2, ગ્રામ્ય અને ધોરાજીની નવી પ્રાન્ત કચેરીઓ, મનુબેન ઢેબર સેનેટોરીયમની જગ્યાએ 100 બેડની ફિલ્ડ હોસ્પિટલ, ઓસમ ડુંગર ખાતે આર્ટિફિશિયલ વોટરફોલ, ઘેલા સોમનાથનું મદિર, ખંભાલિડાની ગુફાઓ, ગોંડલ-જેતપુર સિક્સ લેન હાઇવે, રાજકોટ-અમદાવાદ હાઇવેનુ નવીનીકરણ
ઓસમ ખાતે આર્ટિફિશિયલ વોટર ફોલનું આકર્ષણ ઉભું કરવા કવાયત
ઓસમ ડુંગરને યાત્રાધામ તરીકે વિકસાવવા તંત્ર કવાયત હાથ ધરી રહ્યું છે. અગાઉ આ સ્થળના વિકાસ માટે અનેક પગલાં લેવામાં આવ્યા છે. હજુ પણ તેના આકર્ષણમાં વધારો કરવા જિલ્લા વહીવટી તંત્ર કમર કસી રહ્યું છે. હાલ અહીં આર્ટિફિશિયલ વોટરફોલ બનાવવામાં આવી રહ્યો છે. આ કામનું મુખ્યમંત્રી સમક્ષ પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું હતું.
રાજકોટ શહેર-2, ગ્રામ્ય અને ધોરાજીની નવી પ્રાંત કચેરીઓ બનાવાશે
રાજકોટ શહેર-2, રાજકોટ ગ્રામ્ય અને ધોરાજીની નવી પ્રાંત કચેરીઓ બનાવવામાં આવનાર છે. આ માટે તંત્રએ જરૂરી કાર્યવાહી શરૂ કરી દીધી છે. રાજકોટ શહેર-2 અને રાજકોટ ગ્રામ્ય કચેરી હાલ જૂની કલેક્ટર કચેરી ખાતે કાર્યરત છે. આ બન્ને કચેરીઓ માધાપર નજીક ખસેડવામાં આવનાર છે.