પરિવારના સભ્યને નોકરી અને આર્થિક સહાયની માંગ બાદ મૃતદેહ સ્વીકારવાની ચીમકી

શહેરમાં સ્વચ્છતા  જળવાઇ રહે તે માટે ચાલતી ટીપરવાન અવાર નવાર અકસ્માત સર્જી અનેકને મોતને ઘાટ ઉતાર્યાની ઘટનાઓ બનતી રહે છે. ત્યારે વધુ એક બનાવમાં રૈયા રોડ પર આવેલા ગાર્બેજ સ્ટેશનમાં ટીપરવાન રિવર્સમાં લેતી વેળાએ પાછળ કામ કરતો મજુર કચડાતા બેશુઘ્ધ હાલતમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. જયાં તેની સારવાર કારગત નિવડે તે પૂર્વે જ તેનું મોત નિપજતા તેના પરિવારમાં કાળો કલ્પાંત સર્જાયો હતો. આ ઘટના અંગે જાણ થતા વાલ્મીકી સમાજના આગેવાનો હોસ્પિટલે પહોચ્યા હતા અને ટીપરવાનના કોન્ટ્રાકટર અને કોર્પોરેશન તરફથી સહાયની માંગ કરી હતી.

પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ મુળ મુંબઇના વતની અને હાલ વર્ષોથી અહીં જામનગર રોડ પર આવેલા સ્લમ કવાર્ટરમાં રહેતા અને રૈયા રોડ પર આવેલા ગાર્બેજ સ્ટેશનમાં મજુરી કામ કરતા રણજીતભાઇ રામજીભાઇ સાગઠીયા નામના ૪પ વર્ષના પ્રૌઢ આજે ગાર્બેજ સ્ટેશનમાં કામ કરી રહ્યા હતા ત્યારે રિવર્સમાં આવતી ટીપરવાન નીચે કચડાઇ જતાં ટીપરવાનનો ચાલક અકસ્માત સર્જી નાસી છુટયો હતો. આથી

શ્રમિકો દ્વારા ઘવાયેલો પ્રૌઢને સારવાર અર્થે સીવીલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જયાં તેમની સારવાર કારગત નિવડે તે પહેલા જ પ્રૌઢે હોસ્પિટલના બિછામાં દમ તોડી દેતા તેના પરિવારમાં અરેરાટી સાથે શોકની લાગણી પ્રસરી છે.આ બનાવ અંગે જાણ થતાં હોસ્પિટલમાં વાલ્મીકી સમાજના ટોળે ટોળા ઉમટી પડયા હતા.

પૂર્વ નગર સેવક કરશનભાઇ વાઘેલા, ભજનીક કલાકાર કરશનભાઇ સાગઠીયા અને યતિનભાઇ વાઘેલા સહીતના આગેવાનો પણ દોડી આવ્યા હતા. ટીપરવાનના કોન્ટ્રાકટરની અને ડ્રાઇવરની બેદરકારીના કારણે અકસ્માત સર્જાયો હોવાના આક્ષેપો કર્યો હતો.સમાજના આગેવાનો પરિવારજનોએ માંગણી કરી હતી કે મૃતકના પરિવારના સભ્યોને કોર્પોરેશન દ્વારા નોકરી આપવામાં આવે અને કોર્પોરેશન અને કોન્ટ્રાકટર દ્વારા આર્થિક સહાય કરવામાં આવે તેવી માંગણી સાથે મૃતકના પરિવાર જનો સાથે મોટી સંખ્યામાં ટોળુ મનપા કચેરીએ રજુઆત કરવા ધસી ગયું હતું.

જો પરીવારજનોની માંગ સ્વીકારવામાં આવશે તો જ મૃત દેહ સ્વીકારવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી હતી. મૃતક રણજીત સાગઠીયા ભજનીક કલાકાર કરશનભાઇ સાગઠીયાનો ભત્રીજો અને ચાર ભાઇ બહેનમાં મોટો હોવાનું અને સંતાનમાં એક પુત્ર અને બે પુત્રી હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

ટીપરવાનના ચાલક પાસે ડ્રાઇવીંગ લાયસન્સ  ન હોવાનું બહાર આવ્યું

મનપાની બેદરકારીને કારણે મોત નિપજયાના આક્ષેપો થઇ રહ્યા છુ. ત્યારે ટીપરવાનના ચાલક પાસે ડ્રાઇવીંગ લાયસન્સ ન હોવા છતાં કોન્ટ્રાકટર દ્વારા નોકરી પર રાખવામાં આવ્યો હોવાની વિગતો બહાર આવતા વાલ્મીકી સમાજમાં રોષ જોવા મળ્યો છે. ટીપરવાન ચાલક અને કોન્ટ્રાકટર સામે કાયદેસરની કાર્યવાહી કરવા માંગ ઉઠી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.