પૈસા લઈ દાદાજી સસરાના અવસાન બાદ પરિવારજનોને હેરાન કરતો’તો: જાહેરમાં અડપલા કરતા પોલીસ ફરિયાદ નોંધાઈ
શહેરમાં જાણે ખાખીનો ખોફ ગુનેગારોને રહ્યો ના હોય તેમ કોઈપણ ગુનાખોરી કરવામાં આવારા તત્વો અચકાતા નથી. તેવી જ એક ઘટના શહેરના ઉપલા કાંઠે નોંધાઈ છે. જેમાં પૈસાની ઉઘરાણી મામલે વ્યાજખોરે નણંદ-ભોજાઈ પાસે અભદ્ર માંગણી કરી હતી. પૈસા લીધા બાદ દાદાજી સસરાના અવસાન પછી પરિવારજનોને હેરાન કરતા વ્યાજખોરે જાહેરમાં પરિણીતાના અડપલા કરતા બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
શહેરના ઉપલાકાંઠા વિસ્તારમાં રહેતી 21 વર્ષની પરિણીતાએ બી.ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે પારેવડી ચોક પાસેના મહાત્મા ગાંધી પ્લોટમાં રહેતા પપ્પુ નારણ મકવાણા (ઉ.વ.50)નું નામ આપ્યું હતું. મહિલાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, સાંજે 5 વાગ્યે પોતે ઘર નજીક દૂધ લેવા ગઇ હતી અને દૂધ લઇને પરત આવતી હતી ત્યારે મહાત્મા ગાંધી પ્લોટ વિસ્તારમાં રહેતો પપ્પુ મકવાણા તેમની પાસે ધસી ગયો હતો અને કહ્યું હતું કે, તારા દાદાજી સસરાને મેં રૂ.30 હજાર વ્યાજે આપ્યા હતા.
મારે હાલમાં રૂ.20 હજાર રૂપિયાની જરૂર છે તે આપી દે, મહિલાએ દાદાજીએ પૈસા લીધા હોય તેની જાણ નથી તેમ કહેતા પપ્પુ મકવાણા ઉશ્કેરાયો હતો અને તેણે મહિલાનો હાથ પકડી ચેનચાળા કર્યા હતા, એટલું જ નહીં તેણે એવું પણ કહ્યું હતું કે, વ્યાજે લીધેલા પૈસા પરત ન આપવા હોય તો તારી નણંદ રાત્રે આવવાની છે તું પણ આવી જજે, વ્યાજખોર પપ્પુની વાતથી ગભરાયેલી પરિણીતા રડતાં રડતાં ઘરે પહોંચી હતી અને તેણે તેની 23 વર્ષની નણંદને આપવીતી વર્ણવતા તેની નણંદે પણ પપ્પુની પોતે ભોગ બન્યાની વાત કરી હતી.
મહિલાની નણંદ મંગળવારે બપોરે 12 વાગ્યે પારેવડી ચોક નજીક હતી ત્યારે પપ્પુએ તેને પણ આંતરી હતી અને તારા દાદાને રૂ.30 હજાર વ્યાજે આપ્યા હતા તે રકમ આપ તેમ કહી પૈસાની માંગ કરી હતી, અને અડપલાં કર્યા હતા, યુવતીએ પોતે આ અંગે અજાણ હોવાનું કહેતા પપ્પુ બેફામ બન્યો હતો અને ધમકી આપી હતી કે પૈસા ન હોય તો રાત્રે મારી ઘરે આવી જજે પૈસા ન માફ કરી દઇશ.
યુવતી અને તેની ભાભીની વ્યાજખોરે પજવણી કરી બીભત્સ માંગ કર્યાની ઘટના પ્રકાશમાં આવતાં મહિલા-યુવતી અને તેના સમાજના આગેવાનો પોલીસ સ્ટેશને દોડી ગયા હતા, જે તે સમયે તો પોલીસે યુવતીની માત્ર અરજી લઇ મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ અંતે મહિલાની ફરિયાદ લઇ પપ્પુ સામે ગુનો નોંધ્યો હતો.