મોબાઈલ ફોન પર રમાતી પબજી અને મોમો ચેલેન્જ નામની ગેમ્સના કારણે બાળકો-યુવાનોમાં હિંસક વૃત્તિનું પ્રમાણ વધતું હોઈ કચ્છમાં ગત ૧૧ માર્ચથી તેના પર કડક પ્રતિબંધ મુકાયો છે.જો કે, પ્રતિબંધ મુકાયો હોવા છતાં અનેક યુવાનો જાહેરમાં પબજી ગેમ રમે છે. ત્યારે, માંડવી પોલીસે પબજીની રમતમાં મશગુલ એક યુવકની અટકાયત કરી જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ કરવા બદલ કેસ નોંધતા આ ગેમ્સના વ્યસનીઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે.

ટાટા પાવર પ્લાન્ટમાં ખાનગી નોકરી કરતો માંડવીના વલ્લભનગરનો સરફરાઝ દાઉદ સુમરા નામનો ૨૩ વર્ષિય યુવક રાત્રે તેના રહેણાંક નજીક મોબાઈલમાં પબજી ગેમ રમવામાં મશગુલ હતો. ત્યારે, નાઈટ પેટ્રોલીંગમાં રહેલી પોલીસ ટૂકડીએ તેને ઝડપી પાડ્યો હતો. પોલીસે તેનો સેમસંગ મોબાઈલ ફોન જપ્ત કરી જાહેરનામાનો ભંગ કરવા બદલ ફોજદારી અધિનિયમની કલમ ૧૮૮ અને ગુજરાત પોલીસ એક્ટની કલમ ૧૩૫ મુજબ તેની વિરુધ્ધ ફરિયાદ નોંધી છે. કચ્છમાં પબજી રમવા પર પ્રતિબંધ મુકતું જાહેરનામું પ્રગટ થયા બાદ તેનો ભંગ કરવા બદલ આ પહેલીવાર ફોજદારી કેસ નોંધાયો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.