ગાંડા બાવળને વાવવાની કે પાણી પીવડાવાની જરૂર ન હોય તેમ દીપડાની જાળવણી લેવાતી ન હોવા છતાં જંગલમાં ગાંડા બાવળની જેમ વધતી દીપડાની વસ્તી હવે ચિંતાજનક

વન્યજીવ સંરક્ષણની સંગીન વ્યવસ્થામાં વાઘ-સિંહના જતનમાં દીપડાને મળેલા ‘સોફટ કોર્નર’થી વસ્તીમાં બેકાબુ વધારો

જૂનાગઢ, કેશોદ, માણાવદર, વિસાવદરથી લઈ ઉના સુધીની દીપડાઓની વાસ્તવિક વસ્તી હવે સીમ વિસ્તાર માટે બની ભયજનક

પર્યાવરણની જાળવણી અને વન સંરક્ષણની પ્રવૃતિ માનવ સમાજ જ નહીં પરંતુ સમગ્ર જીવસૃષ્ટિ માટે આશિર્વાદરૂપ બની રહેશે. પરંતુ દેશમાં વન સંરક્ષણના મુખ્ય સિંહ અને વાઘના સંરક્ષણની કવાયતમાં દીપડાઓ ફાટીને ધુમાડે ગયા હોય તેમ દીપડાઓની વધતી વસ્તી હવે ચિંતાનું કારણ બની ગઈ છે. સિંહ અને વાઘના સંરક્ષણમાં જંગલ વિસ્તારમાં સલામતી અને વ્યવસ્થાની સંગીન કામગીરીનો ખરો લાભ શરમાળ, લુચ્ચુ અને વિના કારણે હુમલો કરવા માટે કુખ્યાત દીપડાએ લઈ લીધો છે.  કહેવત છે કે, ‘શેરડી પાછળ એરડી પણ પાણી મેળવી લે છે’ શેરડીના ખેતરમાં ઉગી નીકળેલા એરંડા જેવી રીતે સારી રીતે જીવી જાય છે તેમ જ જંગલમાં સિંહ,  વાઘના સંરક્ષણ માટેની વ્યવસ્થામાં દીપડાઓની વસ્તી બેફામ વધી રહી છે. તાજેતરમાં આવેલા એક સર્વેમાં રાષ્ટ્ર વ્યાપી ધોરણે ચાર વર્ષમાં દીપડાઓની સંખ્યામાં 62 ટકાનો વધારો થયો છે. 2014માં દેશમાં દીપડાની સંખ્યા 7910 હતી અને 2018માં આ સંખ્યા વધી 12852 થઈ જવા પામી છે.

દીપડાની સૌથી વધુ વસ્તી મધ્યપ્રદેશમાં 3421 નોંધાઈ છે. કર્ણાટકમાં 1783, મહારાષ્ટ્રમાં 1690ની વસ્તીમાં 50 ટકાથી વધુ વધારો થયો છે. દેશમાં વાઘ અભ્યારણમાં વિવિધ પ્રકારના સંરક્ષણના કાર્યક્રમો યોજાય છે. જેમાં માનવી અને પ્રાણીના સંયુક્ત સહવાસની વ્યવસ્થામાં પણ દીપડાઓને ફાવટ આવી ગઈ છે. દેશમાં વાઘ અને સિંહના સંરક્ષણના કાર્યક્રમમાં દીપડાઓની વસ્તી થોડા વર્ષોમાં ખુબ જ વધી જવા પામી છે. પર્યાવરણ મંત્રી પ્રકાશ જાવેડકરે 2018માં દીપડાઓની સ્થિતિ  અંગે આપેલ માહિતીમાં આ આંકડાઓ બહાર આવ્યા છે. (અનુ. આઠમા પાને)

દીપડાઓ જંગલ વિસ્તાર ઉપરાંત ખેતી વિસ્તારોમાં કોફી, ચાના બગીચા, સૌરાષ્ટ્રમાં આંબા, ચીકુડીના બાગમાં દીપડાઓની અવર-જવરના પ્રમાણ જોવા મળ્યા છે. તાજેતરમાં જ દીપડાઓની વસ્તી ગણતરી માટેના અભ્યાનમાં 141 વિસ્તારોમાં 26838 લોકેશન પર કેમેરા સર્વેલન્સથી દીપડાની વસ્તી ગણતરી કરવામાં આવી હતી. 51337 તસવીરોમાં પુખ્ત અને બચ્ચાને કેમેરામાં કેદ કરવામાં આવ્યા હતા. ચાર વર્ષમાં દીપડાઓની સંખ્યા વધવા પામી છે. વળી વૈશ્ર્વિક સ્તરે પણ આફ્રિકા અને એશિયામાં ભારતમાં દીપડાની વસ્તીમાં મૃત્યુદર ખુબજ ઓછો આવ્યો છે. દીપડો સમય અને સંજોગોને આધીન થઈ જાય છે. પ્રાદેશીક ધોરણે મધ્ય ભારતમાં સૌથી વધુ 8071 દીપડાઓ જોવા મળ્યા છે. જેમાં મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, ઓરીસ્સા, છત્તીસગઢ, ઝારખંડ, તેલંગણા, આધ્રપ્રદેશ, પશ્ર્ચિમ ઘાટમાં કર્ણાટક, તામિલનાડુ, ગોવા, કેરલમાં 3386, ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ અને બિહારમાં 1253 અને ઉત્તરના પહાડી વિસ્તારમાં 141 દીપડાઓ જોવા મળ્યા હતા. આ રાષ્ટ્રીય સંરક્ષણમાં ગુજરાતના આંકડા આવ્યા નથી પણ ગુજરાતમાં ડાંગ, આહવા, મહારાષ્ટ્રના સરહદીય જંગલ વિસ્તાર અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં ગીરના જંગલ આસપાસ દીપડાઓની મોટી સંખ્યામાં વસ્તી રહેલી છે. દીપડો શરમાળ, ડરપોક અને બીકમાં જ હુમલો કરનાર પ્રાણી હોવાથી તે હવે પાલતુ પ્રાણીઓને માનવી માટે જોખમી બની રહ્યું છે. જંગલમાં બીન જરૂરી નિંદણની જેમ દીપડાની વસ્તી વધી જાય છે. જેવી રીતે ગાંડા બાવળના બી વાવવાની જરૂર નથી તેની માવચત કે પાણી પીવડાવવાની જરૂર ન હોય તો પણ તે ત્રાસદાયક રીતે વધતા હોય તેવી રીતે જંગલી પ્રાણીઓમાં દીપડો ગાંડા બાવળની જેમ વધવા લાગ્યો છે જે ચિંતાનો વિષય છે. દીપડાની હાજરી સિંહ અને વાઘ અભ્યારણમાં પણ જોખમી ગણાવા લાગી છે.

સોરઠમાં ગિર ઉપરાંત ઓજત, ઉબેણ અને ભાદર નદીની કોતરોમાં દીપડા રાજ

દેશભરમાં દીપડાઓની વસ્તીમાં ધરખમ વધારો થઈ રહ્યો છે તેમ ગીર અને સૌરાષ્ટ્ર વિસ્તારમાં પણ દીપડો ફાટીને ધુમાડે ગયો છે.

સીડ્યુલ-2માં આવતા દીપડાને નુકશાન પહોંચાડવા ગુનો બને છે. ગિર અભ્યારણ આસપાસના ખાસ કરીને જૂનાગઢના ગીરનારનું જંગલ, કેશોદ, માણાવદર, મેંદરડા, વિસાવદરથી લઈ ઉના સુધી જંગલ અને રેવન્યુ વિસ્તારમાં દીપડાની વસ્તી વધી રહી છે. ઓજત, ઉબેણ અને ભાદર નદીની કોતરોમાં દીપડાનું રાજ ચાલી રહ્યું છે.

જો દીપડાની વસ્તી ગણતરી કરવામાં આવે તો એવું પણ બને કે, દીપડો વસ્તીની રીતે ગીરના સિંહ કરતા પણ આગળ નીકળી જાય. વંથલી, જૂનાગઢ, તાલાલાના ચીકુ અને આંબાના બગીચા અને ખેતરોમાં વારંવાર દીપડાની રંજાડના બનાવોએ ચિંતા વધારી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.