પરિવર્તન કે પુનરાવર્તન ? મતદારોના મન કળવામાં રાજકીય પંડિતો પણનિષ્ફળ: ૧૧મીએ સસ્પેન્સ ખુલશે
આગામી વર્ષે યોજાનારી લોકસભાની ચુંટણીની સેમીફાઈનલ સમાન ગણાતી મધ્યપ્રદેશ અને મિઝોરમ રાજય વિધાનસભાની ચુંટણી માટે કાલે મતદાન યોજાયું હતું. મધ્યપ્રદેશમાં ૭૪.૧૩ ટકા જયારે મિઝોરમમાં ૮૦ ટકા જેવું મતદાન નોંધાયું હતું. બંને રાજયોમાં ગત ચુંટણી કરતા વધારે મતદાન નોંધાતા આ રેકોર્ડબ્રેક મતદાને તમામ મુખ્ય રાજકીય પક્ષોની ઉંઘ ઉડાડી દીધી છે. ભારે મતદાને રાજકીય પક્ષોને નવેસર પોતાના રાજકીય ગણિતો ગણવા માટે મજબુર કરી દીધા છે.
મધ્યપ્રદેશ વિધાનસભાની ૨૩૦ બેઠકો માટે ૫,૦૪,૩૦૭૯ મતદારોમાંથી ૩,૭૩,૮૫,૮૨૮ મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરતા ૭૪.૧૩ ટકા મતદાન નોંધાયું હતું. જે ૨૦૧૩માં યોજાયેલી વિધાનસભાની ચુંટણી કરતા ૩ ટકા જેવું વધારે થયું હતું. મતદાન બાદ મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે રાજયમાં સતત ચોથી વખત ભાજપ સરકાર બનાવશે અને ભારે મતદાને દર્શાવ્યું છે કે રાજયના મતદારો ભાજપના વિકાસના મંત્રમાં વિશ્વાસ ધરાવે છે.
જયારે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ કમલનાથે જણાવ્યું હતું કે, મતદારોએ ભારે મતદાન કરીને ભાજપ વિરુઘ્ધ પોતાનો આક્રોશ વ્યકત કરીને તેનો દરવાજો દેખાડી દીધો છે. કોંગ્રેસ ૨૩૦ માંથી ૧૪૦ બેઠકો જીતશે અને રાજયમાં મતદાન દરમ્યાન ઈવીએમ બગડવાની અનેક ફરિયાદો સામે આવતા તેની અસર મતદાતા પર પડી હોવાનો દાવો પણ કમલનાથે કર્યો હતો. જયારે કોંગ્રેસના મુખ્યમંત્રીપદના અન્ય એક દાવેદાર જયોતિરાદિત્ય સિંધિયાએ અનેક મતદાન મથકો પર ઈવીએમ બગડવાની ફરિયાદો આવી હોય આ સ્થાનો પર ફરીથી મતદાન કરાવવા ચુંટણીપંચને પત્ર લખ્યો હતો.
મધ્યપ્રદેશના મુખ્ય ચુંટણી અધિકારી વી.એલ.કથારાવે જણાવ્યું હતું કે, રાજયમાં મતદાન દરમ્યાન મશીનમાં ગરબડની ૩૮૬ ફરિયાદો મળી હતી. જે બાદ ચુંટણીપંચ દ્વારા ૮૮૩ બેલેટ યુનિટ અને ૮૮૧ કંટ્રોલ યુનિટ બદલી નાખવામાં આવ્યા હતા. ૨૧૨૬ વીવીપેટ મશીનો ખરાબ થયા હતા. જેને પણ તાત્કાલિક બદલી નાખવામાં આવ્યા હતા. રાજયમાં કોઈપણ જગ્યાએ બુથ કેપચરીંગની એકપણ ઘટના બનવા પામી ન હતી પરંતુ ભીંડ જિલ્લામાં મતદાન દરમ્યાન રાજકીય પક્ષોના કાર્યકરો વચ્ચે સામસામે હિંસાના છુટા છવાયા કિસ્સાઓ નોંધાયા છે.
જયારે ઉતરપૂર્વના સરહદી રાજય મિઝોરમમાં ભારે સુરક્ષા વ્યવસ્થા વચ્ચે શાંતિપૂર્ણ મતદાન થવા પામ્યું હતું. આ પહાડી રાજયમાં મતદાન મથકો દુર-દુર સુધી ફેલાયેલા હોય મતદાનના આખરી આંકડા હજુ સુધી આવ્યા નથી પરંતુ સરેરાશ ૮૦ ટકા જેવું મતદાન થવાની સંભાવના છે. જે ગત વિધાનસભાની ચુંટણીના ૮૨ ટકા મતદાન કરતા થોડુ ઓછું મનાઈ રહ્યું છે. મિઝારમ વિધાનસભાની ૪૦ બેઠકો માટે મેદાનમાં રહેલા ૨૦૯ ઉમેદવારોના ભાવિ ઈવીએમમાં સીલ થઈ ગયા હતા.
ઉતરપૂર્વના સાત રાજયોમાં પગદંડો જમાવવા ભાજપ લાંબા સમયથી કાર્યરત હોય. ધીમે-ધીમે છ રાજયોમાં ભાજપ કે ભાજપની સહયોગી પાર્ટીની સરકાર બની જવા પામી છે. કોંગ્રેસ પાસે એક માત્ર મિઝોરમ રાજયમાં સરકાર રહેવા પામી હતી. ૧૦ વર્ષથી મિઝોરમમાં શાસન ચલાવતા મુખ્યમંત્રી લાલ થાનાવાલાએ મતદાન બાદ ફરીથી કોંગ્રેસ સંપૂર્ણ બહુમતી સાથે સરકાર બનાવશેનો દાવો વ્યકત કર્યો હતો તો મુખ્ય વિપક્ષના મિઝને નેશનલ ફ્રન્ટેના નેતાઓએ ૧૦ વર્ષ બાદ સતામાં આવવાનો દાવો કર્યો હતો. કોંગ્રેસ અને મિઝને નેશનલ ફ્રન્ટે તમામ ૪૦ બેઠકો પર પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા હતા. જયારે ભાજપે ૩૯ ઉમેદવારો ઉભા રાખ્યા હતા.
ભાજપ મિઝરમમાં અત્યાર સુધી એકપણ વખત એકપણ બેઠક જીતી શકયું નથી પરંતુ ઉતરપૂર્વના છ રાજયોમાં ધીમે-ધીમે મજબુત રાજકીય પગપેસારો કર્યા બાદ આ ચુંટણીમાં ન માત્ર પોતાનું ખાતુ ખોલવાની આશા રાખી રહ્યું છે પરંતુ કોઈ રાજકીય પાર્ટીનો સંપૂર્ણ બહુમતી ન મળે તો બિનકોંગ્રેસી સરકાર બનાવવા માટે મહત્વની ભૂમિકા ભજવવા તૈયારી કરી રહ્યું છે. મધ્યપ્રદેશ અને મિઝોરમમાં ભારે મતદાન થતા મતદારોએ કોના તરફે મતદાન કર્યું છે તે નકકી કરવું રાજકીય વિશ્ર્લેષકો માટે પણ મુશ્કેલ રૂપ બની ગયું છે. ૧૧મીએ આવનારા પરીણામો જ સસ્પેન્સ ખોલશે.
ટ્વીટર, ફેસબુક પર ભાજપ-કોંગ્રેસને મત આપવાની અપીલથી ચૂંટણીપંચ ખફા
ગઈકાલે મધ્યપ્રદેશ અને મિઝરોમમાં યોજાયેલી રાજયની વિધાનસભાની ચુંટણી દરમ્યાન ફેસબુક અને ટવીટર પર રાજકીય પક્ષોની મતદાન માટેની અપીલો ફરતી રહેતા ચુંટણીપંચે ભારે નારાજગી દર્શાવી છે. ચુંટણીપંચે બંને કંપનીઓને આવી રાજકીય અપીલો તુરંત ડિલીટ કરી નાખવા તાકીદ કરી હતી. જનપ્રતિનિધિત્વની કલમ ૧૨૬ મુજબ મતદાનના ૪૮ કલાક પહેલા રાજકીય પક્ષો અને ઉમેદવારોએ પોતાનો રાજકીય પ્રચાર બંધ કરી દેવાનો હોય છે.
પરંતુ વર્તમાન સમયમાં મતદારોમાં વધતા જતા સોશિયલ મીડિયાનો ઉપયોગે લાભ લઈને ભાજપ, કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષોના ઉમેદવારોએ ચાલુ મતદાન દરમ્યાન મતદારોને પોતાની તરફેણમાં મતદાન કરતી અપીલો મોકલવાનું ચાલુ રાખ્યું હતું જેની જાણ ચુંટણીપંચને થતા ચુંટણીપંચ દ્વારા રાજકીય પક્ષો કે ઉમેદવારોના બદલે સોશિયલ મીડિયા કંપનીઓને ચુંટણી કાયદાનો ભંગ ન થાય તેની ખાતરી રાખવા જણાવ્યું હતું.