મતનો ૬ ટકાનો તફાવત ભાજપને મધ્યપ્રદેશમાં બહુમતી અપાવશે?

આગામી વર્ષે યોજાનારી લોકસભાની ચુંટણીની સેમીફાઈનલ સમાન ગણાતી મધ્યપ્રદેશ, રાજસ્થાન સહિતના રાજયોના વિધાનસભાની ચુંટણી જેમ-જેમ નજીક આવતી જાય તેમ-તેમ રસાકસીભરી બનતી જાય છે. મધ્યપ્રદેશમાં કોંગ્રેસ અને બસપા વચ્ચે ગઠબંધન તુટી જતા ચુંટણીના પહેલાના આખરી દિવસોમાં મજબુત બનેલી કોંગ્રેસની સ્થિતિ સામે ફરીથી પ્રશ્નાર્થ ઉભો થવા પામ્યો છે. મધ્યપ્રદેશમાં એકલા હાથે ચુંટણી લડવાની જાહેરાત કરતા માયાવતી અને પાંચ ટકા મતદારોમાં થતુ સ્વીંગ આ ચુંટણીમાં મહત્વનું પરીબળ બની ગયું હોય ભાજપ ફરીથી ‘ડ્રાઈવીંગ સીટ’ પર આવી ગયાનું રાજકીય વિશ્ર્લેષકોનું માનવું છે.

હાલમાં રાજય વિધાનસભાઓની યોજાઈ રહેલી ચુંટણીઓમાં અતિમહત્વની ચુંટણી મધ્યપ્રદેશની બનવા જઈ રહી છે. ગુજરાતની જેમ મધ્યપ્રદેશ પણ લાંબા સમયથી ભાજપનું ગઢ રહ્યું છે. તેના ભુતકાળના ચુંટણી પરીણામો દર્શાવે છે કે વિધાનસભામાં વિજયી બનનારો પક્ષ જ લોકસભામાં બાજી મારી જતો હોય છે. રાજયમાં સતત બે વખતથી રહેલી ભાજપ સરકાર સામે અનેક મુદાઓ પર એન્ટી ઈન્કમબન્સીનો સામનો કરવો પડી રહ્યો છે. ખેડુતોની હાલત સુધારવા, બેરોજગારીને રોજગારી આપવા તથા કાયદા અને વ્યવસ્થાનું સારું શાસન સુધારવામાં શિવરાજ સરકાર નિષ્ફળ રહ્યાના આક્ષેપો થઈ રહ્યા છે.

થોડા સમય પહેલા રાજકીય વિશ્ર્લેષકો મુજબ હાલ મધ્યપ્રદેશમાં કોંગ્રેસ માટે સારું વાતાવરણ હોવાનું જણાવીને કોંગ્રેસ પાતળી બહુમતીથી આગળ હોવાના દાવાઓ થયા હતા પરંતુ કોંગ્રેસનું બસપા સાથેનું ગઠબંધન ન થતા તેની સૌથી મોટી નુકસાની કોંગ્રેસને જનાર હોવાનું હવે રાજકીય વિશ્ર્લેષકો માની રહ્યા છે. છેલ્લા ૨૦ વર્ષથી મધ્યપ્રદેશ વિધાનસભાઓની ચુંટણીઓમાં બસપાને ૬ થી ૯ ટકા મતો મળે છે. જો ૨૦૧૩માં યોજાયેલી વિધાનસભાની ચુંટણીમાં કોંગ્રેસ અને બસપા સાથે લડયું હોત તો તેઓ ૪૧ વધુ બેઠકો મેળવી શકે તેમ હતી.

વર્ષ ૨૦૧૩ની વિધાનસભાની ચુંટણીના આંકડાઓને જોતા આ રાજયમાં ચુંટણી જીતવા કોંગ્રેસે ઓછામાં ઓછા ૫ ટકા મતદારોને સ્વીંગ કરાવી પોતાની તરફે ખેંચવા જરૂરી છે. મધ્યપ્રદેશના ઉતર અને પશ્ર્ચિમ મધ્ય વિસ્તારોમાં અનુસુચિત જાતિનું વર્ચસ્વ વધારે છે. જયારે પૂર્વીય અને પશ્ચિમ ભાગોમાં આદિજાતિના મતદારો વિશેષ છે. ૨૦૦૩ થી ૨૦૧૩ સુધીમાં કોંગ્રેસે અનુસુચિત જાતિના વર્ચસ્વ ધરાવતા વિસ્તારોમાં સારું સમર્થન મેળવ્યું હતું પરંતુ આ વિસ્તારોમાં બસપા પણ અસરકારક પરીબળ હોય અને મોટા પ્રમાણમાં મતો ખેંચી શકે તેમ હોય કોંગ્રેસને અહીં નુકસાન જવાની સંભાવના વ્યકત થઈ રહી છે.

રાજયના મધ્યમ વયના મતદારો કરતા યુવા મતદારો પર ભાજપનું ભારે વર્ચસ્વ જોવા મળે છે. જેથી ૨૦૧૩ની વિધાનસભા ચુંટણી ભારે બહુમતીથી જીતી હતી પરંતુ ચાલુ વર્ષે ફેબ્રુઆરીમાં યોજાયેલી પેટાચુંટણીમાં પણ તેનો દેખાવ સારો રહ્યો હતો પરંતુ ગયા વર્ષે યોજાયેલી શહેરી વિસ્તારોની ચુંટણીમાં કોંગ્રેસને ભારે બહુમતી મળી હતી. શહેરી વિસ્તારોનું કોંગ્રેસ તરફી વલણ આ ચુંટણીમાં ચચાલુ રહે તો રાજયના ૭૦ ટકા મતદારો જયાં વસે છે. ગ્રામ્ય વિસ્તારોમાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે કસોકસની લડાઈ થઈ શકે છે. આમ મધ્યપ્રદેશમાં માયાવતી અને ૫ ટકા મતદારોનું પરીવર્તન અતિ મહત્વનું મનાતું હોય હાલની સ્થિતિમાં ભાજપને ફરીથી ફાયદામાં આવી ગયેલું દર્શાય છે.

માયાવતીએ છીંદવાડાની બેઠક માટે આગ્રહ કરતા ગઠબંધન પડી ભાંગ્યુ: કમલનાથ

મધ્યપ્રદેશમાં કોંગ્રેસ અને બસપા વચ્ચે ચુંટણી પહેલા ગઠબંધન પડી ભાગ્યું છે. આ અંગે બસપા સુપ્રીમો માયાવતીએ કોંગ્રેસ પર આક્ષેપો કર્યા હતા ત્યારે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ કમલનાથે જણાવ્યું હતું કે, તેઓ જયાંથી નવ વખત લોકસભાની ચુંટણી જીત્યા છે તો છીંદવાડાની બેઠક માટે બસપાએ હઠાગ્રહ રાખ્યો હતો. ઉપરાંત તેમની પાર્ટીએ ભાજપને હટાવવા બસપાને ૨૫ થી ૩૦ બેઠકો આપવાની તૈયારી દર્શાવી હતી. પરંતુ માયાવતીએ ૫૦ બેઠકોનો આગ્રહ રાખતા આ ગઠબંધન પડી ભાંગ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.