આરજેડીની ટિકિટ પરથી હાજીપુર બેઠકમાં પિતા રામ વિલાસ પાસવાન સામે આશા લડે તેવી શકયતા
લોકસભા ચૂંટણીમાં મહાભારત જેવો ઘાટ સર્જાય તેવી શકયતા છે. એલજેપીના પ્રમુખ રામ વિલાસ પાસવાન સામે તેમની પુત્રી આશા પાસવાન હાજીપુર બેઠક પરથી ચૂંટણી લડે તેવી ચર્ચા ચાલી રહી છે. આશા પાસવાનને આરજેડી ટિકિટ આપે તેવી શકયતા છે.
રામ વિલાસ પાસવાન માત્ર પોતાના પુત્ર ચિરાગ પાસવાનને જ રાજકારણમાં પ્રમોટ કરી રહ્યાં હોવાનો આક્ષેપ આશા પાસવાને કર્યો છે. હાલ ચિરાગ પાસવાન બિહારની જમોઈ બેઠક પરથી લોકોનું પ્રતિનિધિત્વ કરે છે. આશા પાસવાને આક્ષેપ કર્યો છે કે, મને અત્યાર સુધી નજર અંદાજ કરવામાં આવી છે. જયારે ચિરાગને એલજેપી પાર્લામેન્ટરી પક્ષના લીડર બનાવાયા છે. જો મને આરજેડી ટિકિટ આપશે તો હું હાજીપુર બેઠક પરથી લડીશ.
અહીં ઉલ્લેખનીય છે કે, રામ વિલાસ પાસવાનની પ્રથમ પત્ની રાજકુમારી દેવીની બે પુત્રીઓ પૈકી એક આશા છે. જયારે બીજી પત્નીના બે સંતાનોમાં ચિરાગ અને વધુ એક પુત્રીનો સમાવેશ થાય છે. વર્ષ ૧૯૮૧માં રાજકુમારી સાથે છૂટાછેડા લીધા બાદ રામ વિલાસ પાસવાન અમરીતસરની રીના સાથે વર્ષ ૧૯૮૩માં લગ્નના તાંતણે બંધાયા હતા.
હાલ રામ વિલાસ પાસવાનની પુત્રી આશા પાસવાન પતિ અનિલ સાધુ સાથે પટનામાં રહે છે. અગાઉ અનિલ સાધુ એલજેપીની દલીત સેનાના પ્રમુખ હતા અને અત્યારે એલજેપી છોડીને આરજેડીમાં જોડાયા છે. રામ વિલાસ પાસવાન સામે હાજીપુર બેઠક પરથી તેમની પુત્રી આશા પાસવાન અથવા જમાઈ અનિલ સાધુ લડશે તેવી પુરેપુરી શકયતા છે.