ઈન્કમટેકસ માટે ‘રાત થોડી વેશ જાજા’ જેવો ઘાટ
આર્થિક તથા વ્યાપાર સ્થિતિને નજર અંદાજ કરી સીબીડીટી દ્વારા આવકવેરા વિભાગને અપાય છે લક્ષ્યાંક: ટેકસ સ્લેબમાં બદલાવ થતાં લક્ષ્યાંક્ને સિદ્ધ કરવામાં પડી રહી છે મુશ્કેલીઓ
૩૧ માર્ચને હવે માત્ર એક જ દિવસની વાર છે ત્યારે આવકવેરા વિભાગ અને જીએસટી પોતાના લક્ષ્યાંકને સિદ્ધ કરવા માટે જે ઘટ્ટ આવી છે તેને પુરવા તમામ અધિકારીઓ ઉંધામાથે કામ કરી રહ્યાં છે. સવિશેષ ગુજરાતની વાત કરવામાં આવે તો દર વર્ષે આવકવેરા વિભાગને લક્ષ્યાંક ખૂબજ ઉંચો આપવામાં આવતો હોય છે. ત્યારે તે લક્ષ્યાંકને સિદ્ધ કરવા માટે ઘણી તકલીફોનો પણ સામનો અધિકારીઓ દ્વારા કરવામાં આવે છે જેના ફળ સ્વરૂપે ઘણી એવી ભુલો થતી જોવા મળે છે જેમાં કરદાતાઓને અનેકવિધ પ્રકારની તકલીફોનો સામનો કરવો પડે છે.
સીબીડીટી દ્વારા જે આવકવેરા વિભાગ માટેનો લક્ષ્યાંક નકકી કરવામાં આવે તેમાં સીબીડીટી સહેજ પણ આર્થિક કે વ્યાપારની સ્થિતિને નજર અંદાજ કરતા હોય છે જેના પરિણામ સ્વરૂપે સૌથી મોટી ઘટ્ટ રીકવરીમાં જોવા મળે છે. આથી કહી શકાય કે, માત્ર ટેકસ સ્લેબમાં ફેરબદલ કરતા આર્થિક અને વ્યાપારની સ્થિતિની પણ અવગણના સીબીડીટી દ્વારા કરવામાં આવે છે.
હાલની સ્થિતિની વાત કરવામાં આવે તો જાણે ક્ધયાની કેળે ડામ આવે તેવી સ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે. ઉચ્ચ લક્ષ્યાંકના લીધે વ્યાપારીઓથી માંડી ખેડૂતોને આ અંગેની તકલીફો અને સમસ્યાઓ વેઠવી પડે છે. જેથી કહી શકાય કે, આવકવેરા વિભાગ પોતાના લક્ષ્યાંક સિધ્ધ કરવા માટે નિર્દોષ લોકોનો પણ ભોગ લઈ રહી છે. અનેક વખત એવું પણ સામે આવ્યું છે કે, જે ખેડૂતે અત્યાર સુધી એકપણ રીટર્ન ન ભર્યું હોય તેવા ખેડૂતને પણ ૧૮ લાખની ટેકસ નોટિસ આવકવેરા વિભાગ દ્વારા આપવામાં આવતી હોય છે ત્યારે ખેડૂત દ્વારા કરવામાં આવેલી એક નાની ભુલના કારણે અનેક તકલીફો ખેડૂતોને વેઠવી પડે છે. વાત સાચી છે કે, અર્થતંત્રને ધબકતુ રાખવા માટે આવકવેરા વિભાગ ખૂબજ અહમ ભાગ અર્થતંત્રમાં ભજવે છે પરંતુ સાથો સાથ એ વાતનો પણ ખ્યાલ રાખવો પડે કે, કોઈ નિર્દોષ લોકો તેમની કાર્યવાહીથી તેઓને તકલીફ ન પડે.
અજ્ઞાન લોકોને પણ આવકવેરા વિભાગ નોટિસ પાઠવતા નજરે પડયા છે જેનું એકમાત્ર કારણ એ છે કે, તેમના લક્ષ્યાંકને સિદ્ધ કરવા માટે ગ્રામ્ય વિસ્તારના લોકોમાં પણ આ અંગેનો ઉહાપો જોવા મળી રહ્યો છે. ત્યારે સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેકટ ટેકસીસ દર વર્ષે જે રીતે આવકવેરા વિભાગ ટાર્ગેટને જે નિર્ધારીત કરે છે તેવા અનેક પરિબળોને ધ્યાને લેવા ખૂબજ મહત્વના છે.
વાત કરવામાં આવે તો હાલ આવકવેરા વિભાગ દ્વારા ૧.૬ લાખ કરોડની ઘટ્ટને પહોંચી વળવા માટે માત્ર એક જ દિવસ બાકી રહ્યો છે. કે જે ગત વર્ષની સરખામણીમાં ૧૩ ટકા જેટલાનો લક્ષ્યાંક હાલ સિદ્ધ કરવામાં બાકી રહ્યો છે ત્યારે આવકવેરાની સાથો સાથ જીએસટીના કલેકશનમાં પણ ઘણો ખરો ઘટાડો જોવા મળી રહ્યો છે.