સાંસદ પરિમલ નથવાણીને પર્યાવરણ રાજયમંત્રીનો પ્રત્યુતર
એશિયાઈ સિંહોના સંવર્ધન માટે કેન્દ્રે વધુ ભંડોળ ફાળવવું જોઈએ: પરિમલ નથવાણી
કેન્દ્ર સરકાર દ્વારા પ્રયોજિત વન્યપ્રાણી રહેણાંક વિકાસ યોજના હેઠળ, કેન્દ્ર સરકારે છેલ્લાં ત્રણ વર્ષમાં પ્રોજેક્ટ ટાઇગર માટે રૂ.૧૦૧૦.૪૨ કરોડ અને એશિયાઇ સિંહો માટે રૂ. ૩૨ કરોડનું ફંડ આપ્યું છે. કેન્દ્રીય પર્યાવરણ, વન અને જળ-વાયુ પરીવર્તન રાજ્ય મંત્રી બાબુલ સુપ્રિયોએ આ માહિતી રાજ્ય સભામાં સાંસદ પરીમલ નથવાણી દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં ઉપલબ્ધ બનાવી હતી.
મંત્રીના નિવેદન અનુસાર, કેન્દ્ર સરકારે એશિયાઇ સિંહોના સંરક્ષણ સહિત ગુજરાતમાં વન્યપ્રાણી રહેણાંક વિકાસ યોજના હેઠળ ૨૦૧૬-૧૭, ૨૦૧૭-૧૮ અને ૨૦૧૮-૧૯ના વર્ષ માટે અનુક્રમે રૂ. ૪.૯૮ કરોડ, રૂ. ૫.૫૯ કરોડ અને રૂ. ૨૧.૪૨ કરોડનું ભંડોળ આપ્યું હતું. સમાન સમયગાળા માટે, કેન્દ્ર સરકારે પ્રોજેક્ટ ટાઇગ હેઠળ રૂ. ૩૪૨.૨૫ કરોડ, રૂ. ૩૪૫ કરોડ અને રૂ. ૩૨૩.૧૭ કરોડનું ભંડોળ આપ્યું હતું. પરિમલ નથવાણી વન વિભાગ દ્વારા એશિયાઇ સિંહોના સંરક્ષણ માટે લેવામાં આવેલાં પગલાં અને છેલ્લાં ત્રણ વર્ષમાં એશિયાઇ સિંહોની સરખામણીએ વાઘ માટે ફાળવવામાં આવેલા બજેટ અંગે જાણવા માંગતા હતા.
નથવાણીએ જણાવ્યું હતું કે, સિંહોના સંવર્ધન માટે આપવામાં આવેલા ભંડોળના આંકડામાં ગુજરાત સરકારે આપેલા ભંડોળનો સમાવેશ થતો નથી. રાજ્ય સરકારે થોડા સમય પહેલાં રાજ્યમાં સિંહોના સંવર્ધન માટેની લાંબાગાળાની પ્રવૃત્તિઓના અમલ માટે રૂ. ૩૫૦ કરોડને મંજૂરી આપી હતી. પરંતુ, કેન્દ્રએ એશિયાઇ સિંહોના સંવર્ધન માટે વધારે ભંડોળ ફાળવવાની જરૂર છે કારણ કે તે માત્ર ગુજરાતમાં ગીર અને જ જોવા મળે છે, જ્યારે વાઘ ભારતના ઘણાં રાજ્યોમાં અને એશિયાના ઘણાં દેશોમાં જોવા મળે છે.
નથવાણી દ્વારા પૂછવામાં આવેલા અન્ય એક પ્રશ્નના ઉત્તરમાં મંત્રીએ જણાવ્યું હતું કે છેલ્લી ત્રણ વસતી ગણતરીમાં એશિયાઇ સિંહોની સંખ્યા વર્ષ ૨૦૦૫ના ૩૫૯થી ૪૫.૬૮ ટકા વધીને વર્ષ ૨૦૧૫માં ૫૨૩ થઈ હતી, જ્યારે વાઘની સંખ્યા છેલ્લી ત્રણ વસતી ગણતરીમાં વર્ષ ૨૦૧૦માં ૧૭૦૬માં ૭૩.૯૧ ટકાના વધારા સાથે વર્ષ ૨૦૧૮માં ૨૯૬૭ થઈ હતી.