નબળી શરૂઆત બાદ કોહલી-યાદવની જોડી ભારતને જીત સુધી દોરી ગઈ !!
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી ત્રણ મેચની ટી-20 સિરીઝ ભારતે 2-1 થી અંકે કરી લીધી છે. પ્રથમ મેચમાં હારનો સામનો કરી ચુકેલી ટીમ ઇન્ડિયાએ જોરદાર કમબેક કરીને સિરીઝ અંકે કરી લીધી છે. અંતિમ મેચમાં ભારત તરફે સૂર્યકુમાર યાદવ અને વિરાટ કોહલીએ નિર્ણાયક ઇનિંગ રમીને ભારતને જિતની નજીક પહોંચાડી દીધા હતા અને અંતિમ ઓવરમાં 6 વિકેટે જીત મેળવીને ભારતે કાંગારું સામેની સિરીઝ અંકે કરી લીધી છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની 3 મેચોની ટી-20 શ્રેણી અંતિમ મેચ હૈદરાબાદમાં રમાઈ હતી. ભારતીય ટીમે ત્રીજી અને અંતિમ મેચ જીતી લઈને શ્રેણીમાં 2-1 થી વિજય મેળવ્યો હતો. ભારતીય ટીમની જીતમાં વિરાટ કોહલી અને સુર્યકુમાર યાદવની મુખ્ય ભૂમિકા બેટ વડે રહી હતી.
આ પહેલા અક્ષર પટેલે બોલથી પોતાની મહત્વની જવાબદારી નિભાવી હતી. ભારતે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડીંગ પસંદ કરી હતી. જે મુજબ ઓસ્ટ્રેલિયાએ 186 રન 7 વિકેટે નિર્ધારીત ઓવરમાં નોંધાવ્યા હતા. જવાબમાં ભારતે વિજયી લક્ષ્ય અંતિમ ઓવરમાં હાંસલ કર્યુ હતુ. હાર્દિક પંડ્યાએ અંતમાં વિજયી ચોગ્ગો ફટકારી ભારતને 6 વિકેટે જીત અપાવી હતી.ભારતની શરુઆત મુશ્કેલ રહી હતી, ભારતીય ઓપનર કેએલ રાહુલે શરુઆતમાં જ ઝડપથી વિકેટ ગુમાવી દીધી હતી. તેણે માત્ર એક જ રન 4 બોલનો સામનો કરીને નોંધાવ્યો હતો. રાહુલ ડેનિયલ સેમ્સના બોલ પર વિકેટકીપર મેથ્યૂ વેડેના હાથમાં મુશ્કેલ કેચના રુપમાં ઝડપાયો હતો.
ત્યાર બાદ રોહિત શર્માએ 1 છગ્ગા અને 2 ચોગ્ગા વડે 14 બોલમાં 17 રન નોંધાવીને વિકેટ ગુમાવી હતી. આમ પાવર પ્લેમાં જ ભારતે ઝડપથી બે વિકેટ ગુમાવી દીધી હતી.બાદમાં વિરાટ કોહલી અને સુર્યકુમાર યાદવે શાનદાર રમત રમી હતી. બંને વચ્ચે 104 રનની શતકીય ભાગીદારી નોંધાઈ હતી. બંને વચ્ચેની પાર્ટનરશિપ 62 બોલની રહી હતી. બંનેએ ભારતીય ટીમને લક્ષ્યની નજીક પહોંચાડવા માટેની મહત્વની રમત રહી હતી. બંનેએ અડધી સદી નોંધાવી હતી. સૂર્યકુમારે 5 છગ્ગા વડે 69 રનની ઈનીંગ રમી હતી.
36 બોલનો સામનો કરીને તેણે તોફાની રમત રમીને કાંગારુ બોલરોને પરેશાન કરી મુક્યા હતા. જોકે જોશ હેઝલવુડે તેને પોતાની જાળમાં ફસાવીને સુકાની આરોન ફિંચના હાથમાં ઝડપાવ્યો હતો.કોહલીએ શાનદાર બેટીંગ દર્શાવી હતી, તેણે પોતાની ઈનીંગની શરુઆતમાં જ આક્રમક અંદાજથી શોટ લગાવ્યા હતા. જે જોતાજ તે મોટી વિનીંગ ઈનીંગ રમવા જ ક્રિઝ પર ઉતર્યો હોવાનો અંદાજ દર્શાવી રહ્યો હતો. તેની રમતે ભારતની સ્થિતી મેચમાં મજબૂત બનાવી રાખી હતી. વિરાટ કોહલીએ 4 છગ્ગા ફટકાર્યા હતા. 48 બોલનો સામનો કરીને 63 રન નોંધાવ્યા હતા. અંતિમ ઓવરમાં પ્રથમ બોલે છગ્ગો જમાવ્યા બાદ આગળના બોલ પર સેમ્સે તેને ફિંચના હાથમાં કેચ ઝડપાવ્યો હતો.
અંતિમ ઓવરમાં પાંચમા બોલ પર હાર્દિક પંડ્યાએ ચોગ્ગો ફટકારીને ભારતને જીત અપાવી હતી. હાર્દિક પંડ્યાએ 16 બોલનો સામનો કરીને અણનમ 25 રન નોંધાવ્યા હતા. તેણે એક છગ્ગો અને 2 ચોગ્ગા ફટકાર્યા હતા. દિનેશ કાર્તિક 1 રન સાથે અંતમાં અણનમ રહ્યો હતો, તેણે એક જ બોલનો સામનો કર્યો હતો.
પાકિસ્તાનને પછાડી વર્ષમાં સૌથી વધુ ટી-20 મેચ જીતનારી ટીમ ઇન્ડિયા !!
ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી મેચમાં જીત મેળવીને એક અનોખો રેકોર્ડ બનાવ્યો હતો. ભારત કેલેન્ડર વર્ષમાં સૌથી વધુ જીતનાર ટીમ બની છે. આ સાથે જ ટીમે આ મામલે પાકિસ્તાનને પછાડી દીધું હતું. પાકિસ્તાને વર્ષ 2018માં 20 મેચ જીતી હતી. જે ભારતે વર્ષ 2022 માં એટલે કે આ વર્ષે કુલ 21 મેચ જીતી લીધી છે. આમ ભારત કેલેન્ડર વર્ષમાં ટી-20 મેચ જીતનારી ટીમ બની ગઈ છે.
ટી-20 સિરીઝમાં 9 વર્ષ બાદ કાંગારૂઓને ગોઠણીયે પાડતું ભારત !!
ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયા સામે 2-1 થી સિરીઝ જીતી લીધી હતી. આ સાથે જ ભારતે 9 વર્ષ પોતાની જ ધરતી ઉપર કાગાંરુઓને ટી-20 સિરીઝમાં હાર આપી હતી. ટીમ ઈન્ડિયાએ છેલ્લે વર્ષ 2013 માં ઓસ્ટ્રેલિયાને 1-0 થી સિરીઝમાં પરાજય આપ્યો હતો. આ પછી 2017 માં ટી-20 સિરીઝ 1-1 થી ડ્રો રહી હતી. ત્યારબાદ 2019 માં ઓસ્ટ્રેલિયાએ 2-0 થી સિરીઝ પોતાના નામે કરી હતી.