દરરોજ ભાવ સમીક્ષાની પધ્ધતિને કારણે ભાવ વધારાના ભારથી અજાણ વાહન ચાલકો
જુલાઈ ૨૦૧૭થી આંતરરાષ્ટ્રીય ક્રુડ માર્કેટનાં આધારે રોજ નકકી કરવામાં આવતા પેટ્રોલ ડીઝલનાં ભાવની વધઘટથી પેટ્રોલપંપ ધારકો તથા વાહન ચાલકોમાં અસમંજસની સ્થિતિ ઉદભવી છે. રોજ બદલાતા ભાવથી વાહન ચાલકો મોટે ભાગે અજાણ હોવાથી ઘણા પેટ્રોલ પંપો ઉપર પેટ્રોલપંપ સંચાલકો અને ગ્રાહકો વચ્ચે બોલાચાલીનાં બનાવો બનતા રહે છે.જયારે બીજી તરફ પેટ્રોલપંપ ધારકોને પણ આ પધ્ધતિને કારણે ઘટતી અગવડતાનો સામનો કરવો પડી રહ્યો છે.
૧ જાન્યુઆરી ૨૦૧૮માં આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડના ભાવ બેરલ દીઠ ૬૭ ડોલરની આસપાસ હતા. જે માર્ચનાં અંતમાં ૬૯ ડોલર જેટલા રહ્યા હતા વચ્ચેનાં સમય ગાળામાં થોડા સમય માટે વધુમાં વધુ ભાવ ૭૦ ડોલર સુધી પહોચ્યા હતા આમ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડના ભાવની બહુમોટી ઉથલપાથળ થઈ ન હોવા છતાં ભારતમાં પેટ્રોલ ડીઝલનાં ભાવ ઉત્તરોતર વધતા જ રહ્યા છે.
રોજ-બરોજના ભાવ સમીક્ષાને કારણે પેટ્રોલ પંપ ધારકો અને ગ્રાહકોને અનેક વિધ મુશ્કેલીનો સામનો પણ કરવો પડી રહ્યો છે. આ સિસ્ટમ લાગુ કરતા સમયે પેટ્રોલીયમ મંત્રાલયે ખાતરી આપી હતી કે ભારતનાં આશરે ૫૩ હજાર પેટ્રોલપંપોમાં બહુ ઝડપથી ઓટોમેશન સિસ્ટમ લગાવવામાં આવશે. આ સિસ્ટમ હેઠળ રોજ બરોજ બદલાતા ભાવ ઓટોમેટીક પંપોમાં સેટ થઈ જાય છે. આવી ઓટોમેશન સીસ્ટમ હજ બધા જ પેટ્રોલપંપો ઉપર કાર્યરત થઈ નથી.
ગુજરાતમાં આશરે ૩૪૦૦ પેટ્રોલ પંપો આવેલા છે. જેમાંથી ૮૦% પંપો ગ્રામ્ય વિસ્તાર અથવા હાઈવે ઉપર આવેલા છે. આવા પેટ્રોલ પંપોમાં ૮૦% પંપો ઉપર હજુ ઓટોમેશન પધ્ધતી લાગુ કરવામાં આવી નથી. રાજકોટ શહેરમાં ૪૪ જેટલા પેટ્રોલ પંપો કાર્યરત છે. જેમાં અડધા અડધ પેટ્રોલ પંપ ઉપર આ સિસ્ટમ કાર્યરત નથી. ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલીયમ એસોસીએશન દ્વારા આ અંગે ઉચ્ચ કક્ષાએ વારંવારની રજુઆતનું પણ કોઈ પરિણામ આવ્યું નથી. એસો.નાં ગુજરાતનાં જોઈન્ટ સેક્રેટરી તરીકે કાર્યરત ઓમ પેટ્રોલીયમના ગોપાલભાઈ ચુડાસમાએ આ અંગે જણાવ્યું કે આ પ્રથા ગ્રાહકોને ફાયદો આપવાના ઉદેશથી શરૂ
કરવામાં આવી હતી પણ એનાથી ઉલ્ટુ આ પ્રથાથી ગ્રાહકોને નુકશાન થઈ રહ્યું છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,