હજુ પણ વધુ લોકોને યોજના સાથે જોડવા અરજીની મુદત ૧૫મી સુધી લંબાવાઈ: સરકારે રૂફટોપ માટે ગત વર્ષ કરતા ૩૧૦ કરોડ વધુ ફાળવ્યા

સોલાર રૂફટોપથી લોકો જાતે જ વીજળીનું ઉત્પાદન કરીને તેનો વપરાશ કરતા થાય તેમજ વીજળીનું ઉત્પાદન કરવા માટે થતો પરંપરાગત ઉર્જા સ્ત્રોતનો ઉપયોગ ઘટે તેવા આશયથી રાજ્યસરકાર દ્વારા સોલાર રૂફટોપ યોજના શરૂ કરવામાં આવી છે. ગત વર્ષે આ યોજનાનો જબબર પ્રતિસાદ મળ્યા બાદ આ વર્ષે રૂ. ૩૧૦ કરોડ વધુ ફાળવવામાં આવ્યા છે. સોલાર રૂફટોપ માટે સમગ્ર રાજ્યમાં માત્ર ૫ મહિનામાં ૧.૦૬ લાખ અરજીઓ મળી છે.

સોલાર રૂફટોપ યોજનાનો લાભ લેવા માટે ૨૮ ફેબ્રુઆરી અરજી કરવાનો છેલ્લો દિવસ હતો. પરંતુ હજુ પણ વધુ લોકો આ યોજનાનો લાભ લ્યે તેવા આશયથી રાજ્યસરકારે અરજીની મુદત વધારીને ૧૫ માર્ચ કરી આપી છે. આ અંગે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું કે રાજ્ય સરકારે વર્ષ ૨૦૧૯-૨૦માં સોલાર રૂફટોપ માટે રૂ. ૬૧૦ કરોડ ફાળવ્યા હતા. જ્યારે વર્ષ ૨૦૨૦-૨૧ માટે રૂ. ૯૧૨ કરોડ ફાળવવામાં આવ્યા છે. તેઓએ વધુમાં કહ્યું કે સોલાર રૂફટોપની ઓનલાઈન અરજી કરવા માટે ઓનલાઈન પોર્ટલ પણ બનાવવામાં આવ્યું છે. વધુમાં ૪૫૯ નોડલ એજન્સીઓ સોલાર રૂફટોપમાંથી ઉત્પન્ન થયેલ વીજળી રૂ.૨.૨૫ પ્રતિ યુનિટના ભાવે ખરીદશે. જેના મોનીટરીંગ માટે ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડને નોડલ એજન્સી તરીકે કામગીરી સોંપવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.