સોફટવેર ટેકનોલોજી, હેલ્થકેર અને માર્કેટીંગ ક્ષેત્રમાં નોકરીની માંગ વધી
વૈશ્વિક મહામારી કોરોના બાદ ઉધોગ અને વ્યવસાયને અત્યંત માઠી અસરનો સામનો કરવો પડયો છે ત્યારે બીજી તરફ ઘર બેઠા એટલે કે વર્ક ફ્રોમ હોમ કરનાર નોકરી વાંચ્છુકોની સંખ્યામાં અધધધ ૪૪૨ ટકાનો વધારો નોંધાયો છે. ફેબ્રુઆરીથી જુલાઈ માસ દરમિયાન આ વધારો નોંધાયો હોવાનું આંકડાકિય માહિતી પ્રમાણે ખ્યાલ પડી રહ્યો છે. વૈશ્ર્વિક મહામારી કોરોનાનાં કારણે અનેક લોકોએ તેમની નોકરી ગુમાવી હતી તો બીજી તરફ ઘણાખરા કર્મચારીઓએ વર્ક ફ્રોમ હોમ થકી કામ કરવાનું નકકી કર્યું હતું માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિશ્વ સ્તર પર વર્ક ફ્રોમ હોમ પઘ્ધતિને અપનાવવામાં આવી છે.
અભ્યાસ મુજબ એ વાતની પણ સ્પષ્ટતા થઈ રહી છે કે, વર્ક ફ્રોમ હોમ કરવા માટે સૌથી વધુ સોફટવેર ટેકનોલોજી, હેલ્થ કેર અને માર્કેટીંગ ક્ષેત્રમાં નોકરી વાંચ્છુકોએ ઓનલાઈન કામ કરવા રાજી થયા હતા. ફેબ્રુઆરીથી જુલાઈ માસ એટલે કે ૬ માસનાં સમયગાળા દરમિયાન જે ૪૪૨ ટકાનો વધારો નોંધાયો છે તે ખરાઅર્થમાં અકલ્પનીય છે અને તેનો રેકોર્ડ પણ નોંધાયો છે અને બીજી તરફ વર્ક ફ્રોમ હોમ થકી ઉધોગકારોને પ્રોડકશન એટલે કે ઉત્પાદનમાં વધારાની સાથો સાથ ઘણાખરા લાભો પણ મળવાપાત્ર રહ્યા છે. અન્ય દેશોની સરખામણીમાં ભારતમાં ગત ૬ માસ એટલે કે ફેબ્રુઆરીથી જુલાઈ માસ દરમિયાન વર્ક ફ્રોમ હોમ કરવાવાળા કર્મચારીઓની સંખ્યામાં અનેકગણો વધારો જોવા મળ્યો છે.
વિશ્વનાં અન્ય દેશોની જો વાત કરવામાં આવે તો ભારત એકમાત્ર એવો દેશ છે કે જેની કુલ વસ્તીનાં અડધો ભાગ કોઈને કોઈ રીતે કામ કરી રહ્યું છે ત્યારે ભારતમાં નોકરી ઈચ્છુકો માટે ખુબ જ મોટી અને અમુલ તક રહેલી છે. હાલનાં સમયગાળા દરમિયાન જયારે કોરોના સંક્રમણ વધવાના ચાન્સ વધી રહ્યાછે ત્યારે કોઈપણ ઉધોગ માટે ઉત્પાદનની સાથો સાથ તેમનું વેચાણ પણ નિયમિત ચાલતું રહે તે અત્યંત જરૂરી છે ત્યારે વર્ક ફ્રોમ હોમ થકી ઉધોગકારોને અને વ્યવસાયને કોરોના સંક્રમણનો ડર પણ સહેજ પણ સતાવતો નથી અને ઈચ્છા પ્રમાણેનું કાર્ય પણ પૂર્ણરૂપથી થઈ શકે છે. વ્યવસાયીક રીતે આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થશે કે કેમ તે પણ એક મોટો પ્રશ્ર્નાર્થ હતો પરંતુ હાલ જે સ્થિતિ જોવા મળી રહી છે તેનાથી એ વાત સ્પષ્ટ થાય છે કે ઘરે બેસી કામ કરતા લોકો ખુબ મોટા પ્રમાણમાં નાણાને રળી રહ્યા છે.