- જાતીય સુખાકારી સંબંધિત ચીજવસ્તુઓનું વેચાણ ૨૦૨૧માં ૨૩ કરોડ હતું જે વર્ષ ૨૦૨૫માં ૪૧ કરોડે પહોચ્યું!
ગુજરાતમાં જાતીય સુખાકારી સંબંધિત ચીજવસ્તુઓનું વેચાણ ખૂબ જ વધી રહ્યું છે. પહેલાં લોકો આ વિશે ખુલીને વાત કરવામાં કે આવી વસ્તુઓ ખરીદવામાં શરમ અનુભવતા હતા, પરંતુ હવે એવું નથી. લોકો હવે લોકો નપુંસકતા જેવી સમસ્યાઓ વિશે વધુ જાગૃત થયા છે અને તેનો ઉકેલ શોધવા માટે તૈયાર છે. તણાવ પણ આ સમસ્યાઓનું એક કારણ છે.
ફાર્મારાકના નવા આંકડાઓ અનુસાર, ગુજરાતમાં જાતીય ઉત્તેજક અને કાયાકલ્પ કરતી દવાઓનું વેચાણ નાણાકીય વર્ષ ૨૦૨૪માં ૩૩ કરોડ રૂપિયા હતું, જે ૨૨% વધીને નાણાકીય વર્ષ ૨૦૨૫માં ૪૧ કરોડ રૂપિયા થઈ ગયું છે. છેલ્લા પાંચ વર્ષથી આ વેચાણમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. માર્ચ ૨૦૨૧માં આ વેચાણ ૨૩ કરોડ રૂપિયા હતું, જે વધીને ૨૦૨૫માં ૪૧ કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે. આ વૃદ્ધિ એક વખતની નથી, પરંતુ પાંચ વર્ષના સ્થિર વલણનો એક ભાગ છે. તેથી એમ કહી શકાય કે છેલ્લા ચાર વર્ષમાં 80 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે.
ઉદ્યોગના નિષ્ણાતો આ વધારાનું કારણ લોકોમાં વધતી જાગૃતિ, ઓછો થતો સંકોચ અને બેડરૂમમાં વધુ સારો અનુભવ મેળવવાની ઇચ્છાને ગણાવે છે. હવે ગુજરાતના લોકો પરફોર્મન્સની ચિંતા અને તણાવ સંબંધિત સમસ્યાઓથી લઈને મનોરંજન માટે પણ આ વિકલ્પોને ખુલ્લેઆમ અપનાવી રહ્યા છે.
ફાર્મારાકના વાઇસ પ્રેસિડેન્ટ શીતલ સપાલે કહે છે કે હવે જાતીય સુખાકારીની પ્રોડક્ટ્સને જે રીતે જોવામાં આવે છે અને તેનું માર્કેટિંગ કરવામાં આવે છે તેમાં મોટો બદલાવ આવ્યો છે. કેટલીક કંપનીઓ દ્વારા ઓવર–ધ–કાઉન્ટર (ઓટીસી) વેચાણ વધારવાના પ્રયત્નોને કારણે આ પ્રોડક્ટ્સ વધુ સરળતાથી ઉપલબ્ધ થઈ રહી છે, જેના કારણે વેચાણમાં વધારો થઈ રહ્યો છે.
ત્યારે એ પણ બહાર આવ્યું છે કે, શહેરી ગ્રાહકોમાં હવે આ વિષય પર ખુલ્લેઆમ ચર્ચા થઈ રહી છે. કંપનીઓ ટીવી જાહેરાતો અને મોટી હસ્તીઓ દ્વારા પ્રચાર જેવી સ્માર્ટ માર્કેટિંગ વ્યૂહરચનાઓ અપનાવી રહી છે, જેનાથી આ કેટેગરી પ્રત્યેનો ખચકાટ ઓછો થઈ રહ્યો છે. હવે આ પ્રોડક્ટ્સ માત્ર તબીબી જરૂરિયાતથી આગળ વધીને જીવનશૈલી અને મનોરંજનનો ભાગ બની રહી છે, જે દર્શાવે છે કે આ ક્ષેત્ર ઝડપી વિકાસના તબક્કામાં પ્રવેશી રહ્યું છે.
બજારમાં સિલડેનાફિલ અને ટડાલાફિલ જેવી દવાઓ ખૂબ વેચાય છે, જેનો ઉપયોગ નપુંસકતાની સારવાર માટે થાય છે. આ દવાઓ ઘણીવાર ડેપોક્સેટિન સાથે વેચાય છે, જેનો ઉપયોગ વહેલા સ્ખલનની સારવાર માટે થાય છે. આયુર્વેદિક જાતીય ઉત્તેજકો પણ ખૂબ વેચાઈ રહ્યા છે, જે પરંપરાગત ટોનિક અને આધુનિક દવાઓનું મિશ્રણ દર્શાવે છે.
અમદાવાદ સ્થિત એક સિનિયર ફાર્મા ડિસ્ટ્રીબ્યુટર કહે છે કે લોકોના વર્તનમાં સ્પષ્ટ બદલાવ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને શહેરી વિસ્તારોમાં લોકો જાતીય સ્વાસ્થ્ય વિશે વાત કરવા અને તેનો ઉકેલ લાવવા માટે વધુ ખુલ્લા બન્યા છે. યુવાનોમાં મનોરંજન માટે પણ તેનો ઉપયોગ સામાન્ય બની રહ્યો છે, જે વેચાણ વધારવાનું એક મુખ્ય કારણ છે. પુરુષોમાં મેદસ્વીતા અને જીવનશૈલી સંબંધિત રોગો પણ વધી રહ્યા છે, જેના કારણે પણ નપુંસકતા વધે છે અને દવાઓનું વેચાણ વધે છે.
ઓનલાઈન ખરીદીએ પણ આ માંગને ગુપ્તતા આપીને વધુ મજબૂત બનાવી છે. સેલિબ્રિટી દ્વારા કરવામાં આવતા પ્રચાર અને વધતા તણાવને કારણે આ બજાર માત્ર વધી જ નથી રહ્યું પરંતુ વિકસિત પણ થઈ રહ્યું છે. ખાસ વાત એ છે કે યુવા વર્ગ પણ હવે આમાં વધુ રસ દાખવી રહ્યો છે – કેટલાક સમસ્યાઓના ઉકેલ માટે અને કેટલાક માત્ર અંગત પળોને વધુ સારી બનાવવા માટે.