જમીન અને મકાનનો કોર્ટ કેસ ચાલતો હતો; ગઈકાલે સમીસાંજે સામાન્ય તકરારે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું
ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના માલખવાડામાં જમીન અને મકાનના કાકા-ભત્રીજા વચ્ચે ચાલી રહેલા વિવાદમાં ગઈકાલે સમી સાંજે પત્નીની નજર સામે યુવાનને કાકાએ ધારીયાના ઘા ઝીંકી હત્યા કર્યાનો કિસ્સો પોલીસ ચોપડે નોંધાયો છે.
આ બનાવ અંગેની જાણવા મળતી વિગત મુજબ ભાવનગર જિલ્લાનાં ઘોઘાના માલખવાડામાં રહેતા અને સર ટી હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતી સ્નેહલતાબેન માર્શલ પટેલ ઉ.27 એ પોલીસમાં નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે પાડોશમાં રહેતા કાકાજી સસરા સુભાષભાઈ પટેલનું નામ આપ્યું છે.
પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે ફરિયાદીના પતિ માર્શલ દીપકભાઈ પટેલ ઉ.30 ને ઘોઘામાં 60 વિઘા જમીન આવેલ છે. જે બાબતે કાકા સુભાષ પટેલ સાથે ઘણા સમયથી વિવાદ ચાલ્યો આવતો હોય જે અંગેનો કોર્ટ કેસ પણ ચાલુ છે.
ગઈકાલે સાંજે માર્શલ પટેલ માલઢોર લઈ ઘરે આવી વાડામાં ઢોરબાંધી ઘરમાં જતા હતા ત્યારે પાડોશી કાકા સુભાષ પટેલ તેના ઘરના ઉંબરે ઉભો હતો અને મારી સામે જોઈને શું કાતર મારે છે તેમ કહી ઝઘડો કરવા લાગ્યા હતા સામાન્ય તકરારે ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લેતા કાકાએ ધારીયા સાથે ભત્રીજા પર હુમલો કરી માથામાં એક ઘા ઝીંકી દેતા માર્શલ પટેલ ઘટના સ્થળે જ પડી ગયો હતો. જયારે બીજો ઘા મારવા જતા પત્ની સ્નેહલતા વચ્ચે પડતા તેને હાથમાં ઈજા પહોચી હતી.
બાદમાં દેકારો થતા આરોપી નાસી છૂટયો હતો. જયારે ગંભીર રીતે ઘવાયેલા માર્શલ પટેલને સારવાર અર્થે ભાવનગરની સર ટી હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ તેનું સારવાર મળે તે પહેલા જ મૃત્યુ નિપજયું હતુ.
આ ઘટના અંગે ઘોઘા પોલીસે ગુનો નોંધી વિશેષ તપાસ પી.એસ.આઈ. એન.એમ. મંડેરા સહિતનો સ્ટાફ ચલાવી રહ્યો છે. અને આરોપીની ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.