અચાનક ભભૂકેલી આગમાં ૫૦ ઝૂંપડા સળગીને ખાખ: ચાર બકરા અને એક કુતરો જીવતા ભૂંજાયા: એક મહિલા દાઝી: પોલીસ અને કોર્પોરેશન અસરગ્રસ્તોની વહારે આવ્યું
શહેરના સામાકાંઠા વિસ્તારના અતિ પછાત ગણાતા કુબલીયાપરામાં ગઇકાલે સાંજે અચાનક લાગેલી આગમાં ૫૦ જેટલા ઝૂંપડા સળગીને ખાખ થઇ જતા બેઘર બનેલા પરિવારને પોલીસ અને કોર્પોરેશન તંત્રએ શાળા નંબર ૨૯માં આશરો આપી તમામને રહેવા અને જમવાની વ્યવસ્થા કરાવી હતી.
નવા થોરાળા વિસ્તારમાં સંસ્કાર કેન્દ્ર નજીક ૧૦૦ થી ૧૫૦ આવેલા ઝૂંપડા પૈકી ૫૦ જેટલા ઝૂંપડામાં ગઇકાલે સાંજના સાડા ચાર વાગ્યાના સુમારે અચાનક આગ ભભૂકી હતી. આગની જાણ ફાયર બ્રિગેડ ટીમને થતા ચીફ ફાયર ઓફિસર ભીખાભાઇ ઠેબા સહિતનો સ્ટાફ ૧૦ થી ૧૨ જેટલા ફાયર ફાયટર સાથે ઘટના સ્થળે પહોચી સતત બે કલાક સુધી પાણીનો મારો ચલાવી આગ બુઝાવી નાખી હતી.
ફાયર બ્રિગેડ સ્ટાફ આગ બુઝાવે તે પહેલાં ૫૦ જેટલા ઝૂંપડા સળગીને ખાખ થઇ જતા તેમાં વસવાટ કરતા ગરીબ પરિવારની અતિ આવશયક ચીજવસ્તુ સળગી જતા નોધારા બન્યા હતા. આગની લપેટમાં આવેલા ચાર બકરા અને એક કુતરો ભુંજાયા હતા જ્યારે એક મહિલાનો હાથ દાઝતા સારવાર માટે હોસ્પિટલમાં દાખલકરાઇ છે.
આગની જાણ થતા ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી પ્રદિપસિંહ જાડેજા, થોરાળા પી.આઇ. એસ.એન.ગડુ, આસિસ્ટન્ટ મ્યુ.કમિશનર વાસંતીબેન પ્રજાપતિ, વોર્ડ નંબર ૧૫ના કોર્પોરેટર, વિરોધ પક્ષના નેતા અને સામાજીક કાર્યકરો કુબલીયાપરામાં દોડી ગયા હતા અને ઝૂંપડપટ્ટીના રહીશોને સલાતમ સ્થળે લઇ જવાની વ્યવસ્થા કરી હતી.
અંદાજે ૫૦૦ જેટલી વ્યક્તિઓને શાળા નંબર ૨૯માં આશરો આપી બોલબાલા અને લોહાણા મહાજન ટ્રસ્ટ દ્વારા અસરગ્રસ્તોને જમવાની વ્યવસ્થા કરી હતી.
ઝૂંપડપટ્ટી ગુમાવતા બેઘર બનેલા પરિવારનો બીજા દિવસે પણ શાળા નંબર ૨૯માં આશરો આપવામાં આવ્યો હતો અને જમાડવાની વ્યવસ્થા કરી આપી હતી. ગઇકાલે બુધવારી હોવાના કારણે ઝૂંપડપટ્ટીના રહીશો કામ ધંધા માટે ગયા હોવાથી જાનહાની ન થઇ હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.