નિટ ની પરીક્ષામાં અંગ્રેજી માધ્યમમાં પુછાતા પ્રશ્નો નુ જ અનુવાંદન કરી પરીક્ષા લેવા માંગ ઉઠાવાઈ

મોરબી સરસ્વતી વિદ્યા સંકુલ દ્વારા નીટ ની પરીક્ષામાં થતા ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓને અન્યાય અંગે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી પરીક્ષામાં ગુજરાતી માધ્યમ માટે અલગ પ્રશ્નપત્રને બદલે અંગ્રેજી માધ્યમમાં પુછાતા પ્રશ્નોનો અનુવાદ પૂછવા માંગ ઉઠાવી હતી.

આવેદનમાં જણાવ્યા મુજબ શિક્ષણક્ષેત્રે થઈ રહેલા કેટલાંક પરિવર્તનોથી ગુજરાતી માધ્યમ નાના શહેરો અને ગામડાઓનાં વિદ્યાર્થીઓને થઈ રહેલી તકલીફો અંગે માધવ શિક્ષણ અને સેવા પ્રતિષ્ઠાન મોરબી સંચાલિત શ્રી સરસ્વતી વિદ્યામંદિર સંકુલ દ્વારા શિક્ષણમંત્રી અને મોરબી જિલ્લા કલેકટરને આવેદન પાઠવી જણાવવામાં આવ્યું છે કે, દર વર્ષે પરીક્ષાનાં પરિણામ અને પ્રવેશ પ્રક્રિયામાં પ્રશ્નો ઉભા થાય છે. શું આ અંગે આગોતરું આયોજન ન થઈ શકે? ભાર વિનાના ભણતર અને ટેન્શન ફ્રી શિક્ષણનાં સમયમાં વિદ્યાર્થીઓ પર લટકતી તલવાર કેમ છે? આ સમયે ગુજરાતનું ગૌરવ ગુજરાતી માતૃભાષા લુપ્ત થતી હોય એવું લાગે છે.

આ વર્ષે મેડિકલમાં નીટની પરીક્ષા આવી જે વિદ્યાર્થીઓએ નાછુટકે સ્વીકારી. પરંતુ સ્ટેટ કોટાની ૮૫ ટકા સીટો ગુજરાત બોર્ડનાં વિદ્યાર્થીઓ માટે છે. જ્યારે પ્રોરેટા એડમિશન પ્રક્રિયા રદ્દ કરીને ગુજરાતી માધ્યમ અને ગુજરાતી બોર્ડમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સીધો અન્યાય કરવામાં આવ્યો છે. નીટની પરીક્ષામાં પેપરો જુદા નીકળી વિદ્યાર્થી અને વાલીને અન્યાય કરવામાં આવ્યો છે.

સીબીએસસી દ્વારા લેવાતી નીટની પરીક્ષાનાં અંગ્રેજી પ્રશ્નપત્રનું જ ગુજરાતી પેપર અનુવાદ હોવો જોઈએ. આ બાબતને ગંભીરતાથી ધ્યાનમાં લેવામાં નહીં આવે તો મેડિકલની ૩૦૦૦ સીટોમાં દર ૧૦૦ સીટોએ ૯૫ સીટ પર અંગ્રેજી અને ૫ સીટ પર ગુજરાતી માધ્યમનાં વિદ્યાર્થીઓને પ્રવેશ મળશે. આથી માતૃભાષામાં શિક્ષણ મેળવતા વિદ્યાર્થીઓનું શું તેવો પ્રશ્ન સરસ્વતી વિદ્યામંદિર સંકુલે જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી ઉઠાવ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.