ઉપલેટા તાલુકાના સ્વામિનારાયણ ગુરુકુલ ખીરસરામાં પ્રમુખ શાસ્ત્રી નારાયણ સ્વ‚પદાસજી સ્વામીના સાંનિધ્યમાં ધો.૧૦-૧૨ના વિદ્યાર્થીઓનો ભવ્ય, દિવ્ય અને વિશિષ્ટ વિદાય સમારંભ યોજાયો હતો. જેમાં વિદ્યાર્થીઓએ વિહારત્મક વિદાય ગીતો અને ભાવાત્મક પ્રવચનો કરી પ્રાચીન ઋષિગુરુકુલની વિદાય સમારંભની યાદ તાજી કરાવી સૌને કરૂણરસમય કરી દીધા હતા.
આ પ્રસંગે પૂજયપાદ ગુરુજીએ વિદાયનો વિચાર આપતા કહ્યું કે ‘તુંમ તજે હમ ના તજે, તુંમ છોડે હમના છોડે અને તુંમ ભુલે હમના ભુલે એ ભાવાત્મક વિષય પર મનનીય પ્રવચન આપી વાલી અને વિદ્યાર્થીઓને ભાવવિભોર કરી દીધા હતા અને અંતમાં માતૃ દેવો ભવ, પિતૃ દેવો ભવ, ગુરુ દેવો ભવ અને આચાર્ય દેવો ભવનો ભવ્ય બોધપાઠ આપ્યો હતો. વિદાય સમારંભ તો શાળા મહાશાળા અને ગુરુકુલોમાં યોજાતો હોય છે પરંતુ ખીરસરા ગુરુકુલમાં યોજાયેલ વિદાય સમારંભમાં ધો.૧૦-૧૨ વિદ્યાર્થીઓએ પોતાના માતા-પિતાના ભાવ પૂજન સાથે સૌને ભાવભીના કરી એક વિશિષ્ટ વિદાય સમારંભની ઝાંખી કરાવી હતી.