- પરાપીપળીયા નજીક યુવાનની ગાડી પાછળ બોલેરો ઘુસાડી ર્ક્યો ખુની હુમલો
- ધોકા-પાઇપ વડે માર મારી કારમાં તોડફોડ કરી: આઠ શખ્સો સામે રાયોટિંગ અને હત્યાની પ્રયાસનો નોંધતો ગુનો
શહેરના વર્ધમાનનગરમાં રહેતા યુવાન પર તેમના જ મામાના પુત્રોએ ખંઢેરી ખાતે આવેલી કરોડોની જમીન પચાવી પાડવાના ઇરાદે કાર નીચે કચડી નાખી હત્યા કરવાનો પ્રયાસ કર્યાની ફરિયાદ ગાંધીગ્રામ પોલીસ મથકમાં નોંધાઈ છે. મામાના પુત્રો સહિત આઠ શખ્સોએ યુવાનની ગાડીને ઠોકર મારી તેમાં તોડફોડ કરીને નાસી જતા પોલીસે રાયોટિંગ અને હત્યાની કોશિષનો ગુનો નોંધી આરોપીઓની શોધખોળ હાથધરી છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ વર્ધમાનનગરમાં રહેતા અને ખેતી કામ કરતા વિક્રમભાઈ કાનાભાઈ સોમારા(ઉ.વ.36) પર તેના મામાના પુત્રો મેરામ મેણાંદ જળું, ઘનશ્યામ લાખા જળું અને પ્રકાશ લાખા જળું સહિત આઠ શખ્સોએ ખૂની હુમલો કર્યાની ઘટના ગાંધીગ્રામ પોલીસ મથકમાં નોંધાતા પીઆઇ જી.એમ. હડિયા સહિતના સ્ટાફે તપાસના ચક્રોગતિમાન હાથધર્યા છે.
પોલીસ ફરિયાદમાં વિક્રમભાઈ સોનારાએ જણાવ્યા મુજબ ખંઢેરી ખાતે આવેલી રૂ.4 થી 5 કરોડની 6 એકર જમીન બાબતે તેમના મામાના પુત્રો સાથે છેલ્લા સાતેક મહિનાથી માથાકૂટ ચાલી રહી છે. ત્રણ માસ પહેલા આરોપીઓએ જમીન બાબતે વાંધા અરજી પણ દાખલ કરાવી હતી. પરંતુ તેમ છતાં કઈ ન થતા ગઈ કાલે વિક્રમભાઈને મારવાનો પ્રયાસ કર્યો હતો.
આ ઘટના અંગે પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ ગઈ કાલે ફરિયાદી વિક્રમભાઈ સોનારા પરાપીપડીયા સાઈડથી જામનગર હાઈવે તરફ જતા હતા ત્યારે એક બોલેરો ચાલકે તેમની સિલેરિયો કારમાં ટક્કર મારી હતી. ત્યાર બાદ ફરિયાદીએ કાર પર કાબુ મેળવીને બોલેરો તરફ જોતા તેમાં તેમના મામાના પુત્રો મેરામ જળું, ઘનશ્યામ જળું અને પ્રકાશ જળું સાથે અન્ય પાંચ શખ્સો હતા. આ તમામ શખ્સોએ બોલેરોમાંથી ઉતરી ધોકા-પાઇપ વડે યુવાનની કારમાં તોડફોડ કરી માર માર્યાનું પણ ફરિયાદમાં જણાવ્યું હતું.
વિક્રમભાઈ સોનારાને મારી નાખવાના જ ઇરાદે બોલેરોથી ઠોકર મારી કચડી નાખવાનો પ્રયાસ કર્યો હતો. આ તમામ કાવતરું તેમના પિતરાઈ ભાઈઓનું જ હોવાનું અને ખંઢેરી પાસે આવેલી સર્વે નંબર 110ની જમીન પચાવી પાડવાના ઇરાદે ઘડ્યું હોવાનું પણ સામે આવ્યું છે.
છેલ્લા સાતેક મહિનાથી ચાલતી જમીનની અદાવતમાં વિક્રમભાઈના મામાના પુત્રી મેરામ, ઘનશ્યામ અને પ્રકાશ પોતાના પાંચ સાગરીતો સાથે મળી ખૂની હુમલો કર્યાની ઘટના પોલીસ ચોપડે નોંધાઈ હતી. યુવાનને કાર નીચે કચડી નાખવાનો પ્રયાસ કરી ધોકા-પાઇપ વડે માર માર્યાની ફરિયાદ નોંધાવતા પોલીસે આઠેય શખ્સો સામે રાયોટિંગ, ખૂની હુમલા સહિતના ગુના નોંધી વધુ તપાસ હાથધરી છે.