મુખ્યમંત્રીના પત્રને પણ અવગણી જવાબદાર એકપણ અધિકારી છાવણી પર ફરકયા નથી: કોઈ ગૌભકત આત્મવિલોપન કરશે તો જવાબદાર કોણ ?
જુનાગઢ મનપાની બેદરકારીના કારણે ૧૩૮૦ ગૌવંશના મૃત્યુ થયાના મામલે આખાય પંથકમાં ખળભળાટ મચ્છા બાદ જવાબદાર અધિકારીઓએ પ્રજા સમક્ષ તપાસ સમિતિ રચી તપાસનું તરકાટ ચાલુ હોવાનું પ્રદર્શન કર્યા રાખ્યું હતું. એક તબકકે સામાન્ય પ્રજાજનને આખોય મામલો થાળે પડાઈ રહ્યા હોવાનું લાગી રહ્યું હતું.
આ બાબતે કડીયાવાડ વેપારી એસોસીએશન, સાધુ-સંતો અને ગૌભકતોના ધ્યાને આવતા આ મામલો ઉચ્ચ સ્તરીય તપાસની માંગ સાથે જુનાગઢના કાળવા ચોક ખાતે છેલ્લા પંદર દિવસ કરતા વધુ સમયથી ઉપવાસ આંદોલન શરૂ કર્યું હતું જેમાં બુધવારના સાંજના સુમારે અમુક ગૌભકતોએ મુંડન કરાવ્યું હતું.
આ અંગે વધુ વિગત અનુસાર જુનાગઢ મનપાની બેદરકારીના કારણે ૧૩૮૦ જેટલા ગૌવંશના કમકમાટીભર્યા મોત બાદ મનપાના ઉચ્ચ અધિકારીઓએ તપાસ કમિટીની રચના તો કરી નાખી હતી પરંતુ હજુ સુધી આ કમિટીનો રીપોર્ટ પ્રજા સમક્ષ જાહેર કરવામાં ન આવતા સ્થાનિક ગૌભકતો ઉચ્ચસ્તરીય તપાસની માંગને લઈને કાળવા ચોક આંબેડકરની પ્રતિમા પાસે પ્રતિક ઉપવાસ આંદોલન શરૂ કરી દેતા શહેરભરમાં આ મામલે ચર્ચાઓ ઉઠવા પામી હતી.
જેમાં બુધવારના સાંજના સુમારે તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી હાથ ન ધરાતા ગૌપ્રેમીઓએ મુંડન કરાવી આ મામલે રોષ વ્યકત કર્યો હતો બીજી તરફ ગૌપ્રેમીઓએ આ મામલે આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી હોય મુખ્યમંત્રીએ પણ પત્ર મારફતે સ્થાનિક અધિકારીઓને ગૌપ્રેમીઓને સંતોષકારક કામગીરી કરવા તેમજ આત્મવિલોપન જેવુ પગલુ ન ભરે તેવી તાકીદ કરી છે. જયારે તંત્રનું ભેદી મૌન ગૌપ્રેમીઓને દિવસેને દિવસે અકળાવી રહ્યું છે ત્યારે કોઈ ગૌપ્રેમી આત્મવિલોપન કરશે તો જવાબદાર કોણ ? તેવો વૈદ્યક સવાલ પણ જનમાનસ પર છવાઈ ગયો છે.