સોમવારે ’રામોત્સવ’ને લઈ ઇતિહાસમાં પ્રથમ વખત આજે શનિવારના દિવસે પણ શેરબજાર ચાલુ રહ્યું છે. આજના દિવસે માર્કેટમાં તેજી જોવા મળી રહી છે.
ભારતીય શેરબજારમાં આજે એટલે કે 20મી જાન્યુઆરીએ તેજી જોવા મળી રહી છે. સેન્સેક્સ 325 પોઈન્ટના વધારા સાથે 72,008 પર ખુલ્યો. આ સાથે જ નિફ્ટીમાં પણ 84 પોઈન્ટનો વધારો થયો છે. તે 21,706ના સ્તરે ખુલ્યો હતો. શરૂઆતના ટ્રેડિંગ દરમિયાન સેન્સેક્સના 30 શેરોમાંથી 28માં વધારો જોવા મળ્યો હતો અને માત્ર 2માં ઘટાડો જોવા મળ્યો હતો.
સેન્સેક્સ 325 પોઇન્ટ અને નિફટી 84 પોઇન્ટના વધારા સાથે ખુલ્યા
આજે ઘણી કંપનીઓ તેમના ત્રિમાસિક પરિણામો જાહેર કરવા જઈ રહી છે. તેમાં કોટક મહિન્દ્રા બેંક, કેન ફિન હોમ્સ, આઇસીઆઇસીઆઇ બેંક, આઇડીબીઆઈ બેંક, આઇડીએફસી ફર્સ્ટ બેંક, આઈઆરઇડીએ, જમ્મુ અને કાશ્મીર બેંક, જેકે સિમેન્ટ, પર્સિસ્ટન્ટ સિસ્ટમ્સ અને યુનિયન બેંકનો સમાવેશ થાય છે.
ભારતીય શેરબજાર સોમવારે રામ મંદિરના ઉદ્ઘાટન પ્રસંગે બંધ રહેશે. આ દિવસે બોમ્બે સ્ટોક એક્સચેન્જ અને નેશનલ સ્ટોક એક્સચેન્જ પર કોઈ ટ્રેડિંગ થશે નહીં. અયોધ્યામાં રામ મંદિરના અભિષેક સમારોહને કારણે મહારાષ્ટ્ર સરકારે 22 જાન્યુઆરીએ રાજ્યમાં રજા જાહેર કરી છે. અહેવાલો અનુસાર, આ કારણોસર શેરબજારમાં પણ રજા જાહેર કરવામાં આવી છે.
જો કે, તેના બદલે હવે શનિવાર (20 જાન્યુઆરી)ના રોજ શેરબજાર ખોલવાનો આદેશ જારી કરવામાં આવ્યો છે. અત્યાર સુધી શનિવારના રોજ માત્ર બે કલાક માટે બજાર ખોલવાની યોજના હતી. જો કે, નવા પરિપત્ર મુજબ, હવે શનિવારના રોજ આખો દિવસ બજારમાં સવારે 9:00થી બપોરના 3:30 વાગ્યા સુધી વેપાર થશે. રવિવારે (21 જાન્યુઆરી) રજાના કારણે બજાર રાબેતા મુજબ બંધ રહેશે.