ખુદ ભાજપનાં સભ્યોએ જ પ્રશ્નોની બોછાર વરસાવી
જસદણ નગરપાલિકા કચેરી ખાતે પાલિકાને લગતા પ્રશ્ર્નોનો એક લોકદરબાર યોજાયો હતો. રાજયનાં કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાનાં અધ્યક્ષસ્થાને યોજાયેલ. લોકદરબારમાં પ્રજા કરતાં ખુદ ભાજપ શાસિત પાલિકાનાં સદસ્યોએ પ્રશ્નોની હારમાળા સર્જી હતી ત્યારે આ પ્રશ્ર્નો હલ થશે કે કેમ ? તે આગામી સમય જ બતાવશે.
દોઢ વર્ષ પહેલા જસદણ નગરપાલિકાની સામાન્ય ચુંટણી યોજાઈ હતી. જેમાં ૨૮ સભ્યોમાંથી ૨૩ સભ્યો ભાજપનાં ચુંટાયા ત્યારથી ઘણી હોદાઓમાં ઉથલપાથલ થઈ અને ભ્રષ્ટાચાર, ગેરરીતી, કૌભાંડોની ખુદ ભાજપનાં સભ્યોએ છેક ગાંધીનગર સુધી લેખિત-મૌખિક રજુઆત કરી પણ આ અંગે એકપણ કૌભાંડીયાને સજા આપવામાં તંત્ર નિષ્ફળ નિવડતા આજના લોકદરબારમાં પ્રજા અને ભાજપનાં સભ્યોએ રજુ કરેલા અણઉકેલ કામો થશે ખરા. આજના લોકદરબારમાં પાણી ગટર, રોડ રસ્તા, ગટરનાં ઢાંકણા જેવા અનેક પ્રશ્ર્નો રજુ થયા. ખાસ કરીને શહેરનાં કેટલાય વિસ્તારોમાં પાણી સમયસર પુરતુ ન આવવાની રજુઆત ખુદ ભાજપનાં સદસ્યોએ કરી હતી. આ બારામાં ચર્ચા ચાલી રહી હતી.