આ વર્ષના પંચાંગમાં બે શ્રાવણ માસ હોવાથી પ્રથમ શ્રાવણ માસને નગણ્ય કરી નિજ શ્રાવણ માસ અર્થાત બીજા શ્રાવણ માસમાં શ્રાવણ સુદ-13, તા. 12-9-23 થી જૈનોના પર્યુષણ પર્વનો પ્રારંભ થશે. અને ભાદરવા સુદ પંચમી (ચોથ) ના સંવત્સરી પર્વ તા. 19-9-ર3 ના ઉજવાશે. સંઘ શકિત કલૌ યુગે યુગેના સુત્રાનુસાર સાંપ્રત સમય સંગઠનનો છે. તેવા શુભાશયથી ગુજરાતની મુખ્ય સ્થાનકવાસી સંપ્રદાય ગોંડલ, લીંબડી, ખંભાત, બરવાળા, બોટાદ, સાંણી, કચ્છ મોટી પક્ષ, નાની પક્ષતેમજ શ્રમણ સંઘ, તેરાપંથ, તપાગચ્છની સંવત્સરી એક જ દિવસે હોવાથી જૈન સમાજમાં ધર્મોલ્લાસ છવાયો છે.
સ્થાનકવાસી પંચાંગ ચૈત્ર માસમાં પ્રગટ થવાના બદલે હવેથી વીર સંવત પ્રારંભે એટલે કારતકથી આસો માસ સુધીનું પ્રગટ થશે. ઘણીવાર હિંદુ પંચાંગ અને જૈન
પંચાંગની તિથિઓમાં 1-ર દિવસનો ફેરફાર જોવા મળતો હોય છે. વધુને વધુ સમન્વય સરલ બને તેવા ભાવથી ક્ષયતિથિ અને વૃઘ્ધિ તિથિનો સમાવેશ કરાશે. મુંબઇ સમાચારના પંચાંગ કર્તા સોનલબેન શાહ પરમાર્શક બની અથાગ જહેમત ઉઠાવી રહેલ છે. તેમ સંવાદ શ્રેણીમાં પૂ.શ્રી ધીરગુરુદેવે જણાવ્યું હતું.