દેશમાં ફરીથી કમળ ખિલવવાના ભાજપના પ્રયાસો વચ્ચે મધ્યપ્રદેશમાં કોંગ્રેસના કમલનાથ રોજગારી મુદ્દે ખીલી ઉઠયા
ગ્રામીણ બેરોજગારોને ૧૦૦ દિવસની રોજગારી પુરી કરવાની યોજનાના અમલ માટે મધ્યપ્રદેશની કોંગ્રેસ સરકારના કમલનાથના પ્રયાસોથી મધ્યપ્રદેશ ૧૦૦ દિવસની યોજનાનો અમલ કરાવનાર પ્રથમ રાજય બન્યું છે.
લોકસભાની ચુંટણી માથે આવી ગઈ છે ત્યારે કમલનાથ ભાજપને બરાબર જવાબ આપવા એક પછી એક નિર્ણયો જાહેર કરી રહ્યા છે. અગાઉ ગૌ હત્યાને રાષ્ટ્રદ્રોહનો ગુનો ગણવાની કમલનાથે પહેલ કરી ભાજપનો ગૌપ્રેમ મુદાનો જવાબ આપ્યો હતો. હવે ભાજપના કિશાન, ગરીબ અને યુવા પ્રેમના દાવા સામે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી ગ્રામીણ વિસ્તારોમાં ૧૦૦ દિવસની રોજગારીની યોજના અમલમાં મુકીને દેશના તમામ રાજયોથી આગળ નિકળી ગયું છે. કમલનાથે અનેક ક્ષેત્રમાં યુવાનોને શૈક્ષણિક લાયકાત મુજબ કામ આપવાની કવાયત હાથધરી છે. અત્યાર સુધી ૧,૬૮,૦૦૦ ગ્રામીણ બેરોજગારોએ કરેલી અરજીમાંથી ૬૪,૦૦૦ યુવાનોને વિવિધ સરકારી યોજનાઓમાં કામે લગાડી દેવામાં આવ્યા છે.
સ્થાનિક પંચાયતીરાજની સંસ્થાઓ અને સ્કીલ ટ્રેનિંગ કેન્દ્રોમાં રોજગારીની તકો ઉભી કરવામાં આવી રહી છે. કોઈપણ પ્રકારની શૈક્ષણિક લાયકાતની મર્યાદા વગર બેરોજગારોને લાયકાતની આવડત ઉપર વાર્ષિક ૧૦૦ દિવસની રોજગારી માટે સરકાર બેરોજગારોને કામે લગાવી રહી છે. ઉમેદવારોની વયમર્યાદા ૨૧ થી ૩૦ વર્ષ રાખવામાં આવી છે. સરકારે રોજગારવાંચ્છુ ઉમેદવારોને ત્રણ વિકલ્પ આપ્યા છે. તેનું કામની ફાવટ મુજબ રોજગારી વય મર્યાદા મુજબની રોજગારી અને શૈક્ષણિક લાયકાતના ધોરણે આપતા કામોમાં જે પણ પસંદ પડે તે મુજબ કામ કરી શકાશે.
પશુપાલન, હિસાબનીશ સહાયક, ફાયર ઓપરેટર, સ્ટોર કિપર, સેન્ટર હોમના મેનેજર, પાણી પુરવઠા, મોટર મિકેનીક, ઈલેકટ્રીશીયન, સુપરવાઈઝર, પી.આર.ઓ. જે.સી.બી.ડ્રાઈવર સહાયક કંડેકટર, ફાયરમેન, ફોટોગ્રાફર, સુથાર, વેલ્ડર, સરકારી કચેરીઓમાં ઈલેકટ્રોનિક ચીજોનું રીપેરીંગ બિન વિતરણ લીગલ એડવાઈઝર સહાયક વિડીયોગ્રાફર, સ્ટોરકીયર, સર્વેયર, સફાઈ સહાયક, સિકયુરીટી ગાર્ડ જેવી નોકરીઓ માટે નગરપાલિકા કચેરીઓમાં નોંધણી કરવામાં આવી રહી છે. ૧૦ દિવસની તાલીમ બાદ ઉમેદવારો પોતાની ‚ચિ મુજબ કામ મેળવી શકાશે. તાલીમાર્થીઓને મફત તાલીમ, સ્ટાઈયેન ૧૩,૩૦૦ની મર્યાદામાં આપવામાં આવશે.
મધ્યપ્રદેશ સરકાર આ વર્ષે જ ત્રણ તબકકામાં યુવાનોને રોજગારી આપવાનું લક્ષ રાખ્યું છે. દર ચાર મહિને બે લાખ યુવાનોને કામ અપાશે. ૯૦% સ્ટાઈપેન સરકાર તરફથી અને ૧૦% નગરપાલિકા દ્વારા આપવામાં આવશે. યુવા સ્વાભિમાન યોજના અંતર્ગત નગરપાલિકાઓને વરસમાં ૧૦૦ દિવસ કામ માટે યુવાનોની રોજગારીની વ્યવસ્થાની જવાબદારી આપવામાં આવી છે. મધ્યપ્રદેશની કમલનાથ સરકાર ગ્રામીણ વિસ્તારોમાં યુવાનોને ૧૦૦ દિવસની રોજગાર ગેરેન્ટી યોજનાનું પ્રથમ રાજય બન્યું છે.