મોરબીની મચ્છુ નદી વધુ એકવાર ગોઝારી બની છે, 1979માં મચ્છુ ડેમ હોનારત દાયકાઓ સુધી ભુલાવવાની નથી ત્યારે ગઈકાલે સાંજે મોરબીનુંગૌરવ ગણાતા અને તાજેતરમાં જ રીનોવેટ થઈને નવા સાજસજીને તૈયાર થયેલ ઝૂલતો પુલ ધરાશાઇ થઈ જતા સર્જાયેલી કરુણાતીકા માં રવિવારની રજા અને દિવાળીના તહેવારોના વિદાય માં આનંદ અને ફરી લેવાની મોજ પૂરી કરવાના ઉત્સાહ ના માહોલમાં  થયેલા ઝુલતા પુલની કરુણાતીકામાં સવાસોથી વધુ આનંદ મગ્ન, બાળકો મહિલાઓ યુવાનો અને વડીલો ધડાકાભેર મચ્છુ નદીમાં હોમાઈ ગયા, રજવાડી પુલ પર થતા આનંદ, કિલ્લોલ પલવારમાં મરણચિસો અને માતમમાં ફેરવાઈ ગયો, કોણ કોને બચાવે, કોણ કોને સાત્વના આપે ,તે નિરુત્તર પરિસ્થિતિ વચ્ચે સમગ્ર રાજ્ય અને દેશભરમાં શોકનો માહોલ છવાયો છે…

ત્યારે આ દુર્ઘટના પર હવે તપાસ અને દોષસંશોધનની પ્રક્રિયા શરૂ થઈ છે.. ત્યારે હકીકતમાં દોષ કોનો છે? તે શોધવાના બદલે મોતના માતમની આ ઘટના માંથી એ વાતનો બોધ લેવો જોઈએ કે માત્ર ક્ષુલ્લક બેદરકારીના કારણે જીવલેણ દુર્ઘટનાઓની પરંપરા આજના ટેકનોલોજીના યુગમાં સર્જાવી ન જોઈએ…

દેશમાં વિજ્ઞાન ટેકનોલોજી અને ખાસ કરીને ડિઝાસ્ટર મેનેજમેન્ટ, હવામાન પૂર્વાનુમાન સુનામી વરસાદ વાવાઝોડા ની કુદરતી આફતો ના આગમનપૂર્વે કલાકો અને દિવસો અગાઉ જાણકારી મળી જાય છે અને કુદરતી આફતો નું ઓછામાં ઓછું નુકસાન થાય તેવી વ્યવસ્થા નો સદઉપયોગ થાય છે ત્યારે મોરબી જુલતાપુલની આ દુર્ઘટના અવશ્ય આપણે બેદરકારીને કારણે સર્જાઈ હોવાનું સ્વીકારી લેવું એ અનિવાર્ય છે, હવે પુલની આવરદા, ક્ષમતા અને ગુણવત્તા ની ચકાસણી અને તપાસની પ્રક્રિયા હાથ ધરાશે ..ત્યારે પ્રારંભિક તબક્કે ઉત્સાહના માહોલમાં વધારે પડતી જનસંખ્યા આ હોનારત માટે કારણભૂત હોવાનું તથ્ય બહાર આવ્યું છે

માત્ર ને માત્ર વ્યવસ્થાપન અને ક્રાઉડ મેનેજમેન્ટમાં રહેલી ખામી અને પૂલની ક્ષમતાના વધુ પડતા આત્મવિશ્વાસના કારણે આ દુર્ઘટના સર્જાય હોવાનું માની લઈએ તો પણ મોરબી કરુણાતિકામાં પૂર્ણ તપાસ અને દોષ સામે આખરી કાર્યવાહી સામે બાંધછોડની કોઈ ગુંજાઈ જ ન હોવી જોઈએ.. પરંતુ આ કરુણાંતિકાને બોધ ગણીને ભવિષ્યમાં હવે ક્યારેય આવી હોનારત ન થાય તેનો સંકલ્પ અને આવશ્યક પગલાં લેવા એ જ આ દુર્ઘટના મૃત્યુ પામનારા તમામની આત્માને સાચી શ્રદ્ધાંજલિ ગણાશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.