એલ જી મેડિકલ કોલેજના ડીન, અમદાવાદના પૂર્વ ડે. મેયર ડો દિપ્તીબેન શાહની મહત્વપૂર્ણ જવાબદારી માટે ગુજરાતમાંથી પસંદગી
આપણા રાષ્ટ્રની પ્રગતિની સાથે સાથે મહિલાઓ માટે શિક્ષણ અને કારકિર્દીનાં ક્ષેત્રે વધુ અને વધુ અવસરોની ક્ષિતિજો વિકસી રહી છે, ત્યારે માતૃત્વમાં પ્રવેશ કરતી મહિલાઓની યોગ્ય ઉંમર, પોષણ અને સ્વાસ્થ્ય ના સ્તરમાં સુધારાની તાતી આવશ્યકતા છે , આ અંતર્ગત મહિલાઓના ઉચ્ચ શિક્ષણને વેગ આપવા શું કરી શકાય તે માટેના સૂચનો , લગ્ન અને માતૃત્વની ઉંમરના સહસંબંધ ને લક્ષમાં રાખી તે અંગે પુનર્વિચાર, નવજાત શિશુ મૃત્યુદર, માતૃત્વ મૃત્યુદર , દીકરીઓનો જન્મદર જેવા મહત્વના મુદ્દાઓ ધ્યાનમાં રાખી તેના ઉપાયો માટે નીતિ વિષયક ભલામણો તૈયાર કરવામાં આવશે , અને આ ભલામણોના સમર્થનમાં આવશ્યક નવા કાયદાઓ તેમજ પ્રવર્તમાન કાયદાઓમાં જરૂરી ફેરફારો પણ સૂચવવામાં આવશે.
ડો. દીપ્તિ બેન શાહ એલ. જી. મેડિકલ કોલેજના ડીન છે , વિખ્યાત સામયિક ન્યૂઝ વીકના આકલન પ્રમાણે આ કોલેજ ભારતની શ્રેષ્ઠ ૧૫ મેડિકલ કોલેજમાં સ્થાન ધરાવે છે. અમદાવાદ મહાનગપાલિકાના ૧૩ વર્ષ સુધી કાઉન્સિલર રહેલા ડો દીપ્તિ બેન શાહ ડેપ્યુટી મેયર તથા હોસ્પિટલ કમિટીના અધ્યક્ષ રહેલા છે, હોસ્પિટલ વ્યવસ્થાપનમાં તેમણે કરેલા વિવિધ નિર્ણયો સીમાચિહ્નરૂપ ગણાય છે. ભારતીય યોગ અને ધ્યાન પ્રણાલી દ્વારા આરોગ્ય અને જીવનમાં થતાં ગુણાત્મક પરિવર્તનો માટે પૂજ્ય શ્રી શિવકૃપાનંદ સ્વામીની સંસ્થા સાથે વૈજ્ઞાનિક સંશોધનોમાં કાર્યરત છે. જયા જેટલીની અધ્યક્ષતામાં બનેલી આ અત્યંત મહત્વપૂર્ણ નીતિ નિર્ધારક સમિતિમાં ડો દીપ્તિ બેન શાહ ગુજરાતમાંથી એક માત્ર સભ્ય નિયુક્ત થયેલ છે , તેમને આ તકે જાહેર જીવન, મહિલા જગત તેમજ મેડિકલ ક્ષેત્રમાં અગ્રણીઓએ શુભકામનાઓ પાઠવેલ છે.